હોમપેજગુજરાતભાવનગરના ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ સ્મશાન ભૂમિ નજીક મુસ્લિમ પરિવારે દફનાવ્યો...

ભાવનગરના ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ સ્મશાન ભૂમિ નજીક મુસ્લિમ પરિવારે દફનાવ્યો મૃતદેહ, હાઇકોર્ટના આદેશ બાદ ખસેડાયો: શું હતો વિવાદ, કોર્ટે શું કહ્યું

મુસ્લિમ પરિવારે હાઇકોર્ટમાં કહ્યું– કબ્રસ્તાન ફૂલ હતું. તપાસ કરવામાં આવી તો જગ્યા ઉપલબ્ધ હોવાનું ખુલ્યું. કોર્ટે કહ્યું– ગમે ત્યાં દફનવિધિ ન કરી શકાય.

- Advertisement -

ભાવનગરના ગારિયાધારના એક ગામમાં એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને હિંદુ સ્મશાન ભૂમિ નજીક એક વિવાદિત જમીનમાં દફનાવતાં વિવાદ સર્જાયો હતો. મામલો હાઇકોર્ટમાં પહોંચતાં હાઇકોર્ટે મૃતદેહ ખસેડવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પરિવારે સ્વેચ્છાએ કોઈ કાર્યવાહી ન કરતાં આખરે તંત્રએ 27 જુલાઈએ (સોમવાર) કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદિત જમીનમાંથી મૃતદેહ કાઢીને કબ્રસ્તાનમાં ખસેડી દીધો હતો.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર વિવાદની શરૂઆત 11 જૂન 2026ના રોજ થઈ હતી. ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં એક મુસ્લિમ પરિવારમાં એક અવસાન થયું. ત્યારબાદ મૃતદેહ ગામના કબ્રસ્તાનમાં નહીં પણ હિંદુ સ્મશાન ભૂમિ નજીકની એક જમીનમાં દફનાવવામાં આવ્યો, જે વિવાદિત છે.

ગામમાં પૂરતી જગ્યા ધરાવતું અલગ કબ્રસ્તાન હોવા છતાં સ્મશાનની બાજુમાં આવેલી 27 ગુંઠા જમીન પર દફનવિધિ કરવામાં આવતાં સ્થાનિક હિંદુ ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ હતો કે જાણીજોઈને આવી જગ્યા પસંદ કરીને ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

વિવાદ વધતાં ગામલોકો ગારિયાધાર તાલુકા મામલતદાર પાસે પહોંચ્યા અને મૃતદેહ ખસેડવા માટે રજૂઆત કરી હતી. દરમ્યાન ગારિયાધાર પોલીસ મથકે સરપંચની ફરિયાદના આધારે મકબુલ, મુબારક, રજાક, અલ્તાફ વગેરે સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો 196, 298, 301, 11 અને 189 મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો.

ત્યારબાદ ગ્રામ પંચાયતે મુસ્લિમ પરિવારને એક નોટિસ ફટકારીને ગામમાં કબ્રસ્તાન હોવા છતાં અન્ય વિવાદિત જમીનનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો તેનું કારણ જણાવવા માટે કહ્યું હતું. ઉપરાંત નોટિસમાં એવો પણ ઉલ્લેખ હતો કે જો પંચાયતને યોગ્ય જવાબ નહીં મળે તો યોગ્ય મજહબી વિધિઓ સાથે મૃતદેહને સ્થાનાંતરિત કરવામાં આવશે.

દરમ્યાન મુસ્લિમ પક્ષે પાલિતાણા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ વિવાદિત જમીનને મુસ્લિમ કબ્રસ્તાન તરીકે માન્યતા આપવાની પણ એક અરજી દાખલ કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી. જેના વિરોધમાં મુસ્લિમ પરિવાર ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ગ્રામ પંચાયતની નોટિસ અને ડેપ્યુટી કલેક્ટરના નિર્ણયને પડકાર્યો હતો.

મુસ્લિમ પક્ષે કહ્યું– કબ્રસ્તાન ફૂલ છે, કોર્ટે તપાસના આદેશ આપ્યા તો દાવો ખોટો નીકળ્યો

હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ દાવો કર્યો હતો કે જૂના વડોદરા રાજ્યના ગાયકવાડી મહેસૂલી રેકોર્ડ મુજબ આ 27 ગુંઠા જમીનનો અમુક ભાગ અગાઉ દફનવિધિ માટે દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તે નોંધ દૂર કરવામાં આવી હતી. અરજદારોએ એવી પણ દલીલ કરી હતી હાલમાં જે કબ્રસ્તાન છે તે ભરાઈ ગયું છે તેથી તેમણે દફનવિધિ વિવાદિત જમીન પર કરવી પડી હતી.

આ દલીલો બાદ હાઇકોર્ટે મહેસૂલ અને પંચાયત વિભાગને સ્થળતપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ બાદ હાઇકોર્ટને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગામનું સત્તાવાર મુસ્લિમ કબ્રસ્તાન આશરે 700 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, તેની ફરતે કમ્પાઉન્ડ વોલ છે અને લગભગ અડધો ભાગ હજુ પણ ખાલી છે. આ રિપોર્ટથી અરજદારોનો દાવો ખોટો સાબિત થયો અને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે કબ્રસ્તાનમાં હજુ પૂરતી જગ્યા ઉપલબ્ધ હતી, તેમ છતાં વિવાદિત જમીનમાં, હિંદુ સ્મશાનભૂમિની નજીક મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. જેથી કોર્ટે દલીલો ગ્રાહ્ય ન રાખી.

આ પહેલાં પણ બની ચૂકી છે આવી જ ઘટના

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રૂપાવટી ગામમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. આજથી આશરે ત્રણથી ચાર વર્ષ પહેલાં 2021-22માં પણ આ જ પરિવારે આ જ વિવાદિત જમીન પર પોતાના એક મૃતક સભ્યની દફનવિધિ કરી હતી. તે સમયે પણ હિંદુ સમુદાયના સ્થાનિકોએ મામલતદાર કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ બાદ મામલતદાર અને પોલીસની હાજરીમાં બંને સમાજના માણસોની બેઠક થઈ હતી અને ત્યારબાદ મૃતદેહને બહાર કાઢીને મૂળ કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો હતો હતો. ત્યારે ભવિષ્યમાં સ્મશાન પાસેની જગ્યા પર ક્યારેય દફનવિધિ નહીં કરવામાં આવે તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં તાજેતરમાં ફરી આ જ પ્રકારની ઘટના બની.

કોર્ટે મૃતદેહ ખસેડવાનો આદેશ આપ્યો, 10 દિવસમાં કોઈ પગલાં ન લેવાતાં આખરે તંત્રએ કાર્યવાહી કરી

અંતે હાઇકોર્ટે મુસ્લિમ પરિવારની અરજી ફગાવતાં કહ્યું કે જ્યારે મુસ્લિમ સમાજ માટે સત્તાવાર કબ્રસ્તાન ઉપલબ્ધ હોય અને ત્યાં પૂરતી જગ્યા પણ ખાલી હોય ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાની મરજીથી જાહેર અથવા વિવાદિત જમીન પર દફનવિધિ કરી શકે નહીં. ઉપરાંત આવી કાર્યવાહી કાયદેસર માનવામાં આવી શકે નહીં. કોર્ટે અગાઉ બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્યારે મુસ્લિમ પરિવારે મૃતદેહ ખસેડવાના નિર્ણયને પડકાર્યો ન હતો અને હવે ચાર વર્ષ પછી તેઓ પોતાની રીતે ફરીથી વિવાદિત જમીન પર દફનવિધિ કરવાનો નિર્ણય લઈ શકે નહીં.

આદેશમાં કોર્ટે કહ્યું કે જો કબ્રસ્તાન થોડું દૂર હોત કે પરિવાર ત્યાં સુધી પહોંચી શકે એવી પરિસ્થિતિ ન હોત તોપણ કોર્ટે વિચાર કર્યો હોત પરંતુ અહીં તંત્રના રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે આવી કોઈ પરિસ્થિતિ ન હતી, જેથી આવી દફનવિધિને પરવાનગી આપી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટે 13 જુલાઈ, 2026ના રોજ અરજદારોને સ્વૈચ્છિક રીતે 10 દિવસની અંદર મૃતદેહને મૂળ કબ્રસ્તાનમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે કહ્યું હતું કે જો પરિવાર નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કરે તો રાજ્ય સરકાર અને પંચાયત તંત્ર કોર્ટના આદેશનું પાલન કરાવી શકશે. સાથે કોર્ટે એ પણ સૂચના આપી હતી કે જો મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી કરવી પડે તો તે સંપૂર્ણ મજહબી વિધિઓ સાથે અને મૃતકના સન્માનને જાળવી રાખીને જ કરવી જોઈએ.

હાઇકોર્ટના આદેશ બાદ પણ અરજદાર મુસ્લિમ પરિવારે કોઈ પગલાં લીધાં ન હતાં. આખરે 27 જુલાઈ 2026ના રોજ ગારિયાધારના મામલતદાર, TDO સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વિવાદિત સ્થાન પરથી મૃતદેહ બહાર કાઢીને કબ્રસ્તાનમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાનું વિડીયો શૂટિંગ પણ થયું હતું. મામલતદાર બી. જી ઝાલાએ જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા વચ્ચે અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટના નિર્દેશો મુજબ સમગ્ર પ્રક્રિયાનું વિડીયોશૂટિંગ કરવામાં આવ્યું હતું. વિવાદિત જગ્યા પરથી મૃતદેહને બહાર કાઢીને, તમામ વિધિઓ સાથે રૂપાવટી ગામના મૂળ કબરસ્તાનમાં વિધિવત રીતે દફનાવવામાં આવ્યો હતો. મામલતદાર ઝાલાના જણાવ્યા અનુસાર, ચુસ્ત સુરક્ષા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવીને આ આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં