
PoKમાં તાજેતરમાં સ્થિતિ અત્યંત તંગ અને ભયજનક બની ગઈ છે. પોતાના મૂળભૂત અધિકારો, રાજકીય સુધારા અને મોંઘવારી સામે અવાજ ઉઠાવી રહેલી નિર્દોષ જનતા પર પાકિસ્તાની સેના અમાનુષી અત્યાચાર ગુજારી રહી છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત થયાં છે અને ડઝનબંધ લોકો ગુમ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) અને સ્થાનિક પ્રશાસન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આ હિંસક ઘટનાઓ બની છે. વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હજારોની સંખ્યામાં લોકો પોલીસે કસ્ટડીમાં લીધેલા તેમના સાથીઓની મુક્તિ અને અન્યાયી નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે મુઝફ્ફરાબાદ તરફ માર્ચ કરી રહ્યા હતા ત્યારે સ્થિતિ વધુ વણસી હતી. નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા આ આંદોલનમાં પાકિસ્તાની સેનાની ગોળીબારીને કારણે અત્યાર સુધીમાં 90થી વધુ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
રાવલકોટ ક્ષેત્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બનેલી છે, જ્યાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ચારેય તરફ મૃતદેહો અને ઘવાયેલા લોકો નજરે પડી રહ્યા છે. સેનાના ગોળીબાર બાદ બચાવ કાર્ય કરવા માટે એમ્બ્યુલન્સ અને વાહનો પણ ઓછા પડી રહ્યાં છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે રસ્તાઓ લોહીથી લુહાણ થઈ ગયા છે અને સ્થાનિક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘાયલ સાથીઓને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ આવી ભારે હિંસા અને અસ્થિરતાના વાતાવરણ વચ્ચે પણ પાકિસ્તાન ચૂંટણી પ્રક્રિયા યોજવાનો પ્રયાસ કરી રહ્યું છે. મતદાન દરમિયાન પણ વિરોધ પક્ષો વચ્ચે હિંસક અથડામણો, બેલેટ બોક્સ સળગાવી દેવાની ઘટનાઓ અને ગોળીબારના બનાવો સામે આવ્યા છે. સ્થાનિક જનતા આ ચૂંટણી પ્રક્રિયાને અન્યાયી ગણાવી રહી છે અને લોકશાહીના નામે સેના દ્વારા થતા દમનનો સખત વિરોધ કરી રહી છે.
નોંધનીય છે કે ભારતે હંમેશાં સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે. ભારતે આ ઘટનાઓ અંગે કડક વલણ અપનાવતા ઘણી વાર જણાવ્યું છે કે PoKમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનો અને હિંસા એ પાકિસ્તાને દાયકાઓથી કરેલ શોષણ, અન્યાય અને નિર્દોષ નાગરિકો પર કરેલી પોલીસ બર્બરતાનું જ પરિણામ છે.

