
સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓના સમર્થનમાં શરૂ કરેલ ભૂખ હડતાળ 26 દિવસ બાદ ગઈકાલે 24 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી જે. પી નડ્ડા અને જિતેન્દ્ર સિંઘની હાજરીમાં પૂર્ણ કરી હતી. જોકે, ઉપવાસ છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના પર સરકાર સાથે ‘ડીલ’ અથવા સમાધાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ટીકાઓનો કડક જવાબ આપતાં સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વિડીયો સંદેશ શેર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
પોતાના 22 મિનિટના વિડીયોમાં વાંગચુકે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, “26 દિવસ ભૂખ્યા રહ્યા પછી પણ શું મારે મારી પ્રામાણિકતા સાબિત કરવી પડશે? શું મારે ચારિત્ર્ય પ્રમાણપત્ર આપવું પડશે કે મારો ઉપવાસ સાચો હતો?” તેમણે સવાલ ઉઠાવ્યો કે જો તેમણે કોઈ ડીલ જ કરવી હોત તો શું તેઓ દિલ્હીની અસહ્ય ગરમીમાં 26 દિવસ સુધી રસ્તા પર ભૂખ્યા બેસી રહેત? ડીલ કરનારા લોકો ક્યારેય આ રીતે ગરમીમાં હેરાન થઈને વિરોધ નથી કરતા.
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD
હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વાંગચુકે જણાવ્યું કે તેમણે હવે પ્રવાહી ખોરાક લેવાનું શરૂ કર્યું છે જેનાથી થોડી શક્તિ આવી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ શક્તિનો ઉપયોગ તેમણે આવા ખોટા આરોપોનો જવાબ આપવામાં કરવો પડી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે દેશ માટે આટલો મોટો ત્યાગ કર્યા પછી પણ લોકો જ્યારે રાજકીય ગણતરીઓ કરે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે.
પત્ની ગીતાંજલિની અપીલ
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ પણ એક પોસ્ટ દ્વારા ટીકાકારોને જવાબ આપ્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે 26 દિવસના ઉપવાસ દરમિયાન વાંગચુકનું વજન 11 કિલો ઘટી ગયું છે અને મસલ્સને ભારે નુકસાન થતાં તેમને આઈસીયુમાં (ICU) રાખવા પડ્યા છે. તેમણે લોકોને વિનંતી કરી કે કોઈના પર ઉતાવળે નિર્ણયો લાદવા કે ટીકા કરવાને બદલે દેશ માટે આટલો મોટો ત્યાગ કરનાર વ્યક્તિ પ્રત્યે થોડી સહાનુભૂતિ દર્શાવવી જોઈએ.
Before you rush to criticise @Wangchuk66, first pause to earn the ethos of fasting for 26 days for a cause larger than yourself.
— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 24, 2026
He lies in the ICU today, having lost 11 kg, including muscle mass, because he chose sacrifice over comfort. The least we can offer him is a day of…
સોનમ વાંગચુકે સ્પષ્ટ કર્યું કે તેમણે ઉપવાસ ત્યારે જ પૂરો કર્યો જ્યારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંઘે રૂબરૂ આવીને તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપી. સરકારે આશ્વાસન આપ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પર કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થાય, સંસદમાં પરીક્ષા સુધારા પર ચર્ચા કરવામાં આવશે અને NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર આપવા પર સકારાત્મક વિચારણા કરાશે.
પોતાના સંદેશના અંતમાં વાંગચુકે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ અફવા કે રાજકીય ગણતરીઓમાં આવ્યા વગર તેમનો આખો વિડીયો જુએ અને સત્ય સમજે. તેમણે કહ્યું કે તેમનો આ લડાઈ પાછળનો હેતુ માત્ર વિદ્યાર્થીઓનું હિત અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાનો હતો, જેને કોઈ પણ રાજકીય રંગ આપવો અયોગ્ય છે.

