‘કોર્ટ કોઈ એન્ટરટેઇનમેન્ટ ચેનલ નથી…’: કોર્ટની કાર્યવાહીના વિડીયોમાં કાપકૂપ કરીને ભ્રામક નેરેટિવ ફેલાવવા પર સુપ્રીમ કોર્ટની રોક

(Photo: AI)

દિલ્હીમાં શુક્રવારે (24 જુલાઈ) સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અદાલતી કાર્યવાહીના પસંદગીની વિડીયો ક્લિપ્સને એડિટ કરીને ભ્રામક રીતે પ્રસારિત કરવાની પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવ્યું છે. એક મહત્વપૂર્ણ વચગાળાના આદેશમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત અદાલતની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ન્યાયિક કાર્યવાહીની ઑડિયો-વિડીયો રેકોર્ડિંગમાંથી ક્લિપ્સ કાઢવી, તેને એડિટ કે મોડિફાઈ કરવી, પોસ્ટ કે રી-પોસ્ટ કરવી, અપલોડ કરવી અથવા તેમાંથી કમાણી (મોનેટાઇઝેશન) કરવી મંજૂર રહેશે નહીં.

જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ આદેશ અદાલતી કાર્યવાહીના નિષ્પક્ષ અને તથ્યાધારિત સમાચાર અહેવાલો પર લાગુ પડશે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની ખંડપીઠે પત્રકાર હર્ષિતા ગ્રોવરની જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપ્યો હતો.

અરજીમાં સોશિયલ મીડિયા પર અદાલતી કાર્યવાહીના એડિટ કરાયેલા વિડીયો ક્લિપ્સના પ્રસારણ અને તેમાંથી થતી કમાણી પર રોક લગાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટો, કેન્દ્ર સરકાર તેમજ Meta અને X સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ ફટકારી હતી.

આ સાથે જ તમામ હાઇકોર્ટોને તેમની લાઇવ-સ્ટ્રીમિંગ માર્ગદર્શિકાના અમલીકરણ અને તેની અસર અંગે અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે અદાલતી કાર્યવાહીના રેકોર્ડિંગનો હેતુ ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે, તેને એડિટ કરીને ભ્રામક રીતે સોશિયલ મીડિયા પર પ્રસારિત કરીને વ્યાવસાયિક લાભ મેળવવાનો નથી.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ વિકાસ સિંઘે જણાવ્યું કે તેમને અદાલતી કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમિંગ સામે કોઈ વાંધો નથી, પરંતુ પસંદગીની વિડીયો ક્લિપ્સ વાયરલ કરીને ન્યાયતંત્રની છબીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, “અદાલતી કાર્યવાહી અને અમારી ટિપ્પણીઓને પણ ઘણી વખત તોડીમરોડીને કરીને રજૂ કરવામાં આવે છે.”

જસ્ટિસ જોયમલ્ય બાગચીએ ડિજિટલ ક્ષેત્રમાં ડેટાના નિયંત્રણને મોટો પડકાર ગણાવતા કહ્યું કે, “અદાલતો 24 કલાક ચાલતી મનોરંજન ચેનલ બની શકે નહીં.” તેમણે ઉમેર્યું કે અદાલતી કાર્યવાહી સુધી મર્યાદિત અને નિયંત્રિત પહોંચ સુનિશ્ચિત કરવી જરૂરી છે, જેથી રેકોર્ડિંગનો દુરુપયોગ અટકાવી શકાય.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ અરજીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (AI) મદદથી અદાલતી કાર્યવાહીના વિડીયોમાં ન્યાયાધીશો અને વકીલોના અવાજ પણ બદલી શકાય છે, જેના કારણે ભ્રામક સામગ્રી તૈયાર થવાનું જોખમ વધી જાય છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે અદાલતી કાર્યવાહીના રેકોર્ડિંગના દુરુપયોગ પર રોક લગાવવાનો હેતુ ન્યાયતંત્રની ગરિમા અને ન્યાયિક પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવી રાખવાનો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વચગાળાનો આદેશ મીડિયા દ્વારા કરવામાં આવતા નિષ્પક્ષ અને તથ્યાધારિત સમાચાર અહેવાલો પર લાગુ પડશે નહીં.

પત્રકારો અગાઉની જેમ અદાલતી કાર્યવાહીના સમાચાર પ્રકાશિત અને પ્રસારિત કરી શકશે. હાલ કોર્ટે તમામ પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે અને મામલાની સુનાવણી ચાલુ છે.