ભારત એક લોકશાહી દેશ છે. અહીં દરેક નાગરિકને પોતાની વાત કહેવાનો અધિકાર છે, સરકાર સામે અસહમતિ વ્યક્ત કરવાનો અધિકાર છે અને જરૂર પડે ત્યારે રસ્તા પર ઊતરીને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો પણ અધિકાર છે. આ જ તો લોકશાહીની સૌથી મોટી તાકાત છે. ભારતનો ઇતિહાસ પણ આવાં અનેક આંદોલનોનો સાક્ષી રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો સુધી, લોકોએ સંગઠિત થઈને સત્તા સામે અવાજ ઉઠાવ્યો છે અને લોકશાહીએ પણ તે અવાજને સ્થાન આપ્યું છે. પરંતુ દરેક વિરોધને લોકશાહીનું પ્રતીક કહી શકાય નહીં. કારણ કે વિરોધ અને ટોળાશાહી વચ્ચે એક અત્યંત પાતળી, પરંતુ ખૂબ જ મહત્વની રેખા હોય છે. આ રેખા ભૂંસાઈ જાય ત્યારે લોકશાહી મજબૂત બનતી નથી, પરંતુ નબળી પડવા લાગે છે.
પ્રદર્શન, આંદોલન અને ટોળાશાહી- આ ત્રણેય શબ્દો સાંભળવામાં કદાચ એકસરખા લાગે, પરંતુ ત્રણેય વચ્ચે મૂળભૂત તફાવત છે. પ્રદર્શન એટલે કોઈ ચોક્કસ મુદ્દે મર્યાદિત સંખ્યામાં લોકો દ્વારા નોંધાવવામાં આવતો વિરોધ. આંદોલન એટલે મોટાપાયે લોકો કોઈ સામાજિક કે રાજકીય મુદ્દે એક થઈને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરે એ. પરંતુ જ્યારે ભીડ પોતાનો મૂળ હેતુ ગુમાવી દે, જ્યારે તે વિચારવાને બદલે માત્ર ઉશ્કેરણીના પ્રવાહમાં વહેવા લાગે અને જ્યારે માત્ર મુઠ્ઠીબંધ એજન્ડાધારી લોકો તેનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લે ત્યારે તે આંદોલન રહેતું નથી. તે ટોળાશાહીમાં ફેરવાઈ જાય છે. આવું જ આ વિદ્યાર્થીઓનાં નામે શરૂ થયેલા કથિત આંદોલનનું થયું. જોકે, એની તો કમાન જ એજન્ડાધારી માણસોના હાથમાં હતી.
ટોળાશાહીની સૌથી મોટી ઓળખ એ છે કે ટોળાનું પોતાનું કોઈ સ્વતંત્ર ચિંતન હોતું નથી. ગામડાંમાં ગાડરિયા પ્રવાહનું ઉદાહરણ સૌએ જોયું હશે. એક બકરું આગળ ચાલે, પછી બીજું, પછી ત્રીજું અને ધીમે-ધીમે આખું ટોળું તેની પાછળ ચાલવા લાગે. પાછળ ચાલતા બકરાંને ખબર પણ હોતી નથી કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે અને શા માટે જઈ રહ્યાં છે. તેમની દિશા નક્કી કરે છે આગળ ચાલતું બકરું. ટોળાશાહીનું સ્વરૂપ પણ કંઈક આવું જ હોય છે. ભીડમાં જોડાયેલા ઘણા લોકોને મૂળ મુદ્દાની સંપૂર્ણ સમજ પણ હોતી નથી, પરંતુ થોડાક એજન્ડાધારી લોકો સૂત્રો, ભાષણો અને ઉશ્કેરણી દ્વારા આખી ભીડને પોતાની ઇચ્છિત દિશામાં વાળી દે છે. પછી એ ભીડ પોતાનો નહીં, પરંતુ એજન્ડાધારી લોકોનો હેતુ પૂરો કરવા માટે કામ કરવા લાગે છે.
દિલ્હીમાં CJPના કથિત આંદોલન દરમિયાન પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું. શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો કે આ પ્રદર્શન NEETના વિદ્યાર્થીઓ માટે છે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ માટે છે. પરંતુ થોડા જ સમયમાં સમગ્ર માહોલ બદલાતો ગયો. મૂળ મુદ્દો પાછળ ધકેલાઈ ગયો અને તેની જગ્યાએ અલગ પ્રકારના રાજકીય સૂત્રો, અલગ એજન્ડા અને અલગ ચહેરાઓ દેખાવા લાગ્યા. ‘જય ભીમ’ના નારા ગુંજવા લાગ્યા, ‘આઝાદી’ના સૂત્રો સંભળાવા લાગ્યા, ઉમર ખાલિદ જેવાં નામોના સમર્થનમાં અવાજો ઉઠવા લાગ્યા. જે ભીડ વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે એકઠી થઈ હોવાનું કહેવાતું હતું, તે જ ભીડ સંપૂર્ણપણે અલગ રાજકીય દિશામાં આગળ વધતી જોવા મળી.
આટલેથી પણ વાત અટકી નહીં. પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર અને વ્યક્તિગત ટિપ્પણીઓ કરનારા પ્લેકાર્ડ્સ જોવા મળ્યા. કેટલાક પ્લેકાર્ડ્સમાં અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં કેટલાક લોકો દ્વારા સંસદને ઉખાડી ફેંકવાની વાતો કરવામાં આવી, વડા પ્રધાન વિરુદ્ધ હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને હત્યા સુધીના આહ્વાન જેવા નિવેદનો પણ સામે આવ્યા. જો આ બધું કોઈ શાંતિપૂર્ણ આંદોલનનો ભાગ ગણવામાં આવે તો પછી શાંતિપૂર્ણ આંદોલનની વ્યાખ્યા જ બદલવી પડશે.
આ દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ પણ બની. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 118 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા. પ્રશ્ન એ છે કે શું કોઈ પણ લોકશાહી આને સામાન્ય વિરોધ કહી શકે? શું લોકશાહીનો અર્થ એવો થાય કે ભીડ રસ્તા પર ઊતરે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે, પોલીસ પર હુમલા કરે અને ચૂંટાયેલી સંસદને ધમકીઓ આપે? જો જવાબ ‘ના’ હોય તો પછી સ્વીકારવું પડશે કે આંદોલન અને ટોળાશાહી વચ્ચેનો તફાવત સમજવાનો સમય આવી ગયો છે.
ટોળાશાહીની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ક્યારેય પોતાની મર્યાદામાં રહેતી નથી. ભીડને એકવાર ઉશ્કેરવામાં સફળતા મળી જાય પછી તેનો ઉપયોગ કોઈ પણ દિશામાં કરી શકાય છે. કારણ કે ભીડ પાસે પોતાની કોઈ દિશા હોતી નથી. દિશા નક્કી કરે છે તે લોકો, જેમના હાથમાં તેનું નિયંત્રણ હોય છે. તેથી જ ઇતિહાસમાં વારંવાર જોવા મળ્યું છે કે કેટલાક એજન્ડાધારી લોકો કોઈ એક મુદ્દાને કેન્દ્રમાં રાખીને ભીડ એકઠી કરે છે, પરંતુ પછી તે ભીડને સંપૂર્ણપણે અલગ રાજકીય હેતુ માટે વાપરે છે. સામાન્ય લોકો માને છે કે તેઓ કોઈ એક મુદ્દા માટે લડી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેમની હાજરીનો ઉપયોગ કોઈ બીજા એજન્ડાને આગળ ધપાવવા માટે થતો હોય છે.
વાસ્તવમાં ટોળા પાસે પોતાની બુદ્ધિ હોતી નથી, ન તો તેમને આગળ-પાછળના કોઈ સંદર્ભનો ખ્યાલ હોય છે. તેની પાસે હોય છે માત્ર ટોળાનું નિયંત્રણ કરનારા કેટલાક ગણ્યાગાંઠ્યા એજન્ડાધારીઓ. એ ટોળાને એટલે કે અનગાઈડેડ મિસાઇલોને પોતાના હેતુ પુરા પાડવા માટે કામે લગાવી દે છે અને પ્રોપગેન્ડા એવો ઊભો કરે છે કે તેઓ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે.
આ પહેલીવાર બન્યું હોય એવું પણ નથી. થોડાં વર્ષો પહેલાં CAAના વિરોધ દરમિયાન શાહીન બાગમાં લાંબા સમય સુધી ભીડ એકઠી રાખવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોના નામે દિલ્હીની સરહદો મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી. તે સમયે પણ પ્રશ્નો ઉઠ્યા હતા કે શું મૂળ મુદ્દાથી આગળ વધીને કેટલાક રાજકીય એજન્ડાઓને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? હવે CJPનાં પ્રદર્શન દરમિયાન પણ એ જ પ્રકારનો રંગ ફરી એકવાર સામે આવ્યો છે. અલગ-અલગ મુદ્દા, અલગ-અલગ ચહેરા અને અલગ-અલગ સૂત્રો હોવા છતાં એક બાબત સમાન દેખાય છે- ભીડને કેન્દ્રમાં રાખીને રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ.
વારંવાર આ થતું આવ્યું છે. ક્યારેક CAAના વિરોધમાં શાહીન બાગમાં ટોળાં એકઠા કરવામાં આવ્યાં, ક્યારેક ખેડૂતોનાં નામે એજન્ડાધારીઓએ દિલ્હીને ઘેર્યુ અને હવે આ CJPના વંદાઓ પણ એ જ રીતે ઉત્પાત મચાવી રહ્યા છે. આવી રીતે ટોળાશાહીને લોકશાહી પર હાવી ન થવા દઈ શકાય, કારણ કે લોકશાહીમાં ખૂબ ઘાતક હોય છે આવી ટોળાશાહી.
આ સંસદ માર્ચ દરમિયાન આ જ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, 118 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા, ‘સંસદને ઉખાડી ફેંકવાની’ વાતો કરી, મોદીની હત્યાની વાતો કરી. આ ‘શાંતિપૂર્ણ આંદોલન હતું?’, ના. આ ટોળાશાહી હતી અને લોકશાહીમાં આવી ટોળાશાહી ક્યારેય સ્વીકારી શકાય નહીં. આ ટોળાશાહી ચૂંટાઈને આવેલી સંસદને હિંસક રીતે દબાવવાની વાત કરે છે, જેવું નેપાળ-બાંગ્લાદેશમાં આપણે જોઈ ગયા છીએ. એ ક્યારેય સહી શકાય નહીં.
લોકશાહી મતપેટીથી ચાલે છે, ટોળાથી નહીં. સરકારો ચૂંટણીથી બને છે અને ચૂંટણીથી જ બદલાય છે. જો દરેક અસહમતિનો જવાબ ભીડના દબાણ, હિંસક ભાષા, પોલીસ સાથે અથડામણ અને ચૂંટાયેલી સંસ્થાઓને ધમકી આપવાથી આપવામાં આવશે તો પછી લોકશાહી અને અરાજકતા વચ્ચે કોઈ તફાવત જ નહીં રહે. વિરોધનો અધિકાર લોકશાહીનો પાયો છે, પરંતુ ટોળાશાહી લોકશાહીની દીવાલોમાં તિરાડ પાડે છે.
તેથી આજે સૌથી મોટો પ્રશ્ન CJPનો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણે લોકશાહીનાં નામે ટોળાશાહીને સ્વીકારવા તૈયાર છીએ? જો જવાબ ‘હા’ હશે તો આવતીકાલે કોઈ પણ ભીડ કોઈ પણ મુદ્દે રસ્તા પર ઊતરીને ચૂંટાયેલી સરકારો અને સંસ્થાઓને દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરશે. પરંતુ જો જવાબ ‘ના’ હશે તો પછી વિરોધ અને ટોળાશાહી વચ્ચેની રેખા સ્પષ્ટપણે દોરવી પડશે.
કારણ કે લોકશાહીમાં અસહમતિ જરૂરી છે, વિરોધ જરૂરી છે, આંદોલન પણ જરૂરી છે. પરંતુ ટોળાશાહી ક્યારેય જરૂરી હોય શકે નહીં. કારણ કે લોકશાહી માટે સૌથી ઘાતક કોઈ વિપક્ષ નથી, કોઈ સરકાર નથી, કોઈ વિચારધારા નથી, લોકશાહી માટે સૌથી ઘાતક છે ટોળાશાહી.


