ભારત સહિત અમેરિકાના વેપારી ભાગીદારો પર ટ્રમ્પનો 10% ટેરિફ, ‘ફોર્સ્ડ લેબર’થી બનેલા માલની આયાત રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાઓ દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 જુલાઈએ ભારત સહિત વિશ્વના અનેક વેપારી ભાગીદાર દેશો પર નવો ટેરિફ લાદવાની મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે બંધુઆ મજૂરી અથવા શ્રમ-શોષણ (Forced Labour) દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓની આયાત રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. શુક્રવારે અગાઉની કામચલાઉ ટેરિફની મુદત પૂરી થઈ રહી હોવાથી, હવે તેના સ્થાને 10% થી 12.5% સુધીના નવા ટેરિફ અમલમાં આવશે.

આ નવો ટેરિફ અમેરિકાના 99.4% વેપારી ભાગીદાર દેશો પર નાખવામાં આવ્યો છે. વોશિંગ્ટન અનુસાર આ એવા દેશો છે જેઓ શ્રમ-શોષણથી બનતી વસ્તુઓની આયાત પર અસરકારક પ્રતિબંધ મૂકવામાં નિષ્ફળ રહ્યા છે. આ નવી નીતિ હેઠળ અમેરિકાએ ભારત પર 10% ટેરિફ લાદ્યો છે, જે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ તેમજ એશિયા અને લેટિન અમેરિકાના અન્ય દેશો જેટલો જ છે.

અમેરિકી વેપાર પ્રતિનિધિ (USTR) જૈમીસન ગ્રીરે આ ટેરિફની જાહેરાત કરતા જણાવ્યું હતું કે માત્ર સમજાવટથી ગ્લોબલ સપ્લાય ચેઈનમાંથી બંધુઆ મજૂરી નાબૂદ થઈ શકી નથી. અમેરિકામાં લગભગ એક સદીથી આવી વસ્તુઓ પર કડક પ્રતિબંધ છે અને હવે સમય આવી ગયો છે કે અમારા તમામ વેપારી ભાગીદાર દેશો પણ મજૂરોના અધિકારોનું રક્ષણ કરવા માટે આવા જ આકરા નિયમો અને પ્રતિબંધો લાગુ કરે.

અમેરિકી વેપાર પ્રતિનિધિ જૈમીસન ગ્રીરે ઉમેર્યું હતું કે આ કડક નિર્ણય માનવ અધિકારોનું ઉલ્લંઘન અટકાવવાની સાથે વેપારમાં થતી ગડબડીઓને દૂર કરશે, જેથી વિશ્વભરના શ્રમિકોના કલ્યાણમાં સુધારો થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જે દેશોએ શ્રમ-શોષણ વિરોધી નિયમો ઝડપથી અપનાવ્યા છે, તેઓ તેનો યોગ્ય અને અસરકારક અમલ પણ સુનિશ્ચિત કરશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2026માં અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ‘રેસિપ્રોકલ ટેરિફ’ને રદ કર્યા બાદ તેમણે ‘ટ્રેડ એક્ટ 1974’ના સેક્શન 122 હેઠળ કામચલાઉ ટેરિફ લગાવ્યો હતો. આ કાયદો રાષ્ટ્રપતિને દેશની ચૂકવણીની સરભર (Balance-of-payments) ખાધ સુધારવા માટે છ મહિના સુધી મહત્તમ 15% ટેરિફ લાદવાની સત્તા આપે છે. હવે આ 6 મહિનાની સમયમર્યાદા પૂરી થતાં તેના સ્થાને નવો ટેરિફ લાવવામાં આવ્યો છે.

આ નવો ટેરિફ પણ ‘ટ્રેડ એક્ટ 1974’ હેઠળ જ લાદવામાં આવ્યો છે, પરંતુ આ વખતે તેના માટે સેક્શન 301નો ઉપયોગ કરાયો છે. નોંધનીય છે કે માર્ચ મહિનામાં અમેરિકાએ 70% આયાત આવરી લેતા 16 દેશો સામે તપાસ શરૂ કરી હતી કે તેઓ જરૂરિયાત કરતા વધુ ઉત્પાદન કરીને વૈશ્વિક બજારમાં ભાવ ઘટાડી અમેરિકી કંપનીઓને નુકસાન પહોંચાડે છે કે નહીં. જોકે, આ તપાસ હજુ પૂરી થઈ નથી.

સરકારે આ નવી ટેરિફ નીતિમાં અમુક ચોક્કસ ક્ષેત્રોને રાહત આપી છે. ‘અમેરિકા-મેક્સિકો-કેનેડા કરાર’ (USMCA) હેઠળ આવતી વસ્તુઓ તેમજ વિદેશથી આયાત થતા ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ પર આ નવી જકાત લાગુ પડશે નહીં.