વિયેતનામમાં બોટ દુર્ઘટના: ફૂ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15નાં મોત, 21 લોકોને બચાવાયા

વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફૂ ક્વોક (Phu Quoc) ટાપુ નજીક શનિવારે (11 જુલાઈ) ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ પલટી જતાં ઓછામાં ઓછા 15 ભારતીય પ્રવાસીઓનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા મોટાપાયે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 21 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે પણ ઘટનાની પુષ્ટિ કરીને ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે.

વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 15 ભારતીયોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટમાં 32 ભારતીય પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો સહિત કુલ 36 લોકો સવાર હતા.

આ દુર્ઘટના ફૂ ક્વોક નજીક આવેલા હોન મેય રૂટ ન્ગોઆઈ (Hon May Rut Ngoai) ટાપુથી અંદાજે 400 મીટર દૂર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર તેજ પવન અને ઊંચા દરિયાઈ મોજાંના કારણે બોટ પલટી ગઈ હતી. જોકે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હજુ ચાલુ છે.

ઘટનાની જાણ થતાં જ નજીકમાં રહેલી બોટોના સંચાલકો અને સ્થાનિક માછીમારોએ સૌથી પહેલાં બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ બોર્ડર ગાર્ડ, નેવી, કોસ્ટ ગાર્ડ અને અન્ય બચાવ દળો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરો પલટી ગયેલી બોટની અંદર ફસાઈ જતાં બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 21 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે તમામ 15 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તે સ્થાનિક સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.

ફૂ ક્વોક વિયેતનામના સૌથી લોકપ્રિય બીચ પ્રવાસન સ્થળોમાંનું એક છે અને દર વર્ષે લાખો સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં પણ વિયેતનામના હા લોંગ બે વિસ્તારમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં 39 લોકોનાં મોત થયાં હતાં, જેને છેલ્લા બે દાયકાની સૌથી ગંભીર બોટ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવી હતી.