દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પદ્ધતિસરના ખ્રિસ્તી ધર્માંતરણના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પણ મોટાભાગની હિંદુ આદિવાસી વસ્તી ધર્માંતરિત થઈ ગઈ હોવાના કિસ્સાઓ સામે આવતારહેતા હોય છે. સ્થાનિક તંત્રની કથિત ઉદાસીનતા અથવા આંખ આડા કાન કરવાની નીતિ વચ્ચે અચાનક જ ગેરકાયદેસર ચર્ચ ઊભાં કરી દેવાની ઘટનાઓ અવારનવાર વિવાદનું કેન્દ્ર બને છે. હવે આવો જ એક વધુ ચિંતાજનક મામલો વલસાડના કપરાડા તાલુકામાંથી સામે આવ્યો છે, જ્યાં ગેરકાયદે ચર્ચ નિર્માણને લઈને સ્થાનિક હિંદુ પરિવારો અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ વિવાદ કપરાડા તાલુકાના લીખવડ ગામના ઢીમ્મપુર વિસ્તાર સાથે જોડાયેલો છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં ખ્રિસ્તી સમાજના કેટલાક સભ્યો અને મિશનરી તત્વો દ્વારા સરકારી તંત્ર કે કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના જ ચર્ચનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નકશા કે મંજૂરી વગર થઈ રહેલા આ આયોજનબદ્ધ બાંધકામને ગ્રામજનો સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગામની મોટાભાગની વસ્તી ખ્રિસ્તી બની ગઈ છે અને માત્ર એક જ ફળિયું હજી હિંદુ ધર્મમાં માને છે. પણ આ ફળિયાને ખ્રિસ્તી બનાવી દેવાના કાવતરા ઘડાઈ રહ્યા છે. સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બાકીના લોકોને પણ ખ્રિસ્તી બનાવી દેવા માટે ત્યાં ગેરકાયદે ચર્ચ ઊભું કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટર અને તલાટીને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને જમીનમાં ખેતી કરતા લોકોએ એકઠા થઈને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ કપરાડાના તલાટીને લેખિત આવેદન પત્ર આપ્યું છે. ગ્રામજનો દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ આવેદન પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે તેમની પૂર્વજોની ખેતીની જમીન પર કોઈ પણ જાતના કાયદેસરના ફેરફાર વગર દેવળ બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય ચાલી રહ્યું છે, જેને તાત્કાલિક અટકાવવું જરૂરી છે.

લીખવડ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોની રજૂઆત મુજબ આ આદિવાસી પટ્ટામાં અત્યાર સુધીમાં પ્રલોભનો કે અન્ય ભ્રામક પ્રથાઓ દ્વારા અંદાજે 70% જેટલા લોકોનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવી દેવાયું છે. ગ્રામજનોને દ્રઢ શંકા છે કે જો આ સ્થળે કાયમી ચર્ચનું નિર્માણ થઈ જશે તો ભવિષ્યમાં અહીં ખૂબ મોટાપાયે ધર્માંતરણની પ્રવૃત્તિઓ વેગ પકડશે. આના કારણે બાકી રહેલા મૂળ હિંદુ આદિવાસી પરિવારો પર પણ ધર્મ પરિવર્તન કરવાનું સામાજિક દબાણ વધશે અને વિસ્તારની સાંસ્કૃતિક ઓળખ જોખમાશે.
જમીન માલિકો પર દબાણ
આ વિવાદમાં જમીનમાં ખેતી કરતા લોકોએ કલેક્ટર સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગામના સરપંચ લક્ષ્મી લીંબારાએ તેની સત્તાનો દુરુપયોગ કરીને ચર્ચા બનાવવાની મંજૂરી આપી દીધી છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે ખેતી લાયક જમીન પર ચર્ચ બાંધવાની પરવાનગી આપવી એ ગેરકાયદે છે. ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પંચાયતમાં એક પણ ખ્રિસ્તી નથી તો આવી રીતે મંજૂરી કેવી રીતે આપી શકાય?
સ્થાનિકોએ જણાવ્યું છે કે વિષ્ણુ પાંડુ સહારે, મોહજી ભીખ બુધર, હીરા પાંડુ, ચીમાં પાંડુ સહારે ખ્રિસ્તી પાદરી જાણું લક્ષ્મણ બિરારી અને ખ્રિસ્તી પાદરી ચેનદર રામજી ચૌધરી (જે આદિવાસી ઓળખ સાથે વનવિભાગના નોકરી કરે છે) આ બધાએ ભેગા મળીને તેમના તથા આસપાસના ગામડાઓમાં ધર્મપરિવર્તન કરવી શકાય એ માટે આ ચર્ચ બનાવવાનું કાવતરું ઘડ્યું છે. આ સિવાય રાજકીય આગેવાનો પણ આ લોકોને સહકાર આપી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે આ જમીન તેમના પૂર્વજોની છે જે માત્ર ખેતી અને આવનારી પેઢીના ગુજરાન માટે છે, તેથી તેઓ કોઈ પણ ભોગે અહીં ચર્ચ બનવા દેશે નહીં. સ્થાનિકોએ પ્રશાસનને વિનંતી કરી છે કે તેમની પૂજા પદ્ધતિ રિતરીવાજો નષ્ટ ન થાય તે માટે આ ચર્ચનું કામ અટકાવવામાં આવે તથા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક આદિવાસી સમાજ અને પીડિત પરિવારોની આ ઉગ્ર રજૂઆતો અને આવેદન પત્રને ધ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી અને સ્થાનિક વહીવટીતંત્રએ આ મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે. તંત્રએ જણાવ્યું છે કે પંચાયતના દસ્તાવેજો અને જમીનના રેકોર્ડની ચકાસણી કરીને જે પણ ગેરકાયદેસર બાંધકામ માલૂમ પડશે, તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ગ્રામજનોએ પોતાની સુરક્ષા અને ન્યાય માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ આ બાબતની નકલ રવાના કરી છે.


