ભાજપમાં જોડાયાના કલાકોમાં જ TMC પૂર્વ રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રાય અને પ્રકાશ ચિક બડાઈકને રાજ્યસભા પેટાચૂંટણીની ટિકિટ

પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની (TMC) હાર બાદ મોટો રાજકીય ઉલટફેર થયો છે. પક્ષનાં ત્રણ પૂર્વ રાજ્યસભા સાંસદો સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઈક ગુરુવારે ભાજપમાં (BJP) જોડાયા છે. આ નેતાઓનાં રાજીનામાંથી ખાલી પડેલી બેઠકો માટે 24 જુલાઈએ યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે આ જ ત્રણેયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

કોલકાતાના સોલ્ટ લેક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યની હાજરીમાં આ ત્રણેય નેતાઓ પક્ષમાં સામેલ થયા હતા. ભાજપે સ્પષ્ટ કર્યું કે TMCના નેતાઓ માટે દરવાજા બંધ છે, પરંતુ જે નેતાઓ ભ્રષ્ટાચાર કે જન-અત્યાચારમાં સામેલ નથી, બંગાળના પુનઃનિર્માણ માટે તેમનું આ એક ‘અપવાદ’ તરીકે સ્વાગત કરવામાં આવ્યું છે.

ભાજપમાં જોડાયા બાદ સુખેન્દુ શેખર રાયે મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2024ના આર. જી. કર મેડિકલ કોલેજ કાંડ વખતના વિરોધ પ્રદર્શનોએ જ TMCના પતનના સંકેત આપી દીધા હતા. કેન્દ્ર સરકારના સતત વિરોધને કારણે બંગાળ આર્થિક અને શૈક્ષણિક રીતે પાછળ ધકેલાઈ ગયું છે અને પ્રતિભાઓ રાજ્ય છોડી રહી છે.

બીજી તરફ પૂર્વ સાંસદ સુષ્મિતા દેવે TMCમાં પાયાના સ્તરે વ્યાપેલા અતિશય ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે TMCમાં ભ્રષ્ટાચારની માત્રા અકલ્પનીય છે. આ સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશ માટેના તેમના વિઝનની પ્રશંસા કરી હતી.

ત્રણેય નેતાઓ બંગાળમાં મોટું નામ

આ ત્રણેય નેતાઓ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજકારણમાં મોટું નામ ધરાવે છે. સુષ્મિતા દેવ આસામના પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ મોહન દેવનાં પુત્રી છે, જ્યારે સુખેન્દુ શેખર રાય 2012થી TMCના સાંસદ અને મુખ્ય દંડક રહી ચૂક્યા છે. પ્રકાશ ચિક બડાઈક પણ પંચાયત સ્તરેથી આગળ આવી 2023માં રાજ્યસભા પહોંચ્યા હતા.

વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ TMC અત્યાર સુધીના સૌથી મોટા આંતરિક બળવા અને અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. રાજ્યસભાની પેટાચૂંટણીમાં બંગાળમાં ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી આ ત્રણેય નેતાઓ ફરી એકવાર ભાજપની ટિકિટ પર સંસદના ઉપલા ગૃહમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે.