તિલક લગાવનારા હિંદુ વિદ્યાર્થીઓને સજા, પણ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબની પરવાનગી: ઉત્તરાખંડની મેડિકલ કોલેજમાં ધાર્મિક ભેદભાવ મામલે NHRC એક્શનમાં

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલી ‘ઉત્તરાંચલ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ ઓફ બાયો-મેડિકલ સાયન્સીસ એન્ડ હોસ્પિટલ’માં હિંદુ વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા ધાર્મિક ભેદભાવના મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. કોલેજમાં હિંદુ વિદ્યાર્થીઓને બિંદી, તિલક અને રક્ષા સૂત્ર જેવાં પોતાના ધાર્મિક પ્રતીકો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી. માનવ અધિકાર આયોગે આ મામલે સત્તાવાર રીતે સંજ્ઞાન લઈને પીડિત વિદ્યાર્થીઓના પક્ષમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી છે.

આ વિવાદ 2 જુલાઈ, 2026ના રોજ દાખલ કરવામાં આવેલી એક સત્તાવાર ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોલેજના પ્રિન્સિપલ અલ્ફોન્સા મેથ્યુના નિર્દેશો પર હિંદુ વિદ્યાર્થીઓ સાથે પક્ષપાતભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ ધાર્મિક પ્રતીકો પહેરીને આવે છે તેમની નાડાછડી પરાણે કાઢી નાખવામાં આવે છે, તેમની ગેરહાજરી પૂરવામાં આવે છે અને શિસ્તભંગના નામે ટાર્ગેટ કરવા માટે તેમના ફોટા પણ પાડવામાં આવે છે.

મુસ્લિમોને હિજાબ પહેરવાની મંજૂરી

આની બિલકુલ વિપરીત, આરોપ એવા છે કે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજમાં બુરખો પહેરીને આવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ભેદભાવ સામે ત્વરિત પગલાં લેતાં NHRCના સભ્ય પ્રિયંક કાનૂનગોની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઈટ્સ એક્ટ, 1993ની કલમ 12 હેઠળ નોટિસ ફટકારી છે.

આયોગના રજીસ્ટ્રી વિભાગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના (UGC) અધ્યક્ષ, ઉત્તરાખંડ સરકારના ઉચ્ચ શિક્ષણ અને તબીબી શિક્ષણ વિભાગના સચિવો, કોલેજના પ્રિન્સિપાલ તેમજ દેહરાદૂનના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને SSPને નોટિસ ફટકારી છે. આ તમામને આ ગંભીર આરોપોની તટસ્થ તપાસ કરીને આગામી બે અઠવાડિયાની અંદર ‘એક્શન ટેકન રિપોર્ટ’ આયોગ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ફરિયાદીએ આયોગ સમક્ષ રજૂઆત કરી હતી કે કોલેજ પ્રશાસનનું આવું નકારાત્મક વલણ ભારતીય બંધારણના સમાનતાના અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા અને માનવીય ગૌરવનું સીધું ઉલ્લંઘન કરે છે. આથી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ, કિન્નાખોરી કે બદલાની ભાવનાથી બચાવવા માટે યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે.

આ સાથે જ આ ભેદભાવપૂર્ણ નીતિઓની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કે શિસ્તભંગના પગલાં લેવામાં આવે અને ભવિષ્ય માટે બંધારણીય નિયમોને સુસંગત એવી પારદર્શક અને બિન-ભેદભાવપૂર્ણ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.