
પાકિસ્તાને બળજબરીથી પચાવી પાડેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરીથી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. આ પ્રદર્શનોની અગેવાની કરતી જોઇન્ટ આવામી એક્શન કમિટીએ પાકિસ્તાનની સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે જો પાકિસ્તાનની સરકાર JAACની માંગ પૂરી ન કરે અને વાતચીત માટે નહીં આવે તો 9 જુલાઈએ બહુ મોટાપાયે પ્રદર્શન કરવામાં આવશે, જેને ‘ગ્રાન્ડ એન્ડ ફાઈનલ એક્શન’નું નામ આપવામાં આવ્યું છે.
કમિટીએ જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાનની સરકાર માંગો પૂર્ણ ન કરે ત્યાં સુધી પ્રદર્શનો ચાલુ રહેશે. કમિટીએ 9 જુલાઈનાં પ્રદર્શનોમાં ભાગ લેવા માટે POKના તમામ લોકોને આહવાન કર્યું છે અને કહ્યું છે કે હવે પ્રદર્શનો અમુક શહેરો પૂરતાં સીમિત નહીં રહે પરંતુ સમગ્ર પ્રદેશમાં ફેલાશે અને તેનાં પરિણામો પણ એટલાં જ મોટાં હશે.
કમિટીએ ઇસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કો-ઑપરેશન (OIC), સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય મીડિયા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને પણ અપીલ કરી છે કે તેઓ 9 જુલાઈના રોજ POKની મુલાકાત લે. કમિટીનું કહેવું છે કે આ વૈશ્વિક સંગઠનો અને સંસ્થાઓએ POK આવીને જોવું જોઈએ કે કઈ રીતે પાકિસ્તાનની સરકાર નાગરિકો પર અત્યાચાર કરી રહી છે અને પ્રદેશની શું સ્થિતિ થઈ ગઈ છે.
POKમાં રવિવારે (5 જુલાઈ) પણ અનેક શહેરોમાં પ્રદર્શન થયાં. પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે પાકિસ્તાની સશસ્ત્રબળોએ જે પ્રદર્શનકારીઓની હત્યા કરી છે તેમનાં પરિવારોને મૃતદેહો પરત સોંપવામાં આવે. ઉપરાંત જે કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે તેમને પણ મુક્ત કરવામાં આવે. આ આંકડો 600 જેટલો હોવાનું કહેવાય છે. ઉપરાંત JAACના મુખ્ય નેતાઓને મુક્ત કરવા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે.
‘ભારત મદદ કરે, POK પાકિસ્તાનનો ભાગ નથી’
બીજી તરફ, આવામી એક્શન કમિટીના નેતાઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે POKમાં માનવીય ધોરણો પર સહાય મોકલવામાં આવે અને એટલું જ નહીં પરંતુ લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર સરહદો ખોલી દેવામાં આવે, જેથી પરિસ્થિતિ વણસે તો POKના લોકો પાસે ભારત આવવાનો વિકલ્પ રહે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે, જે 30 જૂનની એક રેલીનો હોવાનું કહેવાય છે. જેમાં JAAC નેતા સરદાર અમન ખાન કહે છે, “અમને ભારતની મદદની જરૂર છે. અહીં રાશનની પણ અછત પડી ગઈ છે.” ત્યારબાદ તેઓ ઉમેરે છે કે POKના લોકોને ભોજન-દવાઓ વગેરેની પણ તકલીફ પડી રહી છે અને પાકિસ્તાની સરકાર અને સુરક્ષાબળો સતત ઑપરેશનો ચલાવી રહ્યાં હોવાથી સ્થિતિ વધુ બગડી રહી છે અને માનવીય સંકટ સર્જાયું છે.
રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડ પર યોજાયેલી રેલીમાં લોકોને સંબોધિત કરતાં JAAC નેતા પૂછે છે કે શું તેમણે LoC તરફ આગળ વધવું જોઈએ? જેના જવાબમાં પ્રજા હકારમાં જવાબ આપે છે. સાથે સરદાર કહે છે કે જો પાકિસ્તાની સરકાર ગોળીઓથી પ્રતિકાર કરશે તો પ્રદર્શનકારીઓ પાસે બીજા વિકલ્પો પણ તૈયાર છે.
સરદાર ખાન એમ પણ કહે છે કે POK એ પાકિસ્તાનનો ભાગ નથી અને POKના લોકોને પાકિસ્તાનની જરૂર પણ નથી. એમ કહેવું જોઈએ કે પાકિસ્તાનને POKની તાતી જરૂરિયાત છે.
પાકિસ્તાને કાશ્મીરનો અમુક હિસ્સો પચાવી પાડ્યા પછી હવે તેનું સંચાલન કરવાની ક્ષમતા રહી નથી. બીજી તરફ વર્ષોથી ચાલતા અત્યાચાર અને અન્ય પ્રદેશોની સરખામણીએ ઉપેક્ષાના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આક્રોશ સતત વધી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને જોઇન્ટ આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂકી દીધા બાદ પ્રદર્શનો શરૂ થયાં હતાં. આ પ્રદર્શનો પર ફરી એક વખત પાકિસ્તાની સેનાએ બળપ્રયોગ કર્યો, જેમાં અનેક પ્રદર્શનકારીઓનાં મોત પણ થયાં હતાં.
ત્યારબાદ પાકિસ્તાને POKમાં રાશન, દવાઓ, જીવનજરૂરિયાતની ચીજોનો પુરવઠો અટકાવી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે ફરીથી પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે. પ્રદર્શનકારીઓએ હવે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપીને કહી દીધું છે કે તેઓ આ બધો જ પુરવઠો પૂર્વવત કરે અને વીજળી, પાણી, ઈન્ટરનેટ વગેરે સમસ્યાઓનું પણ સમાધાન કરે. ઉપરાંત વર્ષોથી ચાલતા આવતા મુદ્દાઓ બેરોજગારી, સબસિડી, મોંઘવારી વગેરેનું પણ સમાધાન લાવે. અન્યથા પ્રદર્શનો હજુ તીવ્ર સંભાવના છે.

