
ભારતીય સશસ્ત્રદળો અગ્નિપથ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી હાલ માત્ર 25 ટકા જવાનોને કાયમી સેવા આપવામાં આવે છે, પરંતુ હવે આ ટકાવારી નોંધપાત્ર રીતે વધારવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. ભારતીય નૌકાદળ (નેવી) લગભગ 75 ટકા અગ્નિવીરોને કાયમી રાખવાની તરફેણમાં હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે ભારતીય સેના અને વાયુસેના (IAF) આશરે 50 ટકા સુધી રિટેન્શન વધારવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જોકે સરકાર કે સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલમાં દાવો કર્યો છે કે વર્ષ 2023માં ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચ આ વર્ષના અંત સુધીમાં ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. તે પહેલાં જ ત્રણેય સેનાઓ અને ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ (DMA) વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ અમલમાં આવશે.
આ ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન મળેલા અનુભવને માનવામાં આવી રહ્યું છે. આ ઑપરેશન દરમિયાન અગ્નિવીરોનું પ્રદર્શન સંતોષકારક રહ્યું હતું, પરંતુ સાથે જ એવું પણ જાણવા મળ્યું કે આધુનિક હથિયારો, ટેક્નોલોજી અને હાઈ-ઇન્ટેન્સિટી ઑપરેશન્સમાં લાંબા સમયનો મેદાની અનુભવ અત્યંત જરૂરી છે. તેથી ચાર વર્ષ પછી મોટી સંખ્યામાં પ્રશિક્ષિત જવાનો સેવામાંથી બહાર થઈ જાય તે સેનાની કાર્યક્ષમતા માટે પડકારરૂપ બની શકે છે.
સેનાના મતે વધુ અગ્નિવીરોને કાયમી રાખવાથી આધુનિક ટેક્નોલોજી સંભાળી શકે તેવા અનુભવી જવાનોની ઉપલબ્ધિ વધશે. ખાસ કરીને નવી હથિયાર પ્રણાલીઓ, એર ડિફેન્સ, સિગ્નલ્સ, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તાલીમ મેળવેલા જવાનોને ફરીથી તૈયાર કરવાની જરૂર ઓછી રહેશે.
એવો પણ ઉલ્લેખ છે કે જો કુલ 25 ટકાની મર્યાદામાં તરત ફેરફાર ન કરવામાં આવે તો પણ કેટલીક વિશેષ યુનિટોમાં વધુ અગ્નિવીરોને કાયમી રાખવાનું મોડેલ અપનાવવામાં આવી શકે છે. ભારતીય સેનાની નવી રચાયેલી ‘ભૈરવ બટાલિયન’ જેવા વિશેષ દળોમાં આ પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકવાની શક્યતા પર વિચાર થઈ રહ્યો છે.
સાથે જ, દર વર્ષે મોટી સંખ્યામાં નિયમિત જવાનો નિવૃત્ત થતા હોવાથી આગામી વર્ષોમાં અંદાજે 1.8 લાખ કર્મચારીઓની ખામી ઊભી ન થાય તે માટે પણ અગ્નિવીર ભરતી અને રિટેન્શન બંને વધારવાની જરૂરિયાત અનુભવાઈ રહી હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજના વર્ષ 2022માં શરૂ કરવામાં આવી હતી. તેના હેઠળ 17.5થી 21 વર્ષની વયના યુવાઓને ચાર વર્ષ માટે સેના, નૌકાદળ અને વાયુસેનામાં ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ પૂર્ણ થયા બાદ હાલની જોગવાઈ મુજબ માત્ર 25 ટકા અગ્નિવીરોને જ તેમની કામગીરી, મેરિટ, મેડિકલ ફિટનેસ અને સંસ્થાકીય જરૂરિયાતોના આધારે કાયમી સેવા આપવામાં આવે છે, જ્યારે બાકીના અગ્નિવીરોને સેવા નિધિ પેકેજ અને સ્કિલ સર્ટિફિકેશન સાથે નાગરિક ક્ષેત્રમાં કારકિર્દી માટે મોકલવામાં આવે છે.

