હોમપેજદેશભૂટાને નહતી ફગાવી ભારતની E20 પેટ્રોલ માટેની ઑફર: વાંચો ભૂટાનીઝ અખબારે પોતાની...

ભૂટાને નહતી ફગાવી ભારતની E20 પેટ્રોલ માટેની ઑફર: વાંચો ભૂટાનીઝ અખબારે પોતાની જ સરકારના જવાબને તોડીમરોડીને કઈ રીતે ફેલાવ્યા ફેક ન્યૂઝ

ભૂટાનની સરકારે પણ ક્યારેય નથી કહ્યું કે ભારતે ઑફર આપી હતી. 'ધ ભૂટાનીઝ'ના સંપાદકે ખુલાસો આપવા જતાં સેલ્ફગોલ કરી નાખ્યો.

- Advertisement -

ભારતમાં ચાલતી ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલની (E20) ચર્ચાઓ વચ્ચે ભૂટાન સંબંધિત એક સમાચારો હેડલાઇન બની રહ્યા છે. દાવો એવો કરવામાં આવ્યો કે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભૂટાનને E20 પેટ્રોલની ઑફર આપી હતી પરંતુ ભૂટાને ઠુકરાવી દીધી છે અને કહ્યું છે કે નોર્મલ પેટ્રોલનો પુરવઠો જ ચાલુ રાખવામાં આવે. આ સમાચારો વહેતા થયા બાદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ચોખવટ કરીને કહ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી.

મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર તરફથી, પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ભૂટાનને E20 પેટ્રોલની કોઈ ઑફર જ આપવામાં આવી નથી તો પછી સામે પક્ષેથી ઠુકરાવવા-ન ઠુકરાવવાનો કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. અહીં એ જાણી લઈએ કે નેપાળ-ભૂટાન વગેરે દેશો ઈંધણ માટે ભારત પર જ નિર્ભર રહે છે.

ભૂટાનના અખબારે દાવો કર્યો, ભારતના મીડિયાએ આગળ વધાર્યો

આ દાવો ક્યાંથી આવ્યો? ભૂટાનના એક અખબાર ‘ધ ભૂટાનીઝ’ના એક રિપોર્ટ પરથી. આ અખબારે ગત સપ્તાહે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ E20 પેટ્રોલ માટે આપેલી ઑફર ભૂટાન સરકારે ફગાવી દીધી છે. તેનાં કારણોની ચર્ચા કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ભૂટાનમાં ઈંધણના સંગ્રહ માટેનું પૂરતું ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર નથી અને મોટાભાગની ટેન્ક પર્વતીય વિસ્તારોમાં જમીન નીચે છે, જ્યાં પાણીના લીકેજની પણ સંભાવના રહે છે. જો ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ હોય તો સંગ્રહમાં સમસ્યા આવી શકે છે.

- Advertisement -

ગયા અઠવાડિયે ભૂટાનના અખબારે છાપેલા અહેવાલને હમણાં એક-બે દિવસ પહેલાં ભારતીય મીડિયાએ પકડી લીધો અને એક પછી એક રિપોર્ટ પ્રકાશિત કરવાના શરૂ થયા. તમામમાં એક જ દાવો કરવામાં આવ્યો– ‘ભૂટાને ભારતની E20 પેટ્રોલની ઑફર નકારી દીધી.’

આ સમાચારો બરાબર એ સમયે આવ્યા જ્યારે ભારતમાં E20ની ચર્ચાઓ ભરપૂર ચાલી રહી છે. આ જ સમયગાળામાં આવા સમાચારો પણ આવ્યા એટલે વિરોધ કરનારાઓને, વિપક્ષી પાર્ટીઓને ભાવતું હતું ને વૈધે કહ્યા જેવું થયું. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં હકીકત જુદી છે.

‘ધ ભૂટાનીઝ’ના સંપાદકે ખુલાસો આપવા જતાં સેલ્ફગોલ કર્યો

આ હકીકત પેટ્રોલિયમ મંત્રાલયે જણાવી દીધી પછી પણ અખબાર ‘ધ ભૂટાનીઝ’ના સંપાદકે તંગડી ઊંચી જ રાખી અને X પર એક પોસ્ટ કરીને પોતાના અહેવાલનો બચાવ કર્યો. પરંતુ અહીં જ સેલ્ફગોલ કરી નાખ્યો.

‘ધ ભૂટાનીઝ’ના સંપાદક તેનઝિંગ લેમસેંગે પેટ્રોલિયમ મંત્રાલયની પોસ્ટને ટાંકીને X પર લખ્યું, ‘ઘણા બધા મને અહીં ટેગ કરી રહ્યા છે. આ રહ્યો ભૂટાન સરકારના વ્યાપાર વિભાગનો લેખિત જવાબ, જેમાં વિભાગે પુષ્ટિ કરી છે કે ભારતીય OMCએ ઑફર કરી હતી અને વિભાગે નોર્મલ પેટ્રોલનો પુરવઠો જ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. મેં મૌખિક રીતે વાતચીત કરી એમાં પણ આ બાબતની પુષ્ટિ થઈ છે.’

અખબારના સંપાદકે ભૂટાનની સરકારનો જે લેખિત જવાબ ટાંક્યો છે તે જ જો ધ્યાનપૂર્વક વાંચવામાં અને સમજવામાં આવે તો અખબારી પોલ ખુલી જાય એમ છે. ફેક્ટચેક આ લેખ થકી જ થઈ શકે એમ છે, બહાર ક્યાંય જવાની જરૂર પણ નથી. આ જવાબમાં જ એ સ્પષ્ટ થઈ જાય એમ છે કે ઑફર ભારત તરફથી ક્યારેય આપવામાં આવી નથી.

ભૂટાને ક્યારેય નથી કહ્યું કે ભારતે ઑફર આપી હતી

તેનઝિંગે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે તેમાં ક્રમવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના ભૂટાન સરકારે જવાબ આપ્યા હતા.

પહેલો પ્રશ્ન છે: ‘ભારતમાં એપ્રિલ 2026થી E20 પેટ્રોલ ફરજિયાત કરવામાં આવ્યું છે. આપણે એ આયાત કરી રહ્યા છીએ?’

જવાબ આપવામાં આવ્યો છે: ‘ના, આપણે E-20 પેટ્રોલની આયાત કરી રહ્યા નથી.’

બીજા પ્રશ્નના જવાબમાં ભૂટાન સરકાર ટેક્નિકલ બાબતો સમજાવીને કહે છે કે સામાન્ય પેટ્રોલ સાથે સમસ્યા નથી આવતી પણ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ સાથે પાણી ભળે તો બંનેને અલગ કરી શકાતાં નથી અને ઈંધણની ગુણવત્તા પર અસર પડે છે. હાલ ભૂટાનમાં જે ફ્યુલ ડીલરો દ્વારા અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્કનો ઉપયોગ થાય છે તેમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો સંગ્રહ પડકારજનક બની રહેશે.

ત્યારબાદ આગળ જણાવવામાં આવ્યું છે કે આ બાબતોને ધ્યાનમાં લેતાં ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વિનંતી કરવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના માર્કેટમાં નોર્મલ પેટ્રોલ ઉપલબ્ધ રહે ત્યાં સુધી તેઓ ભૂટાનને એ જ પેટ્રોલ સપ્લાય કરે. ભારત ઈથેનોલ બ્લેન્ડિંગમાં વધારો કરે કે સંપૂર્ણ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ તરફ જાય તો એ કિસ્સામાં ભૂટાનને અગાઉથી જાણ કરવામાં આવે. જેથી અન્ડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક અને અન્ય ફ્યુલ હેન્ડલિંગ સિસ્ટમને લીક-પ્રૂફ બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં પૂરતો સમય મળી રહે અને ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો સંગ્રહ થાય એવી સ્ટોરેજ ફેસિલિટી વિકસાવી શકાય.

આ આખી ચર્ચામાં ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું નથી કે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભૂટાનને E20 પેટ્રોલ માટે ઑફર કરી હતી અને ભૂટાનની સરકારે એ નકારી દીધી. જે કંઈ ચર્ચા થઈ હતી એ ટેકનિકલ કારણોસર અને ભૂટાનની મર્યાદાને અનુલક્ષીને થઈ હતી. એ સ્વયં ભૂટાન સરકાર જણાવી રહી છે, જે જવાબ ‘ધ ભૂટાનીઝ’ના સંપાદકે પોતે શૅર કર્યો છે.

જ્યારે અખબારે જે દાવો કર્યો અને તેને પછી ભારતના મીડિયાએ ચલાવ્યો તેમાં નરેટિવ એવો ગોઠવવામાં આવ્યો હતો કે ભારત તરફથી ઑફર કરવામાં આવી અને ભૂટાને રદ કરી દીધી. એવી કોઈ ઑફર નહતી થઈ એવું ભારત સરકાર પહેલેથી કહી ચૂકી છે. ભૂટાન સરકારનો જે જવાબ છે તેમાં પણ આવી કોઈ ઑફરના ‘અ’નો પણ ઉલ્લેખ નથી. જે કંઈ ચર્ચા છે એ ટેકનિકલ ગ્રાઉન્ડ પર છે.

નિષ્કર્ષ

મૂળ વાત એટલી છે કે ભૂટાન અત્યારે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ સંગ્રહી શકે એવી પરિસ્થિતિ નથી એટલે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ હાલ નોર્મલ પેટ્રોલ ઉપલબ્ધ છે ત્યાં સુધી તેનો જ સપ્લાય ચાલુ રાખે. જ્યારે ભારત સંપૂર્ણ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પર શિફ્ટ થઈ જાય ત્યારે ભૂટાનને અગાઉથી જાણ કરી રાખે જેથી ભૂટાન પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી શકે. કારણ કે ભૂટાન-નેપાળ વગેરે સંપૂર્ણપણે ઈંધણ માટે ભારત પર નિર્ભર છે.

આમાં ભારતે ઑફર કરવાની અને ભૂટાને ના પાડવાની વાત ક્યાંય આવી નથી. એ તેના તંત્રીના ભેજાની ઉપજ છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં