
અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીમાંથી ચઢાવાની ચોરીના મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ ઘટનાને ‘અત્યંત નિંદનીય’ ગણાવીને કહ્યું છે કે, તપાસમાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ સાથે જ મંદિર પ્રશાસન અને સરકાર પાસે વ્યવસ્થાની ખામીઓને દૂર કરીને પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી છે.
રામભક્તોની આસ્થાને પહોંચી ઠેસ
સંઘ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર કરોડો રામભક્તોની આસ્થા, શ્રદ્ધા અને લાંબા સંઘર્ષનું પ્રતીક છે. આવા પવિત્ર સ્થળે દાનપેટીમાં એકત્રિત થયેલી રકમની ચોરી થવાની આ ઘટના સમગ્ર સમાજ માટે અત્યંત પીડાજનક છે.
આ સંદર્ભમાં દત્તાત્રેય હોસબાલેએ જણાવ્યું હતું કે, “અયોધ્યામાં શ્રી રામલલા મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓમાંથી જમા રકમની ચોરી થવાની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર સમાજ અને રામભક્તોની ભાવના તેમજ શ્રદ્ધાને ઊંડો આઘાત પહોંચ્યો છે અને આ ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી અને વ્યથિત છીએ.”
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले द्वारा जारी किया गया वक्तव्य :
— RSS (@RSSorg) July 3, 2026
(नई दिल्ली, 3 जुलाई 2026)
श्री राम जन्मभूमि पर निर्मित भव्य मंदिर पीढ़ियों के संघर्ष और करोड़ों रामभक्तों के समर्पण, त्याग एवं बलिदान के कारण संपूर्ण हिन्दू समाज के लिए श्रद्धा, आस्था और… pic.twitter.com/5T72nmx87T
સંઘે જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી છે અને તેની ભલામણના આધારે કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સંઘનું કહેવું છે કે તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ અને તેમાં જે પણ દોષિત સામે આવે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
દત્તાત્રેય હોસબાલેએ જણાવ્યું હતું કે, “તપાસમાં જે પણ દોષિત સાબિત થશે તેમને કડક સજા થાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.” આ સાથે જ તેમણે મંદિરની નાણાકીય વ્યવસ્થા અને સંચાલનને વધુ પારદર્શક તેમજ જવાબદાર બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.
ભ્રમ દૂર કરવા અને સંયમ જાળવી રાખવાની અપીલ
સંઘે જણાવ્યું કે આ ઘટનાને સામાન્ય ચોરી તરીકે ન જોવી જોઈએ, પરંતુ આની સાથે જોડાયેલા તમામ પાસાંઓ પર ગંભીરતાથી કામ કરીને વ્યવસ્થાની ખામીઓને દૂર કરવી જોઈએ જેથી શ્રદ્ધાળુઓનો વિશ્વાસ મજબૂત બનેલો રહે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં ઊભી થયેલી ભ્રમ અને અસમંજસની સ્થિતિનો અંત આવવો જોઈએ અને આ માટે મંદિર વહીવટ (મેનેજમેન્ટ) તેમજ SIT જરૂરી પગલાં ભરે. આ સાથે જ સંઘે સમાજને પણ અપીલ કરી છે કે આ સંવેદનશીલ સમયમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખે.
દત્તાત્રેય હોસબાલેએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર હિંદુ સમાજને પણ આહ્વાન કરે છે કે આ મુશ્કેલ ઘડીમાં તે જરૂરી ધૈર્ય અને સંયમનો પરિચય આપે તથા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ ઉઠાવીને હિંદુ ધર્મ અને સમાજને બદનામ કરવાના હિંદુવિરોધી, રાષ્ટ્રવિરોધી શક્તિઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવે.”

