‘અમે પાકિસ્તાનનો ભાગ નથી’: PoKમાં ઉગ્ર થયું આંદોલન, પ્રદર્શનકારીઓએ અસ્તિત્વ માટે આતંકી દેશ વિરુદ્ધ ‘અન્ય રસ્તા’ અપનાવવાની હાકલ કરી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ચાલી રહેલો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. મંગળવારે (30 જૂન) રાવલાકોટના ઈદગાહ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ખુલ્લેઆમ કહ્યું કે, ‘અમે પાકિસ્તાનનો ભાગ નથી.’ તેમણે પાકિસ્તાન સરકારને ચેતવણી આપતાં કહ્યું કે જો આવશ્યક ખાદ્યસામગ્રી અને રાશનનો પુરવઠો રોકવામાં આવશે તો તેઓ પોતાના અસ્તિત્વ માટે ‘બીજા રસ્તા’ અપનાવવા મજબૂર થશે.

પ્રદર્શન દરમિયાન PoKના નેતા સરદાર અમાન ખાને પાકિસ્તાન સરકારને આકરા શબ્દોમાં સંબોધતાં કહ્યું કે, “અમને તમારા રાશનની જરૂર નથી, તમને અમારી જરૂર છે.” તેમનો આરોપ હતો કે ઇસ્લામાબાદ સરકાર આંદોલનને દબાવવા માટે સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહી છે અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અટકાવી રહી છે.

આ વિરોધ એવા સમયે વધુ તીવ્ર બન્યો છે જ્યારે પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં રાવલાકોટ અને મીરપુરના રહેવાસીઓને ‘સાચા કાશ્મીરી નથી’ હોવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનને લઈને PoKમાં ભારે વિરોધ થયો હતો અને સ્થાનિક રાજકીય નેતાઓએ પણ તેની ટીકા કરી હતી.

JAAC પર પ્રતિબંધ છતાં આંદોલન યથાવત

આંદોલનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC) કરી રહી છે. પાકિસ્તાન સરકારે આ સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિરોધ અટક્યો નથી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર લોકઆંદોલનને સુરક્ષાનો મુદ્દો ગણાવી દમન કરી રહી છે.

રાશન, ઇન્ટરનેટ અને ધરપકડના આરોપ

સ્થાનિક લોકોનો આરોપ છે કે અનેક વિસ્તારોમાં ખાદ્યસામગ્રી અને અન્ય આવશ્યક પુરવઠો ખોરવાઈ ગયો છે. સાથે જ ઇન્ટરનેટ સેવાઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે જેથી વિરોધના વિડીયો અને તસવીરો બહાર ન પહોંચી શકે. આંદોલન સાથે જોડાયેલા અનેક કાર્યકરો સામે આતંકવાદ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયા હોવાના પણ અહેવાલો છે.

નોંધનીય છે કે PoKમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી મોંઘવારી, શાસકીય નીતિઓ અને પાકિસ્તાન સરકારના વલણ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. તાજેતરમાં થયેલી અથડામણોમાં અનેક લોકોનાં મોત અને મોટી સંખ્યામાં ધરપકડ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. હવે પ્રદર્શનકારીઓ દ્વારા જાહેરમાં ‘અમે પાકિસ્તાનનો ભાગ નથી’ જેવી ટિપ્પણી કરવામાં આવતા આ આંદોલન વધુ ગંભીર તબક્કામાં પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.