કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ હત્યા કેસમાં 36 વર્ષ બાદ આતંકી યાસીન મલિક સામે 737 પાનાંની ચાર્જશીટ, માસ્ટરમાઇન્ડ તરીકે નામ

કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ, યાતના અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (SIA) મોટો ખુલાસો કર્યો છે. સોમવારના (29 જૂન) રોજ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 737 પાનાંની ચાર્જશીટમાં આતંકી અને પ્રતિબંધિત જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના (JKLF) તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિકને સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં જણાવાયું છે કે 18 એપ્રિલ, 1990ના રોજ શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં (SKIMS) સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતાં 27 વર્ષીય સરલા ભટનું આતંકીઓએ અપહરણ કર્યું, તેમની સાથે ક્રૂર યાતના ગુજારી અને બાદમાં ઓટોમેટિક રાઇફલથી ગોળી મારી હત્યા કરી હતી.

શું હતો સરલા ભટની હત્યાનો મામલો?

1990ની શરૂઆતમાં કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટેડ હત્યાઓ શરૂ થઈ ગઈ હતી. ટિકા લાલ ટપલૂ, જસ્ટિસ નીલકંઠ ગંજૂ, લાસા કૌલ અને સરવાનંદ કૌલ પ્રેમી સહિત અનેક અગ્રણી કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓનો હેતુ સમગ્ર કાશ્મીરી હિંદુ સમાજમાં ભય ફેલાવી તેમને ખીણ છોડવા મજબૂર કરવાનો હતો.

તે સમયે SKIMSમાં ફરજ બજાવતી મોટાભાગની કાશ્મીરી પંડિત નર્સો કાશ્મીર છોડી ચૂકી હતી, પરંતુ સરલા ભટે પોતાની ફરજ ચાલુ રાખી હતી.

ચાર્જશીટ મુજબ સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઘાયલ થતા JKLFના આતંકીઓને સારવાર માટે SKIMSમાં લાવવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આતંકી યાસીન મલિક અને તેના સાથીઓને શંકા હતી કે સરલા ભટ પોલીસ અથવા ગુપ્તચર એજન્સીઓને આતંકીઓ વિશે માહિતી આપતી હશે.

SIAએ સ્પષ્ટ કર્યું છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને બનાવટી હતો. તપાસમાં કોઈ પુરાવો મળ્યો નથી કે સરલા ભટ માહિતી આપતી હતી. ચાર્જશીટ અનુસાર આ માત્ર તેમની હત્યાને યોગ્ય ઠેરવવા માટે ઘડાયેલું બહાનું હતું.

યાસીન મલિકે આપ્યો હતો હત્યાનો આદેશ

તપાસ મુજબ 8 એપ્રિલ, 1990ના રોજ નરવારામાં પોલીસ કાર્યવાહીમાં અનેક JKLF આતંકીઓ ઝડપાયા હતા, જ્યારે યાસીન મલિક ભાગી છૂટ્યો હતો પરંતુ ઘાયલ થયો હતો. ત્યારબાદ તેણે સરલા ભટને પોલીસની બાતમીદાર હોવાની શંકા વ્યક્ત કરી અને તેમની હત્યાનો આદેશ આપ્યો હોવાનું SIAએ ચાર્જશીટમાં જણાવ્યું છે.

ચાર્જશીટમાં યાસીન મલિક ઉપરાંત ખુર્શીદ અહમદ ચાલકૂને ગોળી મારનાર આતંકી તરીકે નામજોગ કરવામાં આવ્યો છે. તેની સાથે અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સોફી ઉર્ફે ઇદ્રીસ અને ગુલામ મોહમ્મદ ટપલૂના નામ પણ સામેલ છે. આ ત્રણેય આતંકીઓના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ખુર્શીદ ચાલકૂ POKમાં ભાગી ગયો હોવાનું માનવામાં આવે છે.

36 વર્ષ બાદ ફરી ખુલી તપાસ

આ કેસ માર્ચ 2024માં જમ્મુ-કાશ્મીરના DGPના આદેશ બાદ SIAને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ અધિકારીઓએ સાડા ત્રણ દાયકાથી વધુ જૂના કેસના પુરાવા ફરી એકત્ર કર્યા.

તપાસ દરમિયાન 1989-90માં SKIMSમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ, તે સમયના પત્રકારો અને અનેક વૃદ્ધ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ઘણા સાક્ષીઓ હવે 70થી 80 વર્ષની ઉંમરના હોવાથી તપાસ ટીમે વ્યક્તિગત રીતે તેમની મુલાકાત લઈને પુરાવા એકત્ર કર્યા હતા.

તપાસનું નેતૃત્વ ADG CID/SIA નીતિશ કુમારની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યારે 2018 બેચના IPS અધિકારી દિવ્યા દેવે મુખ્ય તપાસ હાથ ધરી હતી.

બેલિસ્ટિક અને ઇલેક્ટ્રોનિક પુરાવાથી મજબૂત બન્યો કેસ

SIAના જણાવ્યા અનુસાર સરલા ભટને છેલ્લે 18 એપ્રિલ, 1990ના રોજ બપોરે SKIMSમાં જીવિત જોવામાં આવ્યાં હતાં. ત્યારબાદ JKLFના આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ અને સાક્ષીઓએ જણાવ્યું કે આતંકીઓ તેમને બુચપોરા ક્રોસિંગથી ઇલાહીબાગ-લાલબજાર વિસ્તારમાં લઈ ગયા, જ્યાં તેમની સાથે મારપીટ, યાતના અને અંતે ઓટોમેટિક રાઇફલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની (FSL) બેલિસ્ટિક તપાસમાં પણ ઘટનાસ્થળેથી મળેલા ત્રણેય કારતૂસ એક જ 7.62×39 મીમી હથિયારમાંથી છોડવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. ચાર્જશીટમાં અપહરણ, ગેરકાયદે કેદ, હત્યા, ગુનાહિત ષડ્યંત્ર, પુરાવા નષ્ટ કરવા, TADA તથા આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે.

બિટ્ટા કરાટેનો વિડીયો પણ પુરાવા તરીકે જોડાયો

SIAએ ઇલેક્ટ્રોનિક પુરાવા તરીકે આતંકી ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેનું એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ પણ ચાર્જશીટમાં સામેલ કર્યું છે. આ ઇન્ટરવ્યુમાં તેણે JKLFના નેતૃત્વના આદેશ પર ટાર્ગેટેડ હત્યાઓમાં સામેલ હોવાની કબૂલાત કરી હોવાનું તપાસ એજન્સીનું કહેવું છે. આ પુરાવો JKLFની સંગઠિત કમાન્ડ સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવે છે.

કાશ્મીરી હિંદુઓના હિજરતના ષડ્યંત્રનો ભાગ હતી હત્યા

SIAએ પોતાની ચાર્જશીટમાં નિષ્કર્ષ આપ્યો છે કે સરલા ભટની હત્યા કોઈ એકલદોકલ ઘટના નહોતી, પરંતુ કાશ્મીરી પંડિત સમાજમાં આતંક ફેલાવી તેમને કાશ્મીર ખીણ છોડવા મજબૂર કરવાના JKLFના સંગઠિત અભિયાનનો ભાગ હતી.

તપાસ એજન્સીનું કહેવું છે કે આ કેસની તપાસ દરમિયાન જસ્ટિસ નીલકંઠ ગંજૂ, ટિકા લાલ ટપલૂ અને સરવાનંદ કૌલ પ્રેમી સહિત અન્ય લાંબા સમયથી અટવાયેલા આતંકી હત્યાકાંડોમાં પણ નવા પુરાવા અને સાક્ષીઓ મળ્યા છે. આવનારા સમયમાં તે કેસોમાં પણ ચાર્જશીટ દાખલ થઈ શકે છે. હાલ આતંકી યાસીન મલિક અલગ આતંકવાદી ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો