
દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં ગયા વર્ષે થયેલા કાર બૉમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) વધુ ત્રણ આરોપીઓ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. નવા આરોપીઓમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસી મુઝફ્ફર અહેમદ, જમીર અહેમદ અહંગર અને તુફૈલ અહેમદ ભટનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. આ સાથે કેસમાં ચાર્જશીટ કરાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે 13 થઈ ગઈ છે.
NIAના જણાવ્યા અનુસાર મુઝફ્ફર અહેમદ હાલ ફરાર છે અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. તે આ કેસના આરોપી ડૉ. આદિલ અહેમદ રાથરનો મોટો ભાઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો દાવો છે કે જૂન 2022માં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં યોજાયેલી ગુપ્ત બેઠકમાં AGuH Interim નામના આતંકી મોડ્યુલની રચના કરવામાં આવી હતી, જેમાં મુઝફ્ફર પણ હાજર હતો.
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં ગુપ્ત રીતે IED બનાવવાનું ઠેકાણું ચલાવવામાં આવતું હતું. અહીં ઉમર અને મુજમ્મિલ નામના આતંકીઓની મદદથી TATP આધારિત વિસ્ફોટકો તૈયાર કરવા, તેનું પરીક્ષણ કરવા અને તેને છુપાવી રાખવાનું કામ કરવામાં આવતું હતું. NIAના જણાવ્યા મુજબ મુઝફ્ફર આ સમગ્ર પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો.
એજન્સીએ જમીર અહેમદ અહંગરને AGuH Interimનો ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) ગણાવ્યો છે. NIAનો દાવો છે કે તે આતંકી મોડ્યુલના હેન્ડલર્સના સંપર્કમાં હતો અને હથિયારો તથા દારૂગોળો પહોંચાડવાની જવાબદારી સંભાળતો હતો. જ્યારે ત્રીજા આરોપી તુફૈલ અહેમદ ભટ અગાઉ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો OGW રહી ચૂક્યો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયું છે.
NIAએ જણાવ્યું છે કે આ પૂરક ચાર્જશીટ ફોરેન્સિક વિશ્લેષણ, લોકેશન મેપિંગ અને નાણાકીય લેવડદેવડની તપાસના આધારે દાખલ કરવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વની વિગતો પણ સામે આવી શકે છે.

