રામ મંદિર દાન ગેરરીતિ મામલે SITએ યુપી સરકારને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ: FIR નોંધવા અને ટ્રસ્ટનું પુનર્ગઠન કરવાની ભલામણ

અયોધ્યાના રામ મંદિરને મળતી દાનરાશિ અને કિંમતી વસ્તુઓમાં થયેલી ગેરરીતિ મામલે ઉત્તર પ્રદેશ સરકારે રચેલ SITએ મંગળવારે (23 જૂન) તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે. લખનઉના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈજી કિરણ શિવકુમાર અને વિશેષ સચિવ (નાણાં) નીલરત્ન કુમારની ટીમે લગભગ આ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે. SITના સભ્ય વિજય વિશ્વાસ પંતે જણાવ્યું કે આ માત્ર પ્રાથમિક રિપોર્ટ છે અને તેની વિગતો હાલમાં ગોપનીય રાખવામાં આવી છે.

અહેવાલ અનુસાર રિપોર્ટમાં દાનની રકમ અને કિંમતી વસ્તુઓની ગણતરી, સંગ્રહ અને બેન્કમાં જમા કરવાની પ્રક્રિયામાં બેદરકારી, દેખરેખના અભાવ અને ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાનની ગણતરીમાં સામેલ કર્મચારીઓ, બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો તેમજ CCTV ફૂટેજના જતન માટે જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ નોંધ લેવામાં આવી હોવાનું કહેવાય છે. SITએ આ મામલે FIR નોંધવાની અને કાયદાકીય તપાસ દ્વારા જવાબદારોની ભૂમિકા સ્પષ્ટ કરવાની ભલામણ કરી છે.

પાંચ વર્ષના દાન અને હિસાબોની ઓડિટ કરવાની ભલામણ

પ્રાથમિક રિપોર્ટમાં છેલ્લા પાંચ વર્ષના દાન અને હિસાબોની વિશેષ ઓડિટ કરવાની પણ ભલામણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ છે. સાથે જ દાનની વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે નવા પગલાં સૂચવવામાં આવ્યાં છે. રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટના કેટલાક પદાધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. જોકે આ તમામ વિગતો અંગે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અહેવાલો અનુસાર SITએ મંદિર ટ્રસ્ટના પુનર્ગઠન અને કાશી વિશ્વનાથ મંદિરની જેમ અયોધ્યા રામ મંદિર માટે એક મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાની ભલામણ પણ કરી છે. આ પદ માટે વરિષ્ઠ IAS અધિકારીની નિમણૂક થઈ શકે છે, જે મંદિરની નાણાકીય અને વહીવટી કામગીરી પર સીધી દેખરેખ રાખશે. સરકાર અને ટ્રસ્ટ વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન પાંચ આરોપીઓ લવકુશ, અવિનાશ, અનુકલ્પ, કરુણે અને રામશંકર ઉર્ફે ટિન્નુની માહિતીના આધારે અંદાજે ₹2 કરોડની રોકડ રકમ અને સોનાની વસ્તુઓ જપ્ત કરાઈ ચૂકી છે. ટિન્નુને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયના નજીકના સહયોગી તરીકે ગણાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક માહિતી અનુસાર સમગ્ર કથિત ગેરરીતિનો આંકડો ₹200 કરોડથી વધુ હોઈ શકે છે, જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

1,250 પવિત્ર શ્રીરામ શિલાઓ ગુમ થઈ હોવાનો દાવો

આ દરમિયાન ધર્મ સેના સંસ્થાના સ્થાપક સંતોષ દુબેએ દાવો કર્યો છે કે વર્ષ 1989માં દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલી સોનું, ચાંદી, હીરા અને અષ્ટધાતુથી બનેલી 1,250 પવિત્ર શ્રીરામ શિલાઓ ગુમ થઈ ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર આ કિંમતી શિલાઓની સુરક્ષાની જવાબદારી ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પાસે હતી. જોકે આ દાવાઓ અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ હજુ ચાલુ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલામાં જવાબદારોની ઓળખ અને તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી જાહેર કરી શકાય તે માટે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. SITએ વધુ વિગતવાર તપાસ માટે વધારાનો સમય માગ્યો છે અને આગામી લગભગ 15 દિવસમાં સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપવાની શક્યતા છે. રાજ્ય સરકાર આ રિપોર્ટને કેન્દ્રના ગૃહ મંત્રાલયને મોકલી શકે છે, જ્યાંથી મંદિર ટ્રસ્ટના સભ્યોને યથાવત રાખવા કે બદલવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.