વનકર્મીઓ પર હુમલાના કેસમાં AAP MLA ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, ધારાસભ્ય પદ પણ જોખમમાં

વનકર્મીઓને માર મારવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસમાં ચૈતરની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા હતા. હવે સજાની સુનાવણી કરવામાં આવી.

હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મૂકાયું છે, કારણ કે નિયમો અનુસાર ધારાસભ્યો જો કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો ધારાસભ્ય પદ પરથી બરતરફ કરવામાં આવે છે. ચૈતરને કોર્ટે 7 વર્ષની જેલ ફટકારતાં હવે સભ્યપદ પર પણ જોખમ છે. જોકે હાઇકોર્ટ આ સજા પર સ્ટે મૂકે તો સભ્યપદ બચી શકે એમ છે. ચૈતર વસાવા આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે એ નક્કી છે.

શું છે સમગ્ર કેસ?

મળતી માહિતી અનુસાર આ કેસ નવેમ્બર 2023માં નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતી ખેતીને લઈને વિવાદ સર્જાયો હતો. વન વિભાગે આ ખેતીને ગેરકાયદેસર ગણાવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા.

બેઠક દરમિયાન બોલાચાલી ઉગ્ર બની હતી અને ઉશ્કેરાઈને ચૈતરે વનકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, તેમને ધમકાવવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેની પત્ની, તેના પીએ જીતેન્દ્ર સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપીઓ સામે સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવો, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા એક મહિના કરતાં વધુ સમય સુધી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 14 ડિસેમ્બર 2023ના રોજ તેણે સમર્થકો સાથે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. બાદમાં કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2024માં તેને શરતી જામીન મળ્યા હતા.

(સજાની સુનાવણી થયા બાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.)