મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે એન્ટ્રી, હિંદુ પરીક્ષાર્થીઓનાં દોરા-કંઠી ઉતરાવી લીધાં: અમદાવાદના Re-NEET કેન્દ્ર બહાર વાલીઓનો વિરોધ

અમદાવાદમાં રવિવારે (21 જૂન) યોજાયેલી Re-NEET પરીક્ષા દરમિયાન એક પરીક્ષા કેન્દ્ર બહાર વિવાદ સર્જાયો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આર.જે. ટીબ્રેવાલ કોલેજ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભેદભાવપૂર્ણ વર્તનના આરોપ લગાવતા વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓનો આરોપ છે કે પરીક્ષા કેન્દ્ર પર મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક હિંદુ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં હાથમાં બાંધેલા રક્ષાસૂત્ર, ધાર્મિક દોરા અને ગળામાં પહેરેલી કંઠી કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. આ મુદ્દે પરીક્ષા કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા અને  સવાલો ઉઠાવ્યા હતા.

વાલીઓએ શું કહ્યું?

પરીક્ષા કેન્દ્ર બહાર હાજર રહેલા વાલીઓએ આરોપ લગાવ્યો કે તમામ ઉમેદવારો માટે એકસરખા નિયમો લાગુ થવા જોઈએ. તેમનું કહેવું હતું કે જો સુરક્ષા અને પરીક્ષાના નિયમોના નામે હિંદુ વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રતિકો દૂર કરવા માટે કહેવામાં આવે છે તો પછી હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી રહી છે?

કેટલાક વાલીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ સાથે પરીક્ષા આપી શકે તો હિંદુ વિદ્યાર્થીઓ રૂમાલ, રક્ષાસૂત્ર અથવા કંઠી જેવી વસ્તુઓ કેમ ન રાખી શકે? આ મુદ્દે વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

કેન્દ્ર બહાર સર્જાયો હોબાળો

આક્ષેપોને લઈને પરીક્ષા કેન્દ્ર બહાર થોડા સમય માટે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્ર બહાર પોલીસ પણ તહેનાત કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર સમગ્ર વિવાદ દરમિયાન હિંદુ સંગઠનો સાથે સંકળાયેલા 2 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમની અટકાયત કયા સંજોગોમાં કરવામાં આવી અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.

રાજ્યના 211 કેન્દ્રો પર યોજાઈ Re-NEET

ઉલ્લેખનીય છે કે NEET-UG પેપર લીક કૌભાંડ બાદ રદ કરાયેલી પરીક્ષા માટે રવિવારે Re-NEETનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79,411 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.