હોમપેજદુનિયાપ્રાચીન 'ચાર વ્યવસાયો'થી આધુનિક 'હુકૌ' વિભાજન સુધી: ભારતવિરોધી પ્રોપગેન્ડા સામે ભારતીય નેટિઝન્સે...

પ્રાચીન ‘ચાર વ્યવસાયો’થી આધુનિક ‘હુકૌ’ વિભાજન સુધી: ભારતવિરોધી પ્રોપગેન્ડા સામે ભારતીય નેટિઝન્સે ખુલ્લી પાડી ચીનીઓની જ્ઞાતિ વ્યવસ્થા

ચીનનો 'સામ્યવાદ' કે 'સોશિયલિઝમ' એ માત્ર દુનિયાને બતાવવાના હાથીના દાંત છે. વાસ્તવિકતામાં કમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાની સરમુખત્યારશાહી અને વૈશ્વિક આર્થિક સામ્રાજ્ય ટકાવી રાખવા માટે પોતાના જ નાગરિકોનું કાયદાકીય અને જન્મ આધારિત શોષણ કરતી એક અત્યંત અમાનવીય 'જ્ઞાતિ પ્રથા'ને પંપાળી રાખી છે.

- Advertisement -

આધુનિક વિશ્વમાં જ્યારે પણ કોઈ દેશ પોતાની જાતને સંપૂર્ણ વર્ગવિહીન, સમાનતાવાદી અને યોગ્યતા આધારિત (meritocratic) હોવાનો દાવો કરે, ત્યારે તેની વ્યવસ્થાનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવું અનિવાર્ય બની જાય છે. પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના (PRC) અને તેનું સંચાલન કરતી ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) વૈશ્વિક મંચ પર હંમેશા એવો પ્રોપગેન્ડા ચલાવે છે કે તેમણે માઓવાદી ક્રાંતિથી સમાજમાંથી તમામ પ્રકારના વર્ગભેદ અને શોષણને જડમૂળથી ઉખાડી નાખ્યા છે. પરંતુ ચીનના આ કમ્યુનિસ્ટ યુટોપિયાની પાછળ એક અત્યંત કઠોર, વંશપરંપરાગત અને કાયદાકીય રીતે માન્ય રાખવામાં આવેલી ભેદભાવની વ્યવસ્થા છુપાયેલી છે. જેને વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ ‘હુકૌ પ્રણાલી’ (Hukou System) તરીકે ઓળખે છે.

વર્ષોથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પોતાની સામાજિક વાસ્તવિકતાઓને ‘ગ્રેટ ફાયરવોલ’ પાછળ છુપાવતી રહી છે અને બીજી તરફ ભારતની સામાજિક રચના તથા જ્ઞાતિ પ્રથાને લઈને વૈશ્વિક સ્તરે પ્રોપેગેન્ડા ચલાવતી રહી છે. પરંતુ હવે સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી X (અગાઉનું ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભારતીય યુઝર્સે ચીનની સામાજિક વ્યવસ્થાને લઈને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. મીમ્સ, વિડીયો, થ્રેડ્સ, વ્યંગાત્મક પોસ્ટ્સ અને જમીની વાસ્તવિકતાઓ દર્શાવતા દૃશ્યો દ્વારા ભારતીયો ચીનની કહેવાતી ‘કાસ્ટ સિસ્ટમ’ અને હુકૌ (Hukou) પ્રણાલીને ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યા છે.

ભારતમાં ચીનની હુકૌ પ્રણાલી અને તેના કારણે ઊભી થતી સામાજિક અસમાનતા અંગે શૈક્ષણિક અને નીતિગત વર્તુળોમાં વર્ષોથી ચર્ચા થતી રહી છે. જોકે સામાન્ય લોકો સુધી ચીનની આ વ્યવસ્થાનું માત્ર મર્યાદિત અને ચમકાવેલું ચિત્ર જ પહોંચ્યું હતું. હવે ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે ચીનના સમાજ અંગેની આ ઓછી જાણીતી હકીકતોને વૈશ્વિક ચર્ચાનો વિષય બનાવી દીધી છે.

- Advertisement -

આ અભિયાનને ખાસ કરીને 11 જૂન 2026 પછી ગતિ મળી, જ્યારે અનેક ભારતીય યુઝર્સે ચીનની પ્રાચીન ‘ફોર ઓક્યુપેશન્સ’ (Shi-Nong-Gong-Shang) વ્યવસ્થા અને આધુનિક હુકૌ પ્રણાલી વિશે પોસ્ટ્સ શેર કરવાનું શરૂ કર્યું. આ પોસ્ટ્સમાં દલીલ કરવામાં આવી રહી છે કે હુકૌ વ્યવસ્થા કરોડો ચીની નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક સુરક્ષાના મામલામાં દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવવા માટે મજબૂર કરે છે.

પરંતુ ભારતીય નેટિઝન્સે ચીનની આ સામાજિક વાસ્તવિકતાઓને ચર્ચામાં કેમ લાવી અને હુકૌ પ્રણાલી અંગે આટલી ચર્ચા શા માટે થઈ રહી છે, તે સમજવા પહેલાં ચીનની ઐતિહાસિક અને આધુનિક સામાજિક રચનાને સમજવી જરૂરી છે.

ભારતે સ્વતંત્રતા પછી બંધારણીય કાયદાઓ, અનામત પ્રણાલી અને વ્યાપક સામાજિક સુધારાઓથી સદીઓ જૂની જ્ઞાતિ પ્રથાના દૂષણને નાબૂદ કરવામાં અને પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેનાથી તદ્દન વિપરીત પોતાને ‘સામ્યવાદી’ ગણાવતા ચીને કાયદાકીય મહોર મારીને એક એવી સત્તાવાર વ્યવસ્થા ઊભી કરી દીધી છે જે વાસ્તવમાં જન્મ આધારિત અસ્પૃશ્યતા, આર્થિક શોષણ અને સામાજિક વિભાજનનું આધુનિક સ્વરૂપ છે. ચીનની આ ‘હુકૌ પ્રણાલી’ વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાના રંગભેદ (Apartheid) અને પ્રાચીન જ્ઞાતિ પ્રથાનું એક એવું ખતરનાક મિશ્રણ છે, જેનો ઉપયોગ શાસક પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા માટે કરે છે.

ચીનની પ્રાચીન સામાજિક વ્યવસ્થા: ‘ફોર ઓક્યુપેશન્સ’ પ્રણાલીથી લઈને હુકૌ પ્રણાલી સુધી

ચીનમાં સામાજિક વર્ગીકરણ અથવા જાતિ જેવી વ્યવસ્થા કોઈ નવી બાબત નથી. ઝોઉ રાજવંશના (Zhou Dynasty) સમયથી જ ચીની સમાજમાં એક વિશિષ્ટ સામાજિક શ્રેણીબદ્ધ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી, જેને ‘ફોર ઓક્યુપેશન્સ’ (Four Occupations) અથવા ‘શિ-નોંગ-ગોંગ-શાંગ’ (Shi-Nong-Gong-Shang) તરીકે ઓળખવામાં આવતી હતી. બાદના રાજવંશોના સમયમાં આ વ્યવસ્થાને વધુ ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ વ્યવસ્થામાં સમ્રાટ સર્વોચ્ચ સ્થાને હતો અને તેના નીચે સમાજને ચાર મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો.

1. શિ (Shi – 士)

આ વર્ગ સમાજમાં સૌથી ઉચ્ચ માનવામાં આવતો હતો. તેમાં વિદ્વાનો, શિક્ષિત લોકો, સરકારી અધિકારીઓ, જમીનદારો અને શાસક વર્ગનો સમાવેશ થતો હતો. તેઓ સમાજના બુદ્ધિજીવી અને શાસન સંભાળનારા વર્ગ તરીકે ઓળખાતા હતા.

2. નોંગ (Nong – 农)

બીજા ક્રમે ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા લોકો આવતા હતા. તેઓ ખોરાકના ઉત્પાદકો હોવાથી સિદ્ધાંતરૂપે સન્માનનીય ગણાતા હતા, પરંતુ વ્યવહારમાં તેઓ ઉચ્ચ વર્ગ કરતાં નીચા સ્થાન પર હતા.

3. ગોંગ (Gong – 工)

ત્રીજા ક્રમે કારીગરો અને હસ્તકલા સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થતો હતો. તેઓ વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા અને સમાજની જરૂરિયાતો પૂરી કરતા હતા.

4. શાંગ (Shang – 商)

સૌથી નીચા સ્તરે વેપારીઓ અને વ્યાપારીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમને માત્ર નફાખોર અને સમાજ માટે ઓછા મહત્વના માનવામાં આવતા હતા.

આ ઉપરાંત, કેટલાક સમયગાળામાં ‘જિયાનમિન’ (Jianmin) અથવા ‘અધમ લોકો’ તરીકે ઓળખાતો વધુ એક નીચો વર્ગ પણ હતો, જેને સમાજમાં સૌથી નીચું સ્થાન આપવામાં આવતું હતું.

ચીનની સામાજિક વ્યવસ્થા અંગે ચર્ચા

ઘણા ચીની વિદ્વાનો અને ચીનના સમર્થકોનું માનવું છે કે આ ‘ફોર ઓક્યુપેશન્સ’ વ્યવસ્થા ભારતની વર્ણ અથવા જાતિ પ્રણાલી જેવી નહોતી, કારણ કે તે જન્મ આધારિત નહીં પરંતુ વ્યવસાય આધારિત હતી. જોકે, ઇતિહાસકારો એ પણ નોંધે છે કે સમય જતાં આ વ્યવસ્થા વધુ કઠોર બની હતી અને સામાજિક ભેદભાવના સ્વરૂપો વિકસ્યા હતા. ચીનમાં શાસક વર્ગ, ખેડૂતો, કારીગરો અને વેપારીઓ વચ્ચેનો ભેદ સદીઓ સુધી જળવાઈ રહ્યો હતો. કેટલાક ઇતિહાસકારોના મતે આ વ્યવસ્થાએ સમાજમાં સ્પષ્ટ વર્ગીય તફાવતો ઊભા કર્યા હતા. જે પાછળથી આધુનિક હુકૌ (Hukou) પ્રણાલીમાં પણ દેખાઈ રહ્યા છે.

હુકૌ પ્રણાલીનો ઉદ્ભવ અને ઐતિહાસિક ઉત્ક્રાંતિ

હુકૌ પ્રણાલીને સામાન્ય રીતે લોકો ચીનની ગૃહ નોંધણીની પ્રક્રિયા તરીકે ઓળખે છે. જોકે ચીનની આ ‘ગૃહ નોંધણી’ની (Household Registration) વ્યવસ્થા કોઈ આધુનિક શોધ નથી. તેનો ઇતિહાસ ચીનની સામ્રાજ્યવાદી માનસિકતા સાથે જોડાયેલો છે. આ પ્રણાલીના મૂળ ઇ.સ પૂર્વે ત્રીજી સદીમાં ચીનના ઇતિહાસના ‘વોરિંગ કિંગડમ્સ’ દરમિયાન જોવા મળે છે. તે સમયે રાજાઓ પોતાની પ્રજા પર કર લાદવા, લશ્કરી ભરતી કરવા અને વસ્તીના સ્થળાંતર પર નજર રાખવા માટે આવી સ્થાનિક નોંધણીનો ઉપયોગ કરતા હતા.

ચીનના શાહી ઇતિહાસમાં ખાસ કરીને મિંગ (Ming) અને કિંગ (Qing) રાજવંશ દરમિયાન વસ્તીને લશ્કરી પરિવારો, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો જેવા વારસાગત જૂથોમાં વિભાજિત કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા પ્રાચીન ભારતના ‘વર્ણ વ્યવસ્થા’ કે ચીનની પોતાની ‘ચાર વ્યવસાયો’ની (Four Occupations) સામાજિક રચના સાથે થોડી સમાનતા ધરાવતી હતી. જોકે, તે સમયની શાહી હુકૌ પ્રણાલી માત્ર ગુલામો, ભટકતી જાતિઓ, વેશ્યાઓ કે ગુનેગારો જેવા સમાજના બહુ નાના અને સીમાંત જૂથોને જ મુખ્ય પ્રવાહથી અલગ રાખતી હતી. તે સમગ્ર દેશની બહુમતી વસ્તીને કાયદાકીય રીતે પછાત રાખવાનું સાધન નહોતી.

આ પ્રાચીન પદ્ધતિમાં સૌથી મોટો, ક્રૂર અને સંસ્થાગત બદલાવ 1949ની કમ્યુનિસ્ટ ક્રાંતિ પછી આવ્યો. માઓ ઝેદોંગના નેતૃત્વ હેઠળની સરકારે 1958માં ‘પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના હાઉસહોલ્ડ રજિસ્ટ્રેશન રેગ્યુલેશન’ પસાર કરીને ચીની નાગરિક માટે જન્મની સાથે જ એક ચોક્કસ ‘હુકૌ સ્ટેટસ’ મેળવવું કાયદાકીય રીતે ફરજિયાત બનાવી દીધું. જેનું સૌથી મોટું દૂષણ એ હતું કે તેને સંપૂર્ણપણે જન્મ આધારિત અને વારસાગત (Inheritable) બનાવી દેવામાં આવ્યું. એટલે કે સમાજમાં વ્યક્તિની લાયકાત, શિક્ષણ કે ક્ષમતા ગમે તે હોય, પરંતુ તેનું સામાજિક અને આર્થિક ભવિષ્ય માત્ર એ વાત પરથી નક્કી થવા લાગ્યું કે તેનો જન્મ કયા પરિવારમાં અને કયા ભૌગોલિક વિસ્તારમાં થયો છે.

શહેરી વિરુદ્ધ ગ્રામીણ: ‘બે ચીન’ની સામાજિક સ્તરીકરણ રચના

હુકૌ પ્રણાલી મૂળભૂત રીતે ચીનની સમગ્ર વસ્તીને બે વિરોધાભાસી જૂથોમાં વિભાજિત કરે છે.

1. નોંગમિન (Nongmin): કૃષિ આધારિત અથવા ગ્રામીણ હુકૌ ધરાવતા નાગરિકો, જેઓ દેશની બહુમતી વસ્તી હોવા છતાં વંચિત છે.

2. શિમિન (Shimin): બિન-કૃષિ આધારિત અથવા શહેરી હુકૌ ધરાવતા નાગરિકો, જેઓ લઘુમતી હોવા છતાં દેશના તમામ સંસાધનો પર આધિપત્ય ભોગવે છે.

આ વિભાજન માત્ર વહીવટી સરળતા માટેની વસ્તી ગણતરી નથી, પરંતુ તે નાગરિકના ભૌગોલિક સ્થાન અને તેના મૂળ વતન સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. આ કાયદાએ ચીનની સરહદોની અંદર જ બે અલગ-અલગ દુનિયાનું નિર્માણ કર્યું છે, જ્યાં અધિકારોની વહેંચણી તદ્દન અસમાન છે.

શહેરી હુકૌ ધરાવતો વિશેષાધિકૃત લઘુમતી વર્ગ

ચીનના મોટા અને વિકસિત શહેરો જેવા કે બેઇજિંગ, શાંઘાઈ અથવા શેન્ઝેનનુંમાં સ્થાનિક હુકૌ ધરાવતા નાગરિકો સામાજિક વંશવેલાની ટોચ પર બેસે છે. કમ્યુનિસ્ટ સ્ટેટ આ વર્ગને તમામ આધુનિક સુવિધાઓ અને વિશેષાધિકારો તદ્દન મફત અથવા ભારે સબસિડીવાળા દરે આપે છે. આ સુવિધાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • શહેરોની સર્વશ્રેષ્ઠ જાહેર શાળાઓ, આધુનિક હાઇસ્કૂલો અને દેશની સર્વોચ્ચ યુનિવર્સિટીઓમાં કોઈ પણ કાયદાકીય અવરોધ વગર સરળતાથી પ્રવેશ મેળવવાનો અબાધિત અધિકાર.
  • સરકાર દ્વારા ભંડોળ મેળવતી અદ્યતન હોસ્પિટલો, સસ્તી આરોગ્ય સેવાઓ અને વ્યાપક તબીબી વીમો.
  • સ્થિર, ઉચ્ચ વેતન ધરાવતી સરકારી નોકરીઓ, જાહેર ક્ષેત્રના સાહસોમાં ઉચ્ચ હોદ્દાઓ અને ફોર્મલ કોર્પોરેટ સેક્ટરમાં રોજગારીની અગ્રિમતા.
  • નિવૃત્તિ પછી સન્માનજનક જીવન જીવવા માટે મજબૂત પેન્શન યોજનાઓ, સામાજિક સુરક્ષા ભથ્થાં અને સરકાર દ્વારા સબસિડીયુક્ત આધુનિક આવાસો મેળવવાની સુવિધા.

ગ્રામીણ હુકૌ ધરાવતો મજબૂર અને વંચિત બહુમતી વર્ગ

બીજી તરફ જે નાગરિકો પાસે ગ્રામીણ હુકૌ છે, તેમને કાયદાકીય રીતે જ ગૌણ નાગરિક માની લેવામાં આવ્યા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી અને કૃષિ ક્ષેત્રની પડતીને કારણે આ કરોડો લોકો રોજગારીની શોધમાં શહેરો તરફ સ્થળાંતર કરે છે, ત્યારે શહેરી પ્રશાસન તેમને નાગરિક તરીકે સ્વીકારવાનો જ ઇનકાર કરી દે છે. તેમને શહેરોમાં કાયમી રહેઠાણનો અધિકાર નથી મળતો, પરંતુ માત્ર અત્યંત કડક શરતોવાળી ‘કામચલાઉ રહેઠાણ પરમિટ’ (Temporary Residence Permits) આપવામાં આવે છે. શહેરોના કલ્યાણકારી માળખામાંથી તેમને કાયદાકીય રીતે બહાર રાખવામાં આવે છે.

શિક્ષણ ક્ષેત્રે સંસ્થાગત અસમાનતા અને પેઢીગત ગરીબીનું ચક્ર

હુકૌ પ્રણાલીની સૌથી ક્રૂર અને વિનાશક તલવાર જો કોઈના પર ચાલતી હોય તો તે સ્થળાંતરિત ગ્રામીણ શ્રમિકોના નિર્દોષ બાળકો છે. આ વ્યવસ્થાએ શિક્ષણ જેવા પાયાના અધિકારને પણ એક વ્યાપારી અને ભેદભાવયુક્ત સાધન બનાવી દીધું છે, જે પેઢી દર પેઢી અસમાનતાને કાયમી રાખવાનું કામ કરી રહ્યું છે.

ઝેયુ ઝાઓનો (Zheyu Zhao) વ્યાપક અભ્યાસ: “Hukou and Urban-Rural Educational Inequality: Who Are Left Out?”

આ શૈક્ષણિક સંશોધનમાં વિગતવાર પુરાવાઓ સાથે સાબિત કરવામાં આવ્યું છે કે ચીનની શૈક્ષણિક ઇકોસિસ્ટમ હુકૌના કારણે ભયંકર ભેદભાવથી પીડાઈ રહી છે. ચીનના કાયદા મુજબ દરેક નાગરિકને ‘નવ વર્ષનું ફરજિયાત મફત શિક્ષણ’ મળવું જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે જો કોઈ બાળકની પાસે જે-તે ચોક્કસ શહેરનું સ્થાનિક હુકૌ ન હોય તો સરકારી શાળાઓ તેને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. ચીનની મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સરકારી શાળાઓને બહારના સ્થળાંતરિત બાળકો માટે કોઈ સરકારી ભંડોળ મળતું નથી. જેનો ગેરલાભ ઉઠાવી શાળાઓ વહીવટી બહાના હેઠળ પોતાના દરવાજા આ ગરીબ બાળકો માટે બંધ કરી દે છે.

આવી સ્થિતિમાં જ્યારે ગ્રામીણ માતા-પિતા શહેરોની ફેક્ટરીઓમાં મજૂરી કરવા જાય છે, ત્યારે તેઓ કાયદાકીય અને આર્થિક અવરોધોને કારણે પોતાના બાળકોને સાથે રાખી શકતા નથી. શહેરી જાહેર શાળાઓમાં પ્રવેશ ન મળવાના કારણે અને ખાનગી શિક્ષણ પરવડે તેમ ન હોવાથી લાખો બાળકોને પોતાના વતનના ગામડાઓમાં એકલા, અથવા તેમના અશક્ત અને વૃદ્ધ દાદા-દાદીના ભરોસે છોડી દેવા પડે છે. ચીની સામાજિક પરિભાષામાં આ બાળકોને ‘નોંગકૂન લિયુશૌ એરતોંગ’ એટલે કે પાછળ છોડી દેવાયેલા બાળકો (Left-behind Children) તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં ચીનમાં આવા કરોડો બાળકો છે જેઓ પોતાના માતા-પિતાના સ્નેહ વગર, યોગ્ય માર્ગદર્શન વગર, માત્ર ગામડાની ભાંગેલી-તૂટેલી શાળાઓમાં ભણી રહ્યા છે. આ બાળકો ભારે માનસિક તણાવ, એકલતા અને ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યા છે, જે સામ્યવાદી ચીનનું સૌથી મોટું સામાજિક કલંક છે.

જે શ્રમિકો પોતાના બાળકોને દૂર નથી રાખવા માંગતા અને શહેરોમાં સાથે રાખે છે, તેમના માટે બિન-સરકારી સંગઠનો અને ખાનગી લોકો ‘સ્થળાંતરિત શાળાઓ’ (Migrant Schools) ચલાવે છે. આ શાળાઓ પાસે સરકારનું કોઈ સત્તાવાર લાયસન્સ હોતું નથી. આ શાળાઓ સંપૂર્ણપણે ગરીબ માતા-પિતાની ટ્યુશન ફી પર નિર્ભર હોવાથી તેમની પાસે આધુનિક ઇમારતો, પ્રયોગશાળાઓ કે રમતગમતના મેદાનો હોતા નથી. સરકારી શાળાઓની તુલનામાં આ શાળાઓનું સ્તર ખૂબ જ નીચું હોય છે.

વર્તમાન દાયકામાં ચીનની રાજધાની બેઇજિંગ અને શાંઘાઈ જેવા મેગા-સિટીઝમાં સત્તાવાળાઓએ ‘શહેરી સૌંદર્યીકરણ’ અને ‘ગેરકાયદે બાંધકામ’ના નામે આવી સેંકડો સ્થળાંતરિત શાળાઓને બુલડોઝર ફેરવી તોડી પાડી છે. આ પાછળનો છૂપો હેતુ શહેરોમાંથી ગરીબ વસ્તીને હાંકી કાઢવાનો છે.

આ ઉપરાંત જો કોઈ શ્રમિક પોતાના બાળકને પ્રતિષ્ઠિત સરકારી શાળામાં મોકલવા ઈચ્છે, તો તેણે પ્રશાસન સામે પાંચ અત્યંત જટિલ દસ્તાવેજો રજૂ કરવા પડે છે. આ દસ્તાવેજોમાં સત્તાવાર લેબર કોન્ટ્રાક્ટ, સામાજિક સુરક્ષા વીમાની રસીદ, સ્થાનિક મકાન માલિકનું કાયદાકીય પ્રમાણપત્ર, વતનની સરકારનું મંજૂરી પત્રક અને શ્રમિક હોવાનો સત્તાવાર પુરાવો સામેલ છે. અસંગઠિત ક્ષેત્રમાં દૈનિક વેતન પર કામ કરતા અને ગેરકાયદેસર કે અસ્થાયી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા મજૂરો માટે આ‘પાંચ પરમિટ’ મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

પરિણામે, આ શ્રમિકો થાકીને પોતાના બાળકોને ભણાવવાનું જ છોડી દે છે અથવા તેમને પાછા ગામડાની પ્રાથમિક શાળાઓમાં મોકલી દે છે. આ વ્યવસ્થા સામાજિક ગતિશીલતાને સંપૂર્ણપણે અટકાવી દે છે. શહેરી ઉચ્ચ વર્ગનું બાળક પેઢી દર પેઢી ઉચ્ચ શિક્ષણ મેળવીને આઈટી અને ફાઈનાન્સ સેક્ટરમાં જાય છે, જ્યારે ગ્રામીણ હુકૌ ધરાવતું બાળક મોટું થઈને માત્ર સસ્તો મજૂર જ બની શકે છે.

આર્થિક શોષણ, સામાજિક કલંક અને દ્વિ-અર્થતંત્રનો ખેલ

ચીની શહેરી નાગરિકો ગ્રામીણ સ્થળાંતરિત શ્રમિકોને અસંસ્કારી, ગુનેગાર અને અસ્વચ્છ માને છે. જોકે, વિરોધાભાસ એ છે કે આ જ શ્રમિકો શહેરોના એવા કામો કરે છે જે કરવા કોઈ શહેરી નાગરિક તૈયાર થતો નથી, જેને ચીની ભાષામાં ‘3-ડી જોબ્સ’ (Dirty, Dangerous, and Demanding – ગંદા, જોખમી અને કઠિન કામો) કહેવાય છે.

આ સિવાય સમાન લાયકાત અને સમાન કલાકો સુધી કારખાનામાં કે બાંધકામ સાઇટ પર કામ કરવા છતાં ગ્રામીણ હુકૌ ધરાવતા શ્રમિકને શહેરી હુકૌ ધારક કરતાં સરેરાશ 30% થી 50% ઓછું વેતન આપવામાં આવે છે. લઘુત્તમ વેતન, ઓવરટાઇમના પૈસા કે નોકરીની સુરક્ષા જેવા શ્રમ કાયદાઓ આ સ્થળાંતરિત મજૂરો માટે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.

દ્વિ-અર્થતંત્રનું (Dual Economy) મોડેલ

અર્થશાસ્ત્રીઓના મતે ચીને છેલ્લા ચાર દાયકામાં જે અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ અને GDPમાં ઉછાળો મેળવ્યો છે, તેનો પાયો આ હુકૌ આધારિત શોષણ પર જ ચણાયેલો છે. ચીની સરકારે આંતરરાષ્ટ્રીય કંપનીઓને સસ્તા માલનું ઉત્પાદન કરી આપવા માટે પોતાના જ કરોડો ગ્રામીણ નાગરિકોના શ્રમનો સરેઆમ વેપાર કર્યો છે. ગ્રામીણ વસ્તીને કાયદાકીય રીતે પોતાના વતનની જમીન સાથે બાંધી રાખીને શહેરો માટે માત્ર એક ‘સસ્તા શ્રમના જથ્થાબંધ ભંડાર’ તરીકે વાપરવામાં આવી, જેથી મૂડીવાદી ફેક્ટરીઓનો નફો મહત્તમ થઈ શકે.

એલી ફ્રીડમેનનું (Eli Friedman) પુસ્તક: ‘The Urbanization of People’

પ્રોફેસર ફ્રીડમેન પોતાના સંશોધનમાં એક અત્યંત મહત્વની વાત નોંધે છે. તેઓ લખે છે કે, અમેરિકા કે યુરોપમાં જે વંશીય કે સામાજિક ભેદભાવો જોવા મળે છે તે મોટે ભાગે ઐતિહાસિક અસમાનતાઓ અને સામાજિક પરિસ્થિતિઓનું પરિણામ હોય છે અને સરકારો તેને નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ચીનમાં સ્થિતિ સાવ ઉલટી છે. અહીંનો હુકૌ ભેદભાવ કોઈ સામાજિક અનિષ્ટ નથી, પરંતુ તે સંપૂર્ણપણે ‘રાજ્ય દ્વારા આયોજિત અને સંચાલિત (Wholly and Openly by State Design)’ છે. સરકારે પોતે જ કાયદો બનાવીને, સભાનપણે પોતાની જ એક સરખી વંશીય વસ્તી (Han Chinese) વચ્ચે કાયમી દિવાલો ઊભી કરી દીધી છે.

માતૃવંશીય નિયમ અને ‘ક્લાસ લેબલ’ નું રાજકારણ

હુકૌ પ્રણાલીને વધુ ક્રૂર અને અભેદ્ય બનાવવા માટે કમ્યુનિસ્ટ પાર્ટીએ સમયાંતરે એવા નિયમો બનાવ્યા જે કોઈપણ માનવીય સંવેદનાને ઝબઝબાવી દે તેવા હતા.

માતૃવંશીય વારસાનો ક્રૂર નિયમ (Matrilineal Inheritance): 1958થી લઈને 1998 સુધી, ચીનમાં નિયમ હતો કે બાળકના હુકૌનું સ્ટેટસ તેની માતાના સ્ટેટસના આધારે નક્કી થશે, પિતાના આધારે નહીં. ઇતિહાસકાર પ્રોફેસર ગ્લેન પીટરસન તેમના પુસ્તક ‘ધ પાવર ઓફ વર્ડ્સ: લિટરસી એન્ડ રેવોલ્યુશન ઇન સાઉથ ચાઇના’માં (The Power of Words: Literacy and Revolution in South China) સ્પષ્ટ કરે છે કે આ કોઈ મહિલા સશક્તિકરણનું પ્રગતિશીલ પગલું નહોતું. વાસ્તવમાં તે સમયે ઘણા ગ્રામીણ પુરુષો ભણી-ગણીને કે લશ્કરમાં જોડાઈને શહેરોમાં જઈને ઉચ્ચ હોદ્દા મેળવતા હતા અને શહેરી હુકૌ મેળવતા હતા. જો તેઓ કોઈ ગ્રામીણ સ્ત્રી સાથે લગ્ન કરે તો તેમના સંતાનોને શહેરી હુકૌ ન મળી જાય અને તેના કારણે સરકાર પર સામાજિક સેવાઓનો બોજો ન વધે તે માટે સરકારે આ માતૃવંશીય નિયમ બનાવ્યો હતો.

આ નિયમથી સરકારે પુરુષોને પણ પોતાના સંતાનોને સુખી ભવિષ્ય આપવાના અધિકારથી વંચિત કરી દીધા હતા. 1959-61ના ચીનના ભયાનક દુષ્કાળમાં (The Great Famine) જ્યારે લાખો ખેડૂતો ભૂખમરાથી મરી રહ્યા હતા, ત્યારે આ કાયદાનો ઉપયોગ કરીને તેમને કાયદાકીય રીતે ગામડાઓમાં જ ભૂખે મરવા માટે કેદ કરી દેવાયા હતા, જેથી શહેરોમાં અનાજનો પુરવઠો અવિરત ચાલુ રહે. આ કાયદો છેક 1998માં બદલાયો અને પિતૃવંશીય કરાયો.

સાંસ્કૃતિક ક્રાંતિ (Cultural Revolution) અને ‘ક્લાસ લેબલ’ (Class Label System)

માઓ ઝેદોંગના શાસનકાળ (1966-1976) દરમિયાન ભેદભાવની આ વ્યવસ્થાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તે સમયે સરકારે દરેક પરિવારને તેમના ક્રાંતિ પહેલાના આર્થિક અને રાજકીય ઇતિહાસના આધારે કાયમી ‘ક્લાસ લેબલ’ આપી દીધા હતા. આ લેબલો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હતા:

ફાઇવ બ્લેક કેટેગરીઝ(Five Black Categories): આમાં જમીનદારો, અમીરો, પ્રતિક્રાંતિકારીઓ, કથિત ખરાબ તત્વો અને જમણેરી વિચારધારા ધરાવતા લોકોનો સમાવેશ થતો હતો. આ લોકોને ‘રાજ્યના દુશ્મન’ ગણવામાં આવતા હતા. સૌથી ભયાનક વાત એ હતી કે આ કલંક તેમના બાળકો અને પૌત્રો પર પણ વારસાગત રીતે લાગુ થતો હતો. આ બાળકોને ઉચ્ચ શિક્ષણ, નોકરી કે લગ્ન કરવાનો કોઈ સામાજિક અધિકાર નહોતો અને તેમને જાહેર મંચ પર અપમાનિત કરવામાં આવતા હતા.

ફાઇવ રેડ કેટેગરીઝ(Five Red Categories): આમાં ગરીબ ખેડૂતો, મજૂરો, ક્રાંતિકારી સૈનિકો અને કમ્યુનિસ્ટ પાર્ટીના વફાદાર કેડરોનો સમાવેશ થતો હતો, જેમને તમામ પ્રકારના સરકારી લાભો અને ઉચ્ચ હોદ્દાઓ અનામત રાખવામાં આવતા હતા.

ચીનનો આ આખો ઇતિહાસ સાબિત કરે છે કે સામ્યવાદી પક્ષે હંમેશા પોતાના રાજકીય ફાયદા માટે નાગરિકોની વચ્ચે જન્મ આધારિત અસમાનતાની ખેતી કરી છે.

‘જ્ઞાતિ’ (Caste) શબ્દનો વૈશ્વિક અને બૌદ્ધિક સંદર્ભ

ટૂંકમાં કહીએ તો પશ્ચિમી અને ચીની માણસો ભલે ‘હુકૌ’ને માત્ર એક સામાન્ય વહીવટી નોંધણી પ્રણાલી ગણાવતા હોય, પરંતુ વાસ્તવમાં તે ચીનની સત્તાવાર ‘કાસ્ટ સિસ્ટમ’ જ છે. આમ જોવા જઈએ તો ઘણા લોકો માને કે કાસ્ટ શબ્દ ભારતીય ઉપજ છે. પરંતુ મૂળભૂત રીતે ‘કાસ્ટ’ (Caste) શબ્દ ભારતીય નથી પરંતુ સ્પેનિશ-પોર્ટુગીઝ શબ્દ ‘કાસ્ટા’ (Casta) અને લેટિન Castusમાંથી આવ્યો છે, જેનો અર્થ ‘શુદ્ધ વંશાવલી કે જન્મ આધારિત લીનેજ’ થાય છે.

સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જ્ઞાતિ પ્રથા એટલે એક એવી વ્યવસ્થા જ્યાં વ્યક્તિનો સામાજિક-આર્થિક દરજ્જો, રહેઠાણના નિયમો અને અધિકારો તેના જન્મથી જ નક્કી થાય છે અને સામાજિક ગતિશીલતા (Social Mobility) પર પ્રતિબંધ હોય છે. ચીનની હુકૌ પ્રણાલી આ વ્યાખ્યામાં 100% ફિટ બેસે છે, તેથી તેને ચીની જ્ઞાતિ પ્રથા કહેવી તદ્દન તાર્કિક અને બૌદ્ધિક રીતે સાચું છે.

વર્ષોથી ચીનની સરકારી પ્રોપેગેન્ડા મશીનરી, તેના પેઇડ ઇન્ફ્લુએન્સર્સ અને તેની સત્તાવાર આર્મી (જેને 50 Cent Army કહેવાય છે) વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાવવા માટે સક્રિય હતા. તેઓ ભારતમાં પ્રવર્તતી જ્ઞાતિ પ્રથા, ગરીબી, અને ઝૂંપડપટ્ટીના જૂના વિડીયો અને ફેક ન્યૂઝ ફેલાવીને ભારતને પછાત સાબિત કરવાનો સંગઠિત પ્રયાસ કરતા હતા.

પરંતુ આ વખતે, ભારતીય નેટીઝન્સે આખો ખેલ પલટી નાખ્યો છે. ભારતીય યુઝર્સે ચીનના સત્તાવાર પ્રોપેગેન્ડા સામે એક મોટું કેમ્પેઈન શરૂ કર્યું છે. ભારતીયો ચીનની આ ‘હુકૌ સિસ્ટમ’ને વૈશ્વિક સ્તરે ‘ચાઇનીઝ કાસ્ટ સિસ્ટમ’ (Chinese Caste System) તરીકે ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમણે વ્યંગ, મીમ્સ (Memes) અને ઐતિહાસિક તથ્યો સાથેના શોર્ટ્સથી ચીનના કમ્યુનિસ્ટ દંભની પોલ ખોલી નાખી છે.

ગ્લોબલ ટાઇમ્સનું નેરેટિવ કંટ્રોલ

જ્યારે ભારતીય યુઝર્સે ચીનની આ ગુપ્ત અને કાળા કાયદા સમાન વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લી પાડી, ત્યારે બેઇજિંગમાં બેઠેલા ચીની કમ્યુનિસ્ટ આકાઓ ચોંકી ઉઠ્યા. ભારત વિરોધી ઝેર ઓંકવા કુખ્યાત અને ચીન સરકારનું સત્તાવાર ભોપાળું ગણાતું અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ‘ (Global Times) તાત્કાલિક બચાવમાં ઉતરી પડ્યું. ગ્લોબલ ટાઇમ્સે સત્તાવાર લેખ પ્રકાશિત કર્યો જેનું શીર્ષક હતું: ઇન્ડિયન નેટિઝન્સ એલેજ ચાઇના હેઝ અ ‘કાસ્ટ સિસ્ટમ’(Indian netizens allege China has a ‘caste system’) (ભારતીય નેટિઝન્સ એવો આક્ષેપ કરી રહ્યા છે કે ચીનમાં જ્ઞાતિ પ્રથા છે).

આ લેખમાં ચીની સરકારી નિષ્ણાતોએ ભારતીય યુઝર્સના આ આક્ષેપોને ‘હાસ્યાસ્પદ’, ‘ચીનની મહાન સંસ્કૃતિ પ્રત્યેની અજ્ઞાનતા’ અને ભારતની પોતાની આંતરિક સમસ્યાઓ છુપાવવાનો એક ‘નકામો પ્રયાસ’ ગણાવીને ફગાવી દેવાની કોશિશ કરી. પરંતુ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી એ વાત સમજવામાં નિષ્ફળ રહી કે આ વખતે કોઈ સત્તાવાર સરકારી એજન્સીઓ લડી રહી નહોતી, પરંતુ ભારતના સામાન્ય, સર્જનાત્મક અને બુદ્ધિશાળી સોશિયલ મીડિયા યુઝર્સ લડી રહ્યા હતા.

ભારતીયોએ ચીનની કડક સેન્સરશિપ અને ‘ગ્રેટ ફાયરવોલ’ની અંદરથી એવા વિડીયો અને જમીની વાસ્તવિકતાઓ શોધી કાઢી જે ચીનની સામ્યવાદી સરકારે દુનિયાથી છુપાવી રાખી હતી. જેમ કે ગરીબ શ્રમિકોની ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવી, માઇગ્રન્ટ શાળાઓ પર બુલડોઝર ચાલવા અને પોલીસ દ્વારા ગ્રામીણ મજૂરોની અટકાયત કરવી. આ ડિજિટલ પ્રહારે ચીનની એ વૈશ્વિક છબીને મોટો ફટકો માર્યો છે જેમાં તે પોતાને એક સમાનતાવાદી સુપરપાવર તરીકે રજૂ કરતું હતું.

બેઈજિંગની સામ્યવાદી સરમુખત્યારશાહીનું કડવું સત્ય

ચીનની સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ અને આંતરિક અસંતોષને શાંત કરવા માટે તાજેતરના વર્ષોમાં હુકૌ પ્રણાલીમાં નાના-મોટા સુધારા કર્યા હોવાના મોટા-મોટા દાવા કર્યા છે, જેમ કે નાના શહેરોમાં હુકૌ મેળવવાની પ્રક્રિયા સરળ કરવી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચીનના જે આર્થિક અને શક્તિશાળી કેન્દ્રો છે જેમ કે બેઇજિંગ અને શાંઘાઈ, ત્યાંના નિયમો આજે પણ એટલા જ કઠોર છે. આ સુધારાઓ માત્ર આંખમાં ધૂળ નાખવા સમાન છે, કારણ કે ગ્રામીણ અને શહેરી ચીન વચ્ચેની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ખાઈ આજે તેના ઇતિહાસના સૌથી સર્વોચ્ચ સ્તરે છે.

સેમ નન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના પ્રોફેસર ડૉ. ફેઈ-લિંગ વાંગ તેમના પ્રખ્યાત પુસ્તક ‘ઑર્ગેનાઇઝિંગ થ્રુ ડિવિઝન એન્ડ એક્સક્લુઝન:ચાઇનાઝ હુકૌ સિસ્ટમ’માં (Organizing Through Division and Exclusion: China’s Hukou System) ખૂબ જ સચોટ તારણ કાઢે છે. તેઓ લખે છે કે હુકૌ એ માત્ર વસ્તી નોંધણી નથી, પરંતુ તે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા દેશની જનતાને નાના-નાના ટુકડાઓમાં વહેંચીને (Divide and Rule) તેમના પર જુલમી શાસન અને વસ્તી અંકુશ રાખવાનું એક અત્યંત વૈજ્ઞાનિક સાધન છે. ચાઈનીઝ સામ્યવાદી પક્ષ આજે પણ શાહી ચીનના એ જ જુનવાણી વિચાર પર ચાલે છે જે ગુઓ તિંગલિને આપ્યો હતો: “જ્યારે જનમેદની પોતાના ગામડાઓમાં કેદ રહે છે, ત્યારે દેશમાં શાંતિ અને વ્યવસ્થા રહે છે, પરંતુ જ્યારે આ જનમેદની શહેરો તરફ ધસી આવે છે, ત્યારે સત્તા સામે અરાજકતા અને વિદ્રોહ ફેલાય છે.”

આ સમગ્ર વિશ્લેષણ પરથી એ સાબિત થાય છે કે ચીનનો ‘સામ્યવાદ’ કે ‘સોશિયલિઝમ’ એ માત્ર દુનિયાને બતાવવાના હાથીના દાંત છે. વાસ્તવિકતામાં કમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાની સરમુખત્યારશાહી અને વૈશ્વિક આર્થિક સામ્રાજ્ય ટકાવી રાખવા માટે પોતાના જ નાગરિકોનું કાયદાકીય અને જન્મ આધારિત શોષણ કરતી એક અત્યંત અમાનવીય ‘જ્ઞાતિ પ્રથા’ને પંપાળી રાખી છે. અને આજના આધુનિક યુગમાં ભારતના જાગૃત અને ડિજિટલી નાગરિકોએ ચીનના આ નકલી કમ્યુનિસ્ટ અને ભેદભાવયુક્ત ચહેરાને સમગ્ર વિશ્વની સામે ઉઘાડો પાડી દીધો છે.

આ લેખ અંગ્રેજીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં