યુસુફ પઠાણે કબજે કરેલો સરકારી પ્લોટ VMCએ હરાજીમાં કાઢ્યો: સ્થાનિકોનો વિરોધ, કહ્યું- પહેલાં 14 વર્ષનો બાકી દંડ વસૂલ કરો

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ક્રિકેટર તેમજ TMC સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણના કબજા હેઠળના 978 ચોરસ મીટરના પ્લોટ સહિત કુલ 7 પ્લોટની હરાજી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ બેઠકમાં કુલ 12માંથી 11 કામોને મંજૂરી આપી આ દરખાસ્ત હવે સામાન્ય સભામાં મોકલવામાં આવી છે.

આ વિવાદની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી, જ્યારે યુસુફ પઠાણે તાંદલજા વિસ્તારમાં આવેલા આ સરકારી પ્લોટને મેળવવા અરજી કરી હતી. મનપાએ આ વિનંતી સ્વીકારી હતી, પરંતુ રાજ્ય સરકારે તેને મંજૂર નહોતી રાખી. તેમ છતાં આ સરકારી જમીન પર કથિત રીતે દીવાલ અને પશુઓનો શેડ બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મનપાએ નોટિસ આપવી પડી હતી.

મનપાની નોટિસ સામે યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટે કડક વલણ અપનાવી પૂર્વ ક્રિકેટરને આ પ્લોટ ખાલી કરવા જણાવ્યું હતું અને નોંધ્યું હતું કે જમીન ખાલી કરવામાં જેટલું મોડું થશે, તેટલો દંડ વધારે ભરવો પડશે. જોકે, કોર્ટે કોઈ સ્ટે ઓર્ડર આપ્યો ન હોવા છતાં મનપાએ હજી સુધી આ જગ્યા પરથી દબાણ દૂર કરીને પ્લોટ પોતાના હસ્તક લીધો નથી.

બીજી તરફ મનપાના હરાજીના આ નિર્ણયનો સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો છે. ‘વિશ્વામિત્રી બચાવો સમિતિ’એ મેયર અને કમિશનરને લેખિત રજૂઆત કરી હરાજી સામે વાંધો ઉઠાવ્યો છે. સમિતિનું કહેવું છે કે વર્ષ 2012થી 2026 સુધીના 14 વર્ષના ગેરકાયદેસર વપરાશ બદલ મનપાના નિયમ મુજબ યુસુફ પઠાણ પાસેથી વ્યાજ સાથે આશરે ₹7.50 કરોડની પેનલ્ટી વસૂલવાની થાય છે.

નાગરિક સમિતિએ આક્ષેપ કર્યો છે કે આ દંડની રકમ વસૂલ્યા વિના જ સીધી બજાર ભાવે પ્લોટની હરાજી કરવી એ સત્તાનો દુરુપયોગ છે, જેનાથી પાલિકાને આર્થિક નુકસાન અને દબાણકર્તાને ફાયદો થશે. સમિતિએ ઉગ્ર માંગ કરી છે કે જ્યાં સુધી હાઇકોર્ટમાં કેસનો પૂરો નિકાલ ન થાય અને 14 વર્ષનો બાકી દંડ વસૂલ ન થાય, ત્યાં સુધી આ પ્લોટની હરાજી પ્રક્રિયા બંધ રાખવી જોઈએ.