1000થી વધુ કિમીની પ્રહાર ક્ષમતા, રડારને થાપ આપવાની તાકાત: DRDOએ ભારતની સ્વદેશી ‘ટોમાહોક’ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

DRDOએ 15 જૂનના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ડૉ. એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી ‘લોંગ રેન્જ લેન્ડ અટેક ક્રૂઝ મિસાઇલ’નું (LRLACM) પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ટેસ્ટ-બુક પરીક્ષણમાં મિસાઇલે 1,000 કિલોમીટર દૂર રહેલા લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરીને પોતાના તમામ ઑપરેશનલ અને ટેકનિકલ ઉદ્દેશ્યો પૂરા કર્યા છે.

ભૂતકાળમાં ભારતની ‘નિર્ભય’ ક્રૂઝ મિસાઇલના પ્રયોગો દરમિયાન 2013, 2015, 2016 અને 2020માં કેટલીક ટેકનિકલ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ નવું સફળ પરીક્ષણ તે તમામ જૂની ખામીઓને સુધારીને કરવામાં આવ્યું છે. આ મિસાઇલ વાસ્તવમાં ‘નિર્ભય’ મિસાઈલ પ્રોગ્રામનું જ એક અત્યંત આધુનિક અને અપગ્રેડેડ વર્ઝન છે, જે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટી સિદ્ધિ સમાન છે.

આ નવી ક્રૂઝ મિસાઇલને અમેરિકાની પ્રખ્યાત ‘ટોમાહોક’ (Tomahawk) મિસાઇલ સમકક્ષ ગણવામાં આવી રહી છે. અમેરિકા 1983થી પોતાની આ મિસાઇલનો ઉપયોગ સંઘર્ષોમાં કરતું આવ્યું છે. તાજેતરમાં જ ઈરાન સાથેના યુદ્ધમાં પણ અમેરિકાએ તેહરાન સહિતના વિસ્તારો પર 49 ટોમાહોક મિસાઇલ છોડીને ભારે તબાહી મચાવી હતી. હવે ભારત પાસે પણ આવી જ સચોટ પ્રહાર ક્ષમતા ધરાવતું હથિયાર આવી ગયું છે.

દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશો સામે વધી રહેલા સુરક્ષા પડકારો વચ્ચે આ મિસાઇલ ભારતીય સેના માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ગયા વર્ષે થયેલા ‘ઑપરેશન સિંદૂર’ અને ત્યારબાદ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ આ પ્રકારનાં અત્યાધુનિક હથિયારની જરૂરિયાત ખૂબ વધી ગઈ હતી. આ મિસાઇલ ભારતીય આર્મીના રોકેટ રેજિમેન્ટનો હિસ્સો બનીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.

વ્યૂહાત્મક દ્રષ્ટિએ જો આ મિસાઇલને સરહદી વિસ્તારોમાં તહેનાત કરવામાં આવે તો પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી (મિલિટરી હેડક્વાર્ટર), લાહોર અને કરાચી જેવા મુખ્ય આર્થિક અને લશ્કરી કેન્દ્રો તેની સીધી પહોંચમાં આવી જશે. આ ઉપરાંત ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તહેનાત કરવાથી ચીનના પશ્ચિમી અને મધ્ય વિસ્તારોના અનેક સંવેદનશીલ સૈન્ય મથકો પણ ભારતના નિશાના હેઠળ આવી જશે.

સ્વદેશી બનાવટની મિસાઇલ

સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી આ LRLACM મિસાઇલની નોડલ લેબોરેટરી બેંગલુરુ સ્થિત ‘એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ’ (ADE) છે. આ મિસાઇલ અને તેના તમામ સબ-સિસ્ટમ્સ DRDOની વિવિધ લેબ્સ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. હજુ આગામી બે વર્ષમાં આ મિસાઇલના વધુ બે ડેવલપમેન્ટલ અને બે યુઝર ટ્રાયલ્સ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ તેને સત્તાવાર રીતે સેનામાં સામેલ કરાશે.

મિસાઇલની ટેકનિકલ વિગતો અને ખાસિયતો

LRLACM એ એક સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેની ઝડપ 0.8 મેક (Mach) સુધીની છે અને તેની અંદાજિત પ્રહાર ક્ષમતા 1,000થી 1,500 કિલોમીટર સુધીની છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બેલેસ્ટિક મિસાઇલની જેમ અવકાશમાં જવાને બદલે જમીનથી સાવ નજીક (Land skimming heights) ઉડે છે. ખૂબ જ નીચી ઊંચાઈએ ઉડવાના કારણે દુશ્મનના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને પકડવી અથવા તોડી પાડવી અશક્ય બની જાય છે.

આ મિસાઇલ અત્યંત વર્સેટાઈલ છે, જેને જમીન પરના લૉન્ચર્સ, યુદ્ધ જહાજો અથવા સબમરીન એમ મલ્ટીપલ પ્લેટફોર્મ પરથી છોડી શકાય છે. તે પોતાના સાથે 500 કિલોગ્રામ વજન ધરાવતું પરંપરાગત અથવા પરમાણુ વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે, જે લક્ષ્ય પર સચોટતાથી ત્રાટકીને તેને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી શકે છે.