હોમપેજદુનિયાયુદ્ધ યુએસ-ઈરાનનું, લાભ લઈ ગયું રશિયા: હોર્મુઝ ખાડી તો યુદ્ધ શરૂ થયું...

યુદ્ધ યુએસ-ઈરાનનું, લાભ લઈ ગયું રશિયા: હોર્મુઝ ખાડી તો યુદ્ધ શરૂ થયું તે પહેલાં પણ ખુલ્લી હતી, આખરે કઈ જીતની ઉજવણી કરી રહ્યા છે ટ્રમ્પ?

આજની તારીખે એક હકીકત બદલાઈ નથી. જે હોર્મુઝની ખાડી આજે ખોલવાનો શ્રેય લેવામાં આવી રહ્યો છે, એ ખાડી તો અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા તે પહેલાંથી જ ખુલ્લી, કાર્યરત અને ટોલમુક્ત હતી. એટલે કદાચ સૌથી યોગ્ય પ્રશ્ન હજુ પણ એ જ છે જે આખા લેખની શરૂઆતમાં હતો કે આખરે ટ્રમ્પ કઈ જીતની ઉજવણી કરી રહ્યા છે?

- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દુનિયાને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ જે કરે છે તે ઇતિહાસ બની જાય છે અને જે કહે છે તે વિજયગાથા બની જાય છે! ઈરાન સાથે થયેલી શાંતિ સમજૂતીની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે પોતાના પરિચિત અંદાજમાં વિજયનાં નગારાં વગાડવાનું શરૂ કરી દીધું. વ્હાઇટ હાઉસે તેમનું નિવેદન જાહેર કર્યું, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ થઈ અને પછી વિશ્વભરમાં એ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ થયો કે અમેરિકાએ જાણે કોઈ મહાયુદ્ધ જીતી લીધું હોય. પરંતુ આખી ઘટનાને શરૂઆતથી ધ્યાનથી જોનાર કોઈપણ વ્યક્તિના મનમાં સૌથી પહેલો પ્રશ્ન એક જ ઊભો થાય છે કે આખરે જીત્યું કોણ અને તેને મળ્યું શું?

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે, તમામને અભિનંદન. તેમણે કહ્યું કે તેઓ હોર્મુઝની ખાડીને ટોલમુક્ત રીતે ફરીથી ખોલવાની ‘મંજૂરી’ આપે છે અને સાથે જ અમેરિકન નૌકાદળની નાકાબંધી દૂર કરવાનો આદેશ પણ આપે છે. દુનિયાભરનાં જહાજોને તેમણે એન્જિન શરૂ કરવા અને તેલના પરિવહન ફરી શરૂ કરવા માટે આહ્વાન કર્યું.

પોસ્ટ વાંચો તો એવું લાગે કે જાણે હોર્મુઝની ખાડી પર કોઈ દુષ્ટ શક્તિઓએ કબજો જમાવી લીધો હતો. જાણે દુનિયાના વ્યાપારને કોઈ ખૂંખાર દરિયાઈ લૂંટારાઓએ બંધક બનાવી લીધો હતો. જાણે દુનિયાભરનાં જહાજો મહિનાઓથી ખાડીની બહાર ઊભા રહી રાહ જોઈ રહ્યાં હતાં અને પછી અમેરિકાએ પોતાના નૌકાદળ સાથે જઈને માનવજાતને મુક્ત કરાવી હોય. જાણે કોઈ પરીકથાનો રાજા પોતાની સેનાને લઈને નીકળ્યો હોય, દુષ્ટ શક્તિઓને હરાવી હોય અને પછી વિજયોત્સવ મનાવી રહ્યો હોય.

પરંતુ અહીં એક એવી હકીકત છે જે આ સમગ્ર વિજયગાથાની હવા એક જ ઝાટકે કાઢી નાખે છે. જે હોર્મુઝની ખાડી ખોલવાનો શ્રેય ટ્રમ્પ આજે લઈ રહ્યા છે એ ખાડી અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તે પહેલાં તો ખુલ્લી જ હતી!

- Advertisement -

આખરે ટ્રમ્પ કઈ જીતની વાત કરી રહ્યા છે?

આ પ્રશ્ન આજે પૂછવો જરૂરી છે. કારણ કે ટ્રમ્પની પોસ્ટમાં જે પ્રકારની ભાષા છે તે વાંચીને એવું લાગે કે જાણે અમેરિકાએ વિશ્વ માટે કોઈ અશક્ય મિશન પાર પાડ્યું હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે હોર્મુઝની ખાડી ફેબ્રુઆરીના અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત હતી. વિશ્વના લગભગ 25 ટકા તેલ અને LNG વેપારનું પરિવહન આ જ માર્ગેથી થતું હતું. કોઈ ટોલ વસૂલાતો ન હતો. કોઈ વૈશ્વિક નાકાબંધી ન હતી. કોઈ અમેરિકન નૌકાદળ ખાડીમાં જઈને દુનિયાને બચાવી રહ્યું ન હતું. ભારત, ચીન, જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ અને વિશ્વના અનેક દેશો સુધી ઊર્જા પુરવઠો સામાન્ય રીતે પહોંચી રહ્યો હતો. વેપાર ચાલી રહ્યો હતો, જહાજો પસાર થઈ રહ્યાં હતાં અને વૈશ્વિક બજારો પોતાની ગતિએ કામ કરી રહ્યાં હતાં. 

પછી અમેરિકા અને ઇઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે હુમલાઓ શરૂ કર્યા. ત્યારબાદ ઈરાને જવાબી કાર્યવાહી કરી, ખાડીમાં માઇન્સ પાથર્યા, જહાજો પર હુમલાઓ શરૂ કર્યા અને સમગ્ર વિસ્તારને સંઘર્ષના કેન્દ્રમાં ફેરવી નાખ્યો. એટલે આજે જે સંકટ ઉકેલવાનો દાવો થઈ રહ્યો છે તે સંકટ કોઈ કુદરતી આફત કે અચાનક ઊભી થયેલી ઘટના નથી. એ સંકટ આ યુદ્ધનું સીધું પરિણામ હતું.

સરળ શબ્દોમાં કહીએ તો ટ્રમ્પ આજે જે આગ બુઝાવવાનો શ્રેય લઈ રહ્યા છે, એ આગ પહેલાં કોણે લગાવી હતી એ પ્રશ્ન પૂછ્યા વિના આખી વાર્તા અધૂરી છે. જો યુદ્ધ જ શરૂ ન થયું હોત તો હોર્મુઝની ખાડી બંધ થવાનો પ્રશ્ન જ ઊભો થયો ન હોત. જો બૉમ્બમારો ન થયો હોત તો વેપાર માર્ગો જોખમમાં ન આવ્યા હોત. જો સૈન્ય કાર્યવાહી ન થઈ હોત તો વૈશ્વિક ઊર્જા બજારમાં આટલી અસ્થિરતા સર્જાઈ ન હોત. પરંતુ હવે મહિનાઓ સુધી ચાલેલા સંઘર્ષ, હુમલાઓ, અવરોધો અને આર્થિક નુકસાન બાદ ફરીથી એ જ સ્થિતિ પર પાછા ફરવાનું છે જ્યાંથી આખી ઘટના શરૂ થઈ હતી અને તેને વિજય તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

નાકાબંધી પર નાકાબંધી: આખરે ચાલતું શું હતું?

આ સમગ્ર યુદ્ધ દરમિયાન સૌથી વિચિત્ર દૃશ્યોમાંથી એક અમેરિકાની નાકાબંધી અંગેનો દાવો હતો. સ્થિતિ એવી બની ગઈ હતી કે અમેરિકા એવી નાકાબંધીનો જવાબ પોતાની નાકાબંધીથી આપી રહ્યું હતું જે યુદ્ધ પહેલાં અસ્તિત્વમાં જ નહોતી. જાણે કોઈ વ્યક્તિ પહેલાં રસ્તો ખોદી નાખે, પછી લોકોને મુશ્કેલીમાં મૂકે અને ત્યારબાદ એ જ રસ્તો ફરી બનાવીને પોતાને મહાન ઇજનેર જાહેર કરી દે.

હોર્મુઝની ખાડીમાં વધેલા તણાવના કારણે તેલ અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો, વૈશ્વિક સપ્લાઈ ખોરવાઈ ગઈ અને ઊર્જા પર આધારિત અર્થવ્યવસ્થાઓને સીધી અસર પહોંચી. ભારતથી લઈને સિંગાપુર, થાઈલેન્ડ, ચીન અને જાપાન સુધીના દેશોએ તેની અસર અનુભવી. હવે સમજૂતી પછી ફરીથી વેપાર માર્ગ સામાન્ય થવાની વાત થઈ રહી છે. પરંતુ આ બધું જોયા પછી દુનિયાને પૂછવાનો અધિકાર છે કે જો અંતે ફરી એ જ સ્થિતિ પર પાછા ફરવાનું હતું તો વચ્ચેની આ બધી બાકાઝીકી શા માટે?

કોણ છે ખરું વિજેતા?

જો પૂછવામાં આવે કે આ સમગ્ર યુદ્ધમાંથી સૌથી વધુ ફાયદો કોને થયો તો જવાબ ઝાઝો લાંબો નથી. એક શબ્દમાં જવાબ છે– રશિયા. જ્યારે હોર્મુઝની ખાડીમાં અવરોધો ઊભા થયા, આરબ દેશોના ઊર્જા પુરવઠામાં વિક્ષેપ આવ્યો અને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો, ત્યારે તેલના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો. આ પરિસ્થિતિમાં મૉસ્કો પાસે વેચવા માટે પૂરતું તેલ હતું અને બજાર ઊંચા ભાવે ખરીદવા તૈયાર હતું. પરિણામે રશિયાએ અબજો ડૉલરની વધારાની આવક મેળવી. સ્થિતિ એટલી હાસ્યાસ્પદ બની કે અમેરિકા પોતે જ ઊભા કરેલા પુરવઠા સંકટને સંભાળવા માટે રશિયન તેલ સંબંધિત કેટલાક પ્રતિબંધોમાં રાહત આપવા મજબૂર બન્યું.

ફેબ્રુઆરીમાં ડિસ્કાઉન્ટ સાથે વેચાતું Urals crude આશરે $45 પ્રતિ બેરલના ભાવે હતું. માર્ચના મધ્ય સુધીમાં તેનો ભાવ લગભગ બમણો થઈને $90 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો. માત્ર તેલ જ નહીં, LNG પુરવઠામાં આવેલા વિક્ષેપના કારણે પણ રશિયાને વધારાનો લાભ મળ્યો. માર્ચ 2026 દરમિયાન જ રશિયાની તેલ નિકાસ આવકમાં આશરે $9.3 બિલિયનનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું. મે 2026 સુધીમાં રશિયાની તેલ અને ગેસ આવક 2025ની સરખામણીએ 39 ટકા વધી ગઈ હતી. ટ્રમ્પ કદાચ આ સંઘર્ષને અમેરિકી શક્તિના પ્રદર્શન તરીકે રજૂ કરવા માંગતા હોય, પરંતુ નફા-નુકસાનનો હિસાબ કરવામાં આવે તો પુતિનનું રશિયા આ યુદ્ધનો સૌથી મોટો આર્થિક વિજેતા દેખાય છે.

એક ખામેનેઈ ગયો, બીજો આવી ગયો

યુદ્ધ શરૂ થતાં જ પશ્ચિમી વિશ્લેષકોના એક વર્ગે રીજીમ ચેન્જની ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. વર્ષોથી અમેરિકા જે ઈરાની થિયોક્રેટિક વ્યવસ્થાની ટીકા કરતું આવ્યું છે તે કદાચ આ વખતે તૂટી પડશે એવી આશાઓ વ્યક્ત થવા લાગી હતી. પરંતુ અંતે શું થયું? સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનાં મોત બાદ પણ ઈરાનની વ્યવસ્થા ધરાશાયી થઈ નહીં. તેના બદલે તેનો પુત્ર મોજતબા ખામેનેઈ ઉત્તરાધિકારી તરીકે આગળ આવ્યો. અનેક લોકો તેને પોતાના પિતા કરતાં વધુ કટ્ટર માનતા આવ્યા છે અને IRGC સાથે તેના સંબંધો પણ વધુ મજબૂત હોવાનું કહેવામાં આવે છે.

વર્ષોથી જે પ્રકારના ઉત્તરાધિકારથી ઈરાનનું શાસન બચતું આવ્યું હતું, તે જ પ્રકારનું પરિવર્તન આખરે સામે આવ્યું, પરંતુ પરિણામે વ્યવસ્થા નબળી પડવાને બદલે વધુ કેન્દ્રિત થઈ ગઈ. સુરક્ષાતંત્ર વધુ મજબૂત બન્યું, વિરોધી અવાજો વધુ દબાયા અને સત્તા યથાવત રહી. એટલે અમેરિકા જે સત્તાપલટાની આશા રાખતું હતું, તેમાંથી શું મળ્યું? જવાબ છે- એક ખામેનેઈને હટાવીને બીજા ખામેનેઈને સત્તા સુધી પહોંચાડવામાં સફળતા મળી.

ઈરાનને આખરે શું મળ્યું?

આ યુદ્ધના અંતે સૌથી રસપ્રદ બાબતોમાંની એક એ છે કે ઈરાનને મળનારી રાહતોની ચર્ચા હવે સમજૂતીનો ભાગ બની રહી છે. સમજૂતીની વિગતો અનુસાર ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિઓ પરની મર્યાદાઓ હળવી થઈ શકે છે. આશરે $24 બિલિયન સુધીની ક્રેડિટ લાઈનો અને નાણાકીય સહાય ઉપલબ્ધ થઈ શકે છે. પરમાણુ ચર્ચાઓ માટે 60 દિવસની નવી વિન્ડો આપવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેલ વેચાણ પર કેટલીક અસ્થાયી રાહતોની પણ ચર્ચા ચાલી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર અંતિમ હસ્તાક્ષર પહેલાં અમેરિકા તરફથી ઈરાનની આશરે $12 બિલિયનની સ્થગિત સંપત્તિઓ મુક્ત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી રહી છે.

એટલે જે શાસન વ્યવસ્થાને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ જ વ્યવસ્થાને હવે ફરીથી નાણાકીય ઓક્સિજન મળવાની શક્યતા ઊભી થઈ છે. એટલું જ નહીં, ઈરાની મીડિયામાં તો અમેરિકી અને સહયોગી દેશોના સમર્થનથી આશરે $300 બિલિયનના પુનર્નિર્માણ પેકેજની ચર્ચા પણ થઈ રહી છે. સાથે જ વિસ્તારમાંથી અમેરિકી દળોને હટાવવાની વાત પણ થઈ રહી છે. એટલે પ્રશ્ન ફરી એ જ ઊભો થાય છે કે આખરે દબાણ કોના પર આવ્યું અને રાહત કોને મળી?

અમેરિકનો અફઘાનિસ્તાનમાંથી કંઈ શીખ્યા હતા કે નહીં?

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લગભગ બે દાયકા વિતાવ્યાં. હજારો અબજ ડૉલર ખર્ચ્યા, હજારો સૈનિકો ગુમાવ્યા અને અંતે એવી સ્થિતિમાં પરત ફરવું પડ્યું કે જ્યાંથી આખી લડાઈ શરૂ થઈ હતી. એ અનુભવમાંથી વૉશિંગ્ટને કંઈ શીખ્યું હતું કે નહીં, એ સવાલ આ ઈરાન યુદ્ધ પછી ફરી એકવાર પૂછવો પડે છે. કારણ કે ચિત્ર સરખું છે. હજારો કિલોમીટર દૂર આવેલા પ્રદેશમાં સૈન્ય હસ્તક્ષેપ, અબજો ડૉલરનો ખર્ચ, પોતાના સૈનિકોના જીવનું બલિદાન, વિશ્વને લોકશાહી અને સુરક્ષાના પાઠ અને અંતે ફરીથી વિજયના દાવા. ફરક માત્ર એટલો છે કે આ વખતે કાબુલની જગ્યાએ તેહરાન ચર્ચામાં છે.

આ યુદ્ધ અમેરિકાને કેટલું મોંઘું પડ્યું તેનો ચોક્કસ હિસાબ કદાચ વર્ષો પછી સામે આવશે, પરંતુ પ્રારંભિક અંદાજો જ ચોંકાવનારા છે. વિવિધ મૂલ્યાંકનો મુજબ માત્ર સીધો સૈન્ય ખર્ચ અને નુકસાન જ $25 થી $35 બિલિયનની વચ્ચે પહોંચી શકે છે. પરંતુ વાત માત્ર પૈસાની નથી. વૉશિંગ્ટન માટે સાચો ફટકો એ સાધનોના રૂપમાં આવ્યો છે, જેમને તૈયાર કરવામાં વર્ષો અને અબજો ડૉલર ખર્ચાતા હોય છે. MQ-9 Reaper જેવા અત્યાધુનિક ડ્રોન, F-15 લડાકુ વિમાનો, હવામાં જ ઇંધણ ભરવાની ક્ષમતા ધરાવતા રિફ્યુઅલિંગ પ્લેટફોર્મ, THAAD જેવી અત્યંત મોંઘી મિસાઈલ સિસ્ટમ અને રડાર પ્રણાલીઓ તથા ખાડી ક્ષેત્રમાં આવેલા સૈન્ય મથકોને થયેલા નુકસાનની કિંમત માત્ર ડૉલરમાં માપી શકાય એવી નથી. આ પૈકીના કેટલાક સાધનોનું સ્થાન લેવા માટે વર્ષો સુધી ઉત્પાદન લાઈનો ચલાવવી પડે અને કરદાતાઓના અબજો ડૉલર વધુ ખર્ચવા પડે.

આ દરમિયાન અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઘણા ઘાયલ થયા છે. યુદ્ધની આર્થિક અસરનો આખો હિસાબ હજુ બાકી છે. પરંતુ અત્યાર સુધી જે ચિત્ર દેખાઈ રહ્યું છે તે અસ્વસ્થ કરનારું છે. કારણ કે આટલી મોટી કિંમત ચૂકવ્યા પછી પણ અમેરિકા કોઈ નવા વ્યૂહાત્મક પરિદૃશ્ય સાથે ઊભું નથી. ઈરાનનું શાસન યથાવત છે, પરમાણુ મુદ્દો હજુ ઉકેલાયો નથી, પ્રદેશમાં તણાવ સંપૂર્ણપણે ખતમ થયો નથી અને હવે જે સમજૂતીની વાત થઈ રહી છે તે મોટાભાગે દુનિયાને ફરી એ જ બિંદુએ લઈ જઈ રહી છે જ્યાંથી આખી લડાઈ શરૂ થઈ હતી. ટૂંકમાં ગુજરાતીમાં એક કહેવત છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ‘ગધેડો ન ઘરનો રહ્યો કે ન ઘાટનો’. એ પછી પણ જો વૉશિંગ્ટન પોતાને વિજેતા જાહેર કરી રહ્યું હોય તો અફઘાનિસ્તાનની યાદ આવવી સ્વાભાવિક છે. કારણ કે ઇતિહાસમાં ઘણી વખત એવી લડાઈઓ થઈ છે જેમાં વિજયના નારા સૌથી વધુ એ લોકો લગાવતા જોવા મળ્યા છે, જેઓને સૌથી મોટું બિલ ચૂકવવું પડ્યું હોય.

તો પછી આખરે જીત્યું કોણ?

ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઘટતા તેલના ભાવ અને તણાવમાં આવેલા ઘટાડાને પોતાની ‘પીસ થ્રૂ સ્ટ્રેન્થ’ અને ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિઓની જીત તરીકે રજૂ કરી રહ્યા છે. પરંતુ થોડું પાછળ હટી આખી તસવીર જોવામાં આવે તો પ્રશ્નો વધુ દેખાય છે અને જવાબો ઓછા. જે ઈરાની પરમાણુ કાર્યક્રમને લઈને યુદ્ધ શરૂ થયું હતું, તેનો સૌથી મહત્વનો મુદ્દો સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર હજુ પણ ભવિષ્યની વાટાઘાટો માટે બાકી છે. જે સત્તાપલટાની ચર્ચાઓ થઈ રહી હતી, તે થયું જ નથી. અલી ખામેનેઈ ગયો પરંતુ તેની જગ્યાએ મોજતબા ખામેનેઈ આવ્યો. રશિયાએ ઊંચા તેલના ભાવમાંથી અબજો ડૉલર કમાયા. ઈરાન માટે અબજો ડૉલરના ફંડ્સ અને આર્થિક રાહતના રસ્તા ખુલતા દેખાઈ રહ્યા છે. જ્યારે અમેરિકા પોતાના સૈનિકોના જીવ, અબજો ડૉલરના ખર્ચ અને નુકસાન પામેલા સૈન્ય સાધનોનો હિસાબ કરી રહ્યું છે.

આખી ઘટનાનું સૌથી મોટું સત્ય એ છે કે ટ્રમ્પ આજે જે સંકટના અંતની ઉજવણી કરી રહ્યા છે, એ સંકટ પોતે જ આ યુદ્ધનું પરિણામ હતું. હોર્મુઝની ખાડી યુદ્ધ પહેલાં ખુલ્લી હતી. વિશ્વના લગભગ 25 ટકા તેલ અને LNG વેપારનું પરિવહન સામાન્ય રીતે થઈ રહ્યું હતું. પછી યુદ્ધ શરૂ થયું. ખાડી સંઘર્ષના કેન્દ્રમાં આવી. વેપાર ખોરવાયો. તેલના ભાવ વધ્યા. વિશ્વભરના દેશોએ તેની આર્થિક કિંમત ચૂકવી. સેંકડો નિર્દોષ લોકોના જીવ ગયા. અબજો લોકોને તેની અસર ભોગવવી પડી અને હવે મહિનાઓની તબાહી બાદ ફરીથી દુનિયાને ત્યાં જ પાછી લઈ જવાની વાત થઈ રહી છે જ્યાંથી આખી ઘટના શરૂ થઈ હતી.

અલબત્ત, હજુ પણ અંતિમ પડદો પડ્યો છે એવું માનવાનું કોઈ કારણ નથી. આવી શાંતિ સમજૂતીઓની જાહેરાતો અગાઉ પણ થઈ ચૂકી છે. અગાઉ પણ વાટાઘાટો આગળ વધી હોવાનું કહેવાયું હતું. અગાઉ પણ ઇઝરાયેલે વાંધા ઉઠાવ્યા હતા. અગાઉ પણ ચર્ચાઓ ભાંગી પડી હતી. આ વખતે પણ જ્યાં સુધી કરાર પર અંતિમ મહોર નથી લાગતી અને અમેરિકી દળો ખરેખર પાછળ નથી હટતાં, ત્યાં સુધી ઘણું બધું બદલાઈ શકે છે. વિરોધાભાસી નિવેદનો, દાવા અને પ્રતિદાવાઓ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યા છે અને ઇઝરાયેલે ફરી એકવાર વાંધો નોંધાવ્યો છે.

પરંતુ આજની તારીખે એક હકીકત બદલાઈ નથી. જે હોર્મુઝની ખાડી આજે ખોલવાનો શ્રેય લેવામાં આવી રહ્યો છે, એ ખાડી તો અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા તે પહેલાંથી જ ખુલ્લી, કાર્યરત અને ટોલમુક્ત હતી. એટલે કદાચ સૌથી યોગ્ય પ્રશ્ન હજુ પણ એ જ છે જે આખા લેખની શરૂઆતમાં હતો કે આખરે ટ્રમ્પ કઈ જીતની ઉજવણી કરી રહ્યા છે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં