બિહારના પટનામાં ખાન સરના કોચિંગ બહાર થયેલા વિવાદ બાદ જેલમાં ગયેલા ‘જ્ઞાન બિંદુ’ કોચિંગ સેન્ટરના ડિરેક્ટર રોશન આનંદ જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે તેમના ભાઈ પ્રિન્સ યાદવની હત્યા કરાવવામાં આવી છે અને તેની પાછળ ખાન સર ઉર્ફે ફૈઝલ ખાનનો હાથ છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રોશન આનંદે કહ્યું કે, “ખાન સર ઉર્ફે ફૈઝલ ખાન અને ખેડૂત કોલ્ડ સ્ટોરેજના માલિક આર.એસ. પ્રસાદે ષડયંત્ર રચીને મારા ભાઈની હત્યા કરાવી છે. હું બહાર હતો ત્યારે મારા ભાઈને કંઈ થયું નહોતું. હું જેલમાં ગયો અને મારા ભાઈ પ્રિન્સની હત્યા થઈ ગઈ. આ એક કાવતરું છે.”
जेल से बाहर आने के बाद रौशन आनंद ने खान सर और किसान कोल्ड स्टोरेज के मालिक आर.एस. प्रसाद पर गंभीर आरोप लगाए। उन्होंने दावा किया कि दोनों ने मिलकर उनके छोटे भाई प्रिंस यादव की नेपाल के एक होटल में साजिश के तहत हत्या करवाई है…#RoshanAnand #KhanSir #PrinceYadav #Patna #BiharNews… pic.twitter.com/DcM7cdRmGX
— News4Nation (@news4nations) June 15, 2026
રોશન આનંદે પોતાના નિવેદનમાં ખાન સર ઉપરાંત ખેડૂત કોલ્ડ સ્ટોરેજના માલિક આર.એસ. પ્રસાદનું પણ નામ લીધું હતું. તેમણે આરોપ લગાવ્યો કે સમગ્ર ઘટનાક્રમ પૂર્વનિયોજિત ષડયંત્રનો ભાગ છે.
તેમણે વધુમાં કહ્યું કે, “ફૈઝલ ખાન કેટલું જૂઠું બોલ્યું છે તે શું કહું? બધું તેણે જ કર્યું અને તે બહાર રહ્યો, જ્યારે અમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. અમે નિર્દોષ હતા, અમને ફસાવવામાં આવ્યા. મારો ભાઈ હવે નથી રહ્યો, બધું સમાપ્ત થઈ ગયું.”
ઉલ્લેખનીય છે કે રોશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રિન્સ યાદવ ખાન સર કોચિંગ વિવાદ સાથે જોડાયેલા કેસમાં આરોપી તરીકે નામિત હતો. કેટલીક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તે ફરાર હતો.
જોકે, પ્રિન્સ યાદવના મિત્રોનું કહેવું છે કે તે ફરાર નહોતો પરંતુ નેપાળમાં ફરવા ગયો હતો. તેના જણાવ્યા અનુસાર પ્રિન્સ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર લઈ રહ્યો હતો અને નિયમિત દવાઓ લેતો હતો. ઘટનાના દિવસે પણ તેણે દવા લીધી હતી. બાદમાં તેની તબિયત બગડતા મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ દરમિયાન પ્રિન્સ યાદવના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ખાન સર ઉર્ફે ફૈઝલ ખાને પણ એક વિડીયો જાહેર કરીને તેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણ વિદ્યાર્થીઓ પાસેથી થઈ હતી અને ટીવી પર સમાચાર જોઈને તેઓ પણ આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયા હતા.

