
બ્રિટને 16 વર્ષની વયથી નીચેનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી છે. સોમવારે (15 જૂન) બ્રિટિશ વડા પ્રધાન કિર સ્ટાર્મરે આ સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રતિબંધના દાયરામાં તમામ સોશિયલ મીડિયા માધ્યમો આવરી લેવાશે તથા ગેમિંગ તથા લાઇવ સ્ટ્રીમિંગ માધ્યમો પર પણ નિયંત્રણો લાદવામાં આવશે.
સ્ટાર્મરે એક વિડીયો સંદેશથી આ જાણકારી આપી, જે પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘અમે 16થી નીચેની વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આજે બાળકો એવી દુનિયા જોઈ રહ્યાં છે જ્યાં ટેકનોલોજી લગભગ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે. આ હજુ વધારે ચાલવા દઈ ન શકાય. આપણે બાળકોને તેમનું બાળપણ પાછું આપવું રહ્યું.’
We are banning social media access for under 16s.
— Keir Starmer (@Keir_Starmer) June 15, 2026
These days kids must find their feet in a world where technology intrudes into every area of their life.
I just can’t let that go on anymore. So we’re giving children their childhoods back. pic.twitter.com/jn7iQrcwk8
સ્ટાર્મરે કહ્યું કે આનાથી બાળકો અને માતા-પિતા વચ્ચે સંવાદ વધશે અને સમય જતાં બાળકોનાં વ્યવહાર-વર્તનમાં પણ ફેર જોવા મળશે. ઉપરાંત બાળકો વધુ સુરક્ષિત, વધુ ખુશ રહી શકશે અને તેમને વધુ સમય, સુરક્ષા, સ્વતંત્રતા અને તકો મળી રહેશે. જેના માટે સોશિયલ મીડિયાનો સંપૂર્ણ પ્રતિબંધ જ એક યોગ્ય માર્ગ છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધમાં ટિકટોક, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે જેવી સોશિયલ મીડિયા કંપનીઓનો સમાવેશ થશે. ઉપરાંત લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ગેમિંગ સર્વિસ જેમાં બાળકો અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકે તેમની ઉપર નિયંત્રણો લાગુ કરવામાં આવશે. સ્ટાર્મરે કહ્યું કે, “આજના સમયમાં શું તમે તમારા બાળકને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મોકલી શકો જેના વિશે તમે કશું જ ન જાણતા હો. સ્વાભાવિકપણે ના, એટલે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ.” તેમનો કહેવાનો અર્થ એ છે કે ઓનલાઇન બાળકો કોઈના પણ સંપર્કમાં આવતાં હોય એ તેમની સુરક્ષા માટે જોખમી છે.
પીએમ સ્ટાર્મર અનુસાર સરકારે આ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ડિસેમ્બર અંત સુધીમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવશે, જેથી 2027ની શરૂઆતથી પ્રતિબંધ લાગુ થશે.
આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કર્યું હતું. ત્યારબાદ અન્ય દેશો પણ આ દિશામાં વિચારી રહ્યા છે. બીજો ક્રમ બ્રિટનનો આવ્યો છે.

