
ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમમાં શિક્ષકો અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ આખરે જાહેરમાં માફી માગી છે. વિવાદ વધતા અને વિવિધ શિક્ષક સંગઠનોના વિરોધ વચ્ચે મંત્રીએ પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, “મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું.”
ગોધરાના સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત સત્તાવાર સરકારી કાર્યક્રમ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકો અંગે ટિપ્પણી કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઊંચા પગાર મળ્યા હોવા છતાં શિક્ષકોની ભૂખ ભાંગતી નથી અને તેઓ વારંવાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા રહે છે.
આ ઉપરાંત મંત્રીએ શિક્ષકોની કાર્યશૈલી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજનો શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે મોબાઇલ ફોનમાં વધુ વ્યસ્ત રહે છે. મંત્રીના આ નિવેદન બાદ રાજ્યભરના શિક્ષક સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
સરકારના જ એક જવાબદાર મંત્રી દ્વારા શિક્ષક સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે શિક્ષણ જગતમાં વિરોધનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર પણ મંત્રીનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું અને અનેક શિક્ષક સંગઠનો દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિવાદ વધતા અને પક્ષના મોવડીમંડળ તરફથી સૂચનાઓ મળ્યા બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ તેઓ માફી માંગે છે અને શિક્ષકો પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવે છે.

