હોમપેજગુજરાતમાત્ર ટેસ્ટિંગ નહીં, ડિઝાઇનથી સ્પેસ હાર્ડવેરના ઉત્પાદન સુધી: અમદાવાદમાં બનશે સ્પેસ મેન્યુફેક્ચરિંગ...

માત્ર ટેસ્ટિંગ નહીં, ડિઝાઇનથી સ્પેસ હાર્ડવેરના ઉત્પાદન સુધી: અમદાવાદમાં બનશે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક, કેવી રીતે મળશે ભારતના ખાનગી સ્પેસ સેક્ટરને વેગ

ખાનગી ક્ષેત્ર માટે અલગ અને સમર્પિત ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ ઊભી થતાં ISROની સુવિધાઓ પરનો ભાર પણ ધીમે-ધીમે ઘટી શકે છે. પરિણામે ISRO પોતાના વૈજ્ઞાનિક સંશોધન, આગામી પેઢીની ટેક્નોલોજી, માનવ અવકાશયાન કાર્યક્રમો અને અન્ય અદ્યતન મિશનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

- Advertisement -

ગુજરાત સરકારે અમદાવાદ નજીક ખોરાજ GIDC ખાતે વિકસાવવામાં આવી રહેલા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક માટે કોમન ટેક્નિકલ ફેસિલિટીઝ (CTF) સ્થાપવાની જાહેરાત કરી છે. આ સુવિધાઓના વિકાસ માટે IN-SPACe તરફથી સાધનો માટે ₹100 કરોડ સુધીનું યોગદાન આપવામાં આવશે, જ્યારે બાંધકામ અને સંચાલન માટેનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ જાહેરાત 10મી IN-SPACe Industry Connect ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી હતી.

પ્રસ્તાવિત કોમન ટેક્નિકલ ફેસિલિટીઝમાં ક્લાસ 100,000 ક્લીનરૂમ, થર્મો-વેક્યૂમ ચેમ્બર, 12 ટન સુધીના પેલોડની ક્ષમતા ધરાવતી વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ, EMI/EMC ટેસ્ટિંગ ફેસિલિટીઝ, ક્લાઇમેટ ટેસ્ટ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ મેઝરમેન્ટ સિસ્ટમ, મેગ્નેટિક ફિલ્ડ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે ખોરાજ ખાતે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

પ્રથમ નજરે આ સમાચાર કોઈ નવા ઔદ્યોગિક પાર્ક અથવા સરકારી પ્રોજેક્ટની જાહેરાત જેવા લાગી શકે. પરંતુ જો તેની પાછળના વ્યાપક પરિપ્રેક્ષ્યને સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક નવી સુવિધાનું નિર્માણ નથી, પરંતુ ભારતના ઝડપથી વિકસતા ખાનગી સ્પેસ સેક્ટર માટે જરૂરી એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચનાનો પ્રયાસ છે. હકીકતમાં આ પ્રોજેક્ટને સમજવા માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે અવકાશમાં મોકલવામાં આવતી કોઈ પણ વસ્તુ પૃથ્વી પર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

- Advertisement -

આ સામાન્ય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નથી

જ્યારે સામાન્ય લોકો સેટેલાઇટ વિશે વિચારે છે ત્યારે તેમની નજરે ઘણીવાર માત્ર લૉન્ચિંગની ક્ષણ આવે છે. રોકેટ ગર્જના સાથે આકાશમાં ઉડે છે અને સેટેલાઇટ અવકાશમાં પહોંચે છે. પરંતુ હકીકતમાં લૉન્ચિંગ પહેલાં વર્ષો સુધી ચાલતી તૈયારી અને પરીક્ષણોની પ્રક્રિયા હોય છે. અવકાશ એ પૃથ્વી જેવું વાતાવરણ નથી. ત્યાં હવા નથી, દબાણ નથી, તાપમાનમાં ભારે ફેરફાર થાય છે અને લૉન્ચિંગ દરમિયાન અસાધારણ ધ્રુજારીનો સામનો કરવો પડે છે. તેથી સેટેલાઇટ કે અન્ય કોઈ સ્પેસ હાર્ડવેરને અવકાશમાં મોકલતાં પહેલાં તેની અનેક કસોટીઓ કરવામાં આવે છે.

ક્લીનરૂમ તેનું સૌથી સરળ ઉદાહરણ છે. સેટેલાઇટમાં લગાવવામાં આવતા કેમેરા, સેન્સર અને અન્ય અતિસંવેદનશીલ ઉપકરણો પર ધૂળનો એક નાનો કણ પણ અસર કરી શકે છે. તેથી આવા સાધનોને સામાન્ય વાતાવરણમાં નહીં પરંતુ અત્યંત નિયંત્રિત અને શુદ્ધ વાતાવરણ ધરાવતા ક્લીનરૂમમાં એસેમ્બલ કરવામાં આવે છે. થર્મો-વેક્યૂમ ચેમ્બરનું કામ અવકાશ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવાનું હોય છે. તેમાં હવા દૂર કરીને વેક્યૂમ ઊભું કરવામાં આવે છે અને અત્યંત ગરમ તથા અત્યંત ઠંડી પરિસ્થિતિઓ સર્જીને ચકાસવામાં આવે છે કે સેટેલાઇટ અવકાશમાં યોગ્ય રીતે કાર્ય કરી શકશે કે નહીં.

આ જ રીતે વાઇબ્રેશન ટેસ્ટિંગ અત્યંત મહત્વપૂર્ણ છે. રોકેટ જ્યારે લૉન્ચ થાય છે ત્યારે તે ભારે ધ્રુજારી અને યાંત્રિક દબાણ ઉત્પન્ન કરે છે. જો સેટેલાઇટ અથવા તેની અંદરના ઉપકરણો આ ધ્રુજારી સહન ન કરી શકે તો આખું મિશન નિષ્ફળ જઈ શકે. તેથી પૃથ્વી પર જ કૃત્રિમ રીતે તેવી પરિસ્થિતિ સર્જીને તેની કસોટી કરવામાં આવે છે. EMI/EMC ટેસ્ટિંગ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે વિવિધ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ એકબીજાને અસર કર્યા વિના યોગ્ય રીતે કાર્ય કરી શકે. સરળ શબ્દોમાં કહીએ તો ખોરાજ ખાતે બનનારી સુવિધાઓ એવી છે જ્યાં પૃથ્વી પર જ અવકાશ જેવી પરિસ્થિતિઓ સર્જીને સેટેલાઇટ અને અન્ય સ્પેસ સિસ્ટમ્સની પરીક્ષા લેવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે કેમ મહત્વપૂર્ણ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઝડપથી વધી છે. રોકેટ ટેક્નોલોજીથી લઈને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ, અર્થ ઓબ્ઝર્વેશન, કોમ્યુનિકેશન અને ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવી કંપનીઓ ઉભરી આવી છે. પરંતુ મોટાભાગના સ્ટાર્ટઅપ્સ માટે સૌથી મોટો પડકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હોય છે.

એક સ્ટાર્ટઅપ માટે પોતાની થર્મો-વેક્યૂમ ચેમ્બર, ક્લીનરૂમ અથવા વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવી અત્યંત ખર્ચાળ બાબત છે. ઘણા કિસ્સાઓમાં આ ખર્ચ કરોડો રૂપિયામાં પહોંચે છે. પરિણામે કંપનીઓને આવી સુવિધાઓ માટે અન્ય સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. અત્યાર સુધી ઘણી ખાનગી કંપનીઓ ISROની ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરતી રહી છે. 2020 પછી સરકારે ખાનગી ક્ષેત્ર માટે સ્પેસ સેક્ટર ખોલ્યા બાદ IN-SPACe મારફતે આવી ઍક્સેસ વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

પરંતુ ISROની સુવિધાઓ મૂળભૂત રીતે ISROના પોતાના મિશનો માટે બનાવવામાં આવી છે. ભારતમાં ખાનગી સ્પેસ કંપનીઓની સંખ્યા વધતાં આવી સુવિધાઓની માંગ પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ખોરાજ ખાતે વિકસાવવામાં આવનાર કોમન ટેક્નિકલ ફેસિલિટીઝનો હેતુ એ છે કે અનેક કંપનીઓ એક જ પ્લેટફોર્મ પર આધુનિક ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે. આ માત્ર ખર્ચ ઘટાડશે એટલું જ નહીં, પરંતુ નવી કંપનીઓ માટે સ્પેસ સેક્ટરમાં પ્રવેશની અડચણો પણ ઓછી કરશે.

જોકે કોમન ટેક્નિકલ ફેસિલિટીઝની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, પરંતુ ખોરાજ પ્રોજેક્ટને માત્ર ટેસ્ટિંગ સેન્ટર તરીકે જોવું યોગ્ય નહીં ગણાય. રાજ્ય સરકાર અને IN-SPACeની યોજના એક એવી સ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની છે, જ્યાં કંપનીઓ માત્ર પોતાના ઉત્પાદનોનું પરીક્ષણ જ નહીં, પરંતુ સેટેલાઇટ, પેલોડ સિસ્ટમ્સ અને અન્ય સ્પેસ હાર્ડવેરની ડિઝાઇન, વિકાસ, એસેમ્બલી અને મેન્યુફેક્ચરિંગ પણ કરી શકે. એટલે CTF આખા પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ સમગ્ર પ્રોજેક્ટનો ઉદ્દેશ ટેસ્ટિંગથી ઘણો વિશાળ છે.

2020 પછી ભારતના સ્પેસ સેક્ટરમાં શું બદલાયું?

આ સમગ્ર પ્રોજેક્ટને સમજવા માટે 2020ના સ્પેસ રિફોર્મ્સને સમજવા જરૂરી છે. લાંબા સમય સુધી ભારતનો સ્પેસ સેક્ટર લગભગ સંપૂર્ણપણે ISRO કેન્દ્રિત રહ્યો હતો. દેશની અવકાશીય ક્ષમતાઓનો વિકાસ થયો, મંગળયાન અને ચંદ્રયાન જેવા ઐતિહાસિક મિશનો સફળ રહ્યા, પરંતુ ખાનગી ક્ષેત્રની ભાગીદારી મર્યાદિત હતી.

2020માં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખોલી દીધો. આ સાથે IN-SPACeની રચના કરવામાં આવી. IN-SPACeનું કામ ખાનગી કંપનીઓને અવકાશ ક્ષેત્રમાં પ્રવેશ માટે જરૂરી મંજૂરીઓ, માર્ગદર્શન અને સંકલન પૂરું પાડવાનું છે. તેના પરિણામે આજે અનેક ભારતીય સ્ટાર્ટઅપ્સ રોકેટ, સેટેલાઇટ અને અન્ય સ્પેસ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

ખાનગી ક્ષેત્રને સ્પેસ સેક્ટરમાં પ્રવેશ આપવાનો અર્થ માત્ર નવી કંપનીઓને તક આપવાનો નહોતો. તેનો અર્થ એ પણ હતો કે દેશને નવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. ખોરજ ખાતે વિકસાવવામાં આવી રહેલી કોમન ટેક્નિકલ ફેસિલિટીઝને આ જ મોટા પરિવર્તનના એક ભાગ તરીકે જોવામાં આવી શકે.

ગુજરાત ભજવી રહ્યું છે મહત્વની ભૂમિકા

ખોરાજમાં વિકસાવવામાં આવી રહેલો સ્પેસ પાર્ક માત્ર ટેસ્ટિંગ માટેની જગ્યા નહીં, પરંતુ એક સંપૂર્ણ ઔદ્યોગિક ક્લસ્ટર તરીકે કલ્પવામાં આવ્યો છે. અહીં ભવિષ્યમાં એવી કંપનીઓ આવી શકે છે જે સેટેલાઇટના વિવિધ ઘટકો બનાવે, પેલોડ સિસ્ટમ્સ વિકસાવે, અવકાશ આધારિત એપ્લિકેશન્સ પર કામ કરે અને ત્યારબાદ એ જ ઇકોસિસ્ટમમાં પોતાના ઉત્પાદનોનું પરીક્ષણ પણ કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો ડિઝાઇનથી લઈને ફ્લાઇટ-રેડી સિસ્ટમ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી માળખું એક જ ક્લસ્ટરમાં ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ખોરાજ પ્રોજેક્ટનું મહત્વ માત્ર એટલા માટે નથી કે તે ગુજરાતમાં બની રહ્યો છે. તેની પાછળ અનેક વ્યૂહાત્મક કારણો પણ છે. IN-SPACeનું મુખ્યાલય અમદાવાદમાં આવેલું છે. ઉપરાંત ગુજરાતનો ISRO સાથેનો સંબંધ પણ દાયકાઓ જૂનો છે. અમદાવાદમાં સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દેશના અવકાશ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું આવ્યું છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે ડિફેન્સ, એરોસ્પેસ અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે થઈ રહેલા મોટા રોકાણો પણ નોંધપાત્ર છે. સ્પેસ ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ વચ્ચે ગાઢ સંબંધ છે, કારણ કે સેટેલાઇટ અને અન્ય અવકાશીય સિસ્ટમ્સ માટે અદ્યતન ઇલેક્ટ્રોનિક ઘટકોની જરૂર પડે છે. આ દૃષ્ટિએ જોવામાં આવે તો ખોરાજમાં વિકસાવવામાં આવી રહેલો સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક કોઈ એકલદોકલ પ્રોજેક્ટ નહીં, પરંતુ ગુજરાતમાં ઊભા થઈ રહેલા વિશાળ હાઇ-ટેક ઇકોસિસ્ટમનો એક ભાગ છે.

લાંબાગાળે શું અસર પડી શકે?

ખોરાજ પ્રોજેક્ટની વાસ્તવિક અસર આગામી વર્ષોમાં દેખાશે. જો અહીં પ્રસ્તાવિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફળતાપૂર્વક વિકસાવવામાં આવે અને ઉદ્યોગ દ્વારા તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તો તે ભારતના સ્પેસ સ્ટાર્ટઅપ્સ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન બની શકે છે. સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓમાં વધારો થશે, સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

આ પ્રોજેક્ટનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું ISRO સાથે પણ જોડાયેલું છે. ખાનગી ક્ષેત્ર માટે અલગ અને સમર્પિત ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ ઊભી થતાં ISROની સુવિધાઓ પરનો ભાર પણ ધીમે-ધીમે ઘટી શકે છે. પરિણામે ISRO પોતાના વૈજ્ઞાનિક સંશોધન, આગામી પેઢીની ટેક્નોલોજી, માનવ અવકાશયાન કાર્યક્રમો અને અન્ય અદ્યતન મિશનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે આ પહેલ માત્ર ખાનગી ક્ષેત્રને મદદરૂપ બનશે એવું નથી, પરંતુ સમગ્ર ભારતીય સ્પેસ ઇકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

અંતે, ખોરાજમાં બનનારી કોમન ટેક્નિકલ ફેસિલિટીઝને માત્ર એક નવી લેબ અથવા સરકારી પ્રોજેક્ટ તરીકે જોવું પૂરતું નથી. આ ભારતના સ્પેસ સેક્ટરમાં ચાલી રહેલા મોટા પરિવર્તનનો એક ભાગ છે, જેમાં સરકાર, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ મળીને એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે દેશને આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્પેસ અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવી શકે. કદાચ એ કારણે જ ખોરાજનો આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર ભારતીય સ્પેસ સેક્ટર માટે મહત્વ ધરાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં