‘આ ભૂતિયા ડિમોલિશન નથી, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલી કાર્યવાહી છે’: નાસિરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાના અધિકારીની સ્પષ્ટતા

સુરતના નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકે સામે આવીને કોર્પોરેશન તરફથી પક્ષ રજૂ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા અને મીડિયાના અમુક વર્ગોમાં આ ઘટનાને ‘ભૂતિયા ડિમોલિશન’ તરીકે ઓળખાવવાના દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને હાથ ધરવામાં આવી હતી અને આ મામલે તપાસ બાદ સંપૂર્ણ હકીકત જાણવા મળશે.

આશિષ નાયકે સ્પષ્ટતા રી છે કે નાસિરનગરમાં જે પણ કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને અને નિયમો અનુસાર જ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ગત 30 મે 2026ના રોજ મનપાની ટીમ માત્ર રોડ લાઇન ખુલ્લી કરવા અને જમીનની માપણી (ડિમાર્કેશન) કરવા માટે જ ગઈ હતી. આ રોડ પરના નડતરરૂપ દબાણો હટાવવાની એક રૂટિન વહીવટી કામગીરી હતી.

પાલિકાની કામગીરી સંપૂર્ણ કાયદેસર હોવાની દલીલના સમર્થનમાં તેમણે જણાવ્યું કે, ઑપરેશન દરમિયાન ઘટનાસ્થળે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગાઉથી જ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. આ માટે પોલીસ વિભાગને નિયમ મુજબ સત્તાવાર રીતે લેખિતમાં જાણ પણ કરાઈ હતી. તેથી આ પ્રક્રિયા ગુપ્ત રીતે થઈ હોવાની વાત તદ્દન ખોટી છે.

તેમણે જણાવ્યું કે આ ખોટા વિવાદો અને સતત થઈ રહેલી ટીકાઓને કારણે તેઓ પોતે અને પાલિકાના કર્મચારીઓ ભારે માનસિક તણાવ ભોગવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે કેટલાક તત્વો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા માટે આ કાયદેસરની કામગીરીને લઈને ખોટી ગેરસમજ ઊભી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આ સમગ્ર વિવાદની તપાસ માટે જે સ્પેશિયલ કમિટીની નિમણૂક કરવામાં આવી છે, તેને પૂરેપૂરો સહયોગ આપવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી તેનો આખરી રિપોર્ટ સામે ન આવી જાય ત્યાં સુધી કોઈએ પણ ખોટી અને અફવા ફેલાવતી માહિતી શેર ન કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલાની તપાસ માટે મહાનગરપાલિકાના કમિશનરે ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ તપાસ બાદ પોતાનો અહેવાલ સોંપશે.