ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂવાળા વધુ એક જહાજ પર હુમલો: હાલ તમામ સુરક્ષિત, રેસ્ક્યુ માટે પ્રયાસો શરૂ કરાયા

મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધ વચ્ચે ઓમાનના દરિયામાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો થયો છે, જેમાં ભારતીય ક્રૂ મેમ્બર હતા. પશ્ચિમ આફ્રિકન દેશ ગિની-બિસાઉનો ફ્લેગ ધરાવતા ટેન્કર પર ગુરુવારે (11 જૂન) ઓમાનની ખાડીમાં હુમલો થયો હતો. હુમલા સમયે લગભગ વીસેક ભારતીય નાવિકો હાજર હતા.

આ હુમલા પાછળ પણ અમેરિકી સેનાનો હાથ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તેઓ ઓમાનની સરકાર સાથે સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. હાલ તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત હોવાની જાણકારી મળી રહી છે. ઓમાન દૂતાવાસે જણાવ્યું છે કે ઓમાનની રોયલ નેવીની મદદથી ક્રૂને સુરક્ષિત બંદરે લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને બહુ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે.

શિપમાંથી કરવામાં આવેલા SOS કોલમાં શિપ પર હાજર નાવિક જણાવે છે કે તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને સ્થિતિ જણાવતાં કહે છે કે તેમના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ છે. ત્યારબાદ ઓમાન કોસ્ટ ગાર્ડે એક રેસ્ક્યુ બોટ મોકલી આપી હતી.

આ પહેલાં છેલ્લા ચાર દિવસમાં બે જહાજ પર હુમલા થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય ક્રૂ મેમ્બરો હતા. 8 જૂનના રોજ એક જહાજ પર હુમલો થયો હતો, જેમાં 24 ભારતીય નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા. 10 જૂને બીજા એક જહાજ પર હુમલો થયો જેમાં પણ 24 સભ્યો હતા. જેમાંથી 21 બચાવી લેવાયા, પણ ત્રણનાં મૃત્યુ થઈ ગયાં. ભારત સરકારે આ બાબતની પુષ્ટિ કરી છે. આ બંને હુમલામાં પણ અમેરિકી સેનાનો હાથ હતો, જે તાજેતરમાં ઈરાન અને તેનાં બંદરો પર હુમલા વધારી રહી છે.