હોમપેજગુજરાત'સરકારી પ્રક્રિયા પૂર્ણ ન થઈ, એક પણ રૂપિયો ન ચૂકવ્યો, તો આટલાં...

‘સરકારી પ્રક્રિયા પૂર્ણ ન થઈ, એક પણ રૂપિયો ન ચૂકવ્યો, તો આટલાં વર્ષોથી જમીન તમારી પાસે કેમ?’: વડોદરા પ્લૉટ વિવાદમાં યુસુફ પઠાણને ગુજરાત હાઇકોર્ટનો પ્રશ્ન– વાંચો કોર્ટમાં શું દલીલો થઈ

યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચનો આદેશ હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો, કોર્ટે વેધક પ્રશ્નો કરીને કહ્યું– વળતર ચૂકવવા માટે તૈયાર રહો.

- Advertisement -

વડોદરાના પ્લોટ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટ પહોંચેલા પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ યુસુફ પઠાણને કોર્ટે સોમવારે (8 જૂન) પ્રશ્ન કરતાં કહ્યું કે પ્લૉટ હસ્તાંતરણ માટેની ઔપચારિક સરકારી પ્રક્રિયાઓ વગર, કે કિંમતની ચૂકવણી કર્યા વગર તેઓ આટલાં વર્ષો સુધી પ્લૉટ પોતાના કબજામાં કઈ રીતે રાખી શકે? કોર્ટે કડક વલણ અપનાવીને પઠાણના વકીલ પાસેથી અમુક જવાબો અને સ્પષ્ટતા માંગીને મામલાની આગામી સુનાવણી 15 જૂનના રોજ મુકરર કરી છે.

વાસ્તવમાં યુસુફ પઠાણે સપ્ટેમ્બર 2025નો ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચનો એક આદેશ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે. સપ્ટેમ્બર 2025માં હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે યુસુફ પઠાણને ‘દબાણ કરનાર’ (એન્ક્રોચર) ઘોષિત કરીને કહ્યું હતું કે તેમણે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી રાખ્યો છે અને તેને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકાય એમ નથી.

આ આદેશની સામે યુસુફ પઠાણે દાખલ કરેલી અરજી પર સોમવારે (8 જૂન) મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન રાયની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. પઠાણ તરફથી એડવોકેટ શાલીન મહેતાએ દલીલ કરી.

- Advertisement -

યુસુફ પઠાણ વતી શું દલીલો થઈ?

એડવોકેટ મહેતાની મૂળ દલીલ એ હતી કે સિંગલ જજ બેન્ચ જ્યારે મામલાની સુનાવણી કરી રહી હતી ત્યારે એક અગત્યના દસ્તાવેજ તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું ન હતું. 1999ની રાજ્ય સરકારની એક પોલિસી કહે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને અમુક શરતોને આધીન પ્લૉટ ફાળવી શકાય છે. મહેતાની દલીલ છે કે આ પોલિસી હેઠળ યુસુફ પઠાણને પ્લૉટ ફાળવી શકાય એમ છે કારણ કે પોલિસીની મોટાભાગની શરતો પઠાણના કિસ્સામાં પૂરી થઈ રહી છે.

બીજી એક દલીલ એ કરવામાં આવી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હરાજી વગર માર્કેટ કિંમત પર પ્લૉટની ફાળવણી કરવા માટે પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. ત્યારબાદ જનરલ બોડીએ પણ માન્યતા આપી અને મામલો રાજ્ય સરકાર સમક્ષ ગયો. પરંતુ જીપીએમસી એક્ટની કલમ 79 હેઠળ આ કેસને રાજ્ય સમક્ષ મોકલવાની જરૂર જ ન હતી.

ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોપોરેશન્સ (GPMC) એક્ટની કલમ 79 હેઠળ પાલિકાને તેની સંપત્તિ સંબંધિત અમુક અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં મિલકત લીઝ પર આપવી, તેનું વેચાણ કરવું વગેરે સામેલ છે.

અહીં કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, “કૉર્પોરેશન પાસે પહેલેથી પોતાની પોલિસી હોય તો તેને રાજ્ય સરકારની મંજૂરીની જરૂર પડતી નથી, પણ જો કોઈ કામ પહેલી વખત થઈ રહ્યું હોય તો તેમાં રાજ્યની મંજૂરી લેવી પડે છે. આ કેસમાં સ્ટેન્ડિંગ કમિટીએ એવો નિર્ણય લીધો, જે અગાઉ ક્યારેય લેવામાં આવ્યો હતો. જેથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી રહે છે. અલગથી કોઈ પોલિસી બનાવીને પ્લોટ ન આપી શકાય. કોર્પોરેશનની નીતિ એ રહે છે કે કોઈ પણ પ્લૉટની ફાળવણી પહેલાં હરાજી થાય છે. તેમાં અમુક પ્રેફરન્સ હોય શકે પણ એ તમામ પ્રક્રિયા સાર્વજનિક રીતે જાહેરમાં થાય છે. પારદર્શિતા હોવી જરૂરી છે. એવું ન હોય કે એક દિવસ સ્ટેન્ડિંગ કમિટી અચાનક કોઈ નિર્ણય લઈ લે.”

સરળ શબ્દોમાં સમજીએ તો કોર્ટ કહેવા માગે છે કે જો વડોદરા પાલિકાએ જાહેર હરાજી કરીને પ્લૉટ ફાળવ્યો હોત તો આ દલીલ યોગ્ય છે કે તેમાં રાજ્ય સરકારની મંજૂરીની જરૂર ન પડે કારણ કે હરાજી કરીને પ્લૉટ ફાળવવા એ પાલિકાઓની એક સર્વસામાન્ય નીતિ છે. પણ આ કેસમાં પાલિકા પહેલી વખત હરાજી વગર પ્લૉટ ફાળવી રહી હતી એટલે રાજ્ય સરકાર પાસે દરખાસ્ત મોકલવી જરૂરી હતી.

‘આંતરરાષ્ટ્રીય ખેલાડી હોય તેનાથી સંપત્તિ મેળવવાનો અધિકાર મળી જતો નથી’: સરકાર

જ્યાં સુધી વાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરને પ્લૉટની ફાળવણી કરવાની રાજ્ય સરકારની પોલિસીની છે, રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલે દલીલમાં કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય ખેલાડી હોય તેથી તેમને સંપત્તિ મેળવવાનો કોઈ અધિકાર મળી જતો નથી અને ક્રિકેટર હોય તેનાથી પઠાણ એવું ન કહી શકે કે તેઓ એક પણ રૂપિયો ચૂકવશે નહીં. તેમણે આજ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી અને હજુ જમીનનો કબજો તેમની પાસે છે.”

અહીં કોર્ટે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે 1999ની ક્રિકેટરોવાળી નીતિની ચર્ચામાં કોર્ટ જઈ રહી નથી કારણ કે પ્લૉટની ફાળવણી કરતી વખતે આ પોલિસી પર ક્યાંય વિચાર કરવામાં આવ્યો ન હતો. સ્ટેન્ડિંગ કમિટીએ પણ જ્યારે નિર્ણય લીધો ત્યારે તેમાં આ 1999ની પોલિસીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

‘આટલાં વર્ષોથી પ્લૉટનો કબજો તમારી પાસે કેવી રીતે છે?’: હાઇકોર્ટ

ત્યારબાદ કોર્ટે યુસુફ પઠાણના વકીલને પ્રશ્ન કરતાં કહ્યું હતું કે જો પ્લૉટની ફાળવણી માટેની દરખાસ્ત રાજ્ય સરકારે રદ કરી દીધી હોય, પઠાણે કોઈ ચૂકવણી ન કરી હોય તો પછી આટલાં વર્ષોથી તેઓ પ્લોટ કબજે કરીને કેમ બેઠા છે? કોર્ટે કહ્યું, “તમે પ્લૉટનો કબજો ત્યારે મેળવી શકો જ્યારે ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ હોય. અહીં તો માત્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી અને સરકારે તે રદ કરી દીધી હતી તો પછી અમને જવાબ આપો કે તમે આ પ્લૉટ પર કબજો કઈ રીતે મેળવ્યો?”

અહીં યુસુફ પઠાણ તરફથી દલીલ આપવામાં આવી કે તેમને પાલિકા દ્વારા પ્લૉટ કોર્ડન કરવા માટે કહેવામાં આવ્યું હતું અને કૉર્પોરેશન કાયમ તેમની સાથે રહ્યું છે.

‘તમને પરવાનગી કોણે આપી, અધિકારીઓનાં નામ આપો’: હાઇકોર્ટ

અહીં કોર્ટે કહ્યું, “તમને આ પરવાનગી કોણે આપી? એ પાલિકાના અધિકારીઓનાં નામ આપો. અમે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરીશું. તમે જે કોઈ પણ હો, જે અધિકારીઓએ તમને આ સંપત્તિનો કબજો મેળવવામાં મદદ કરી તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે એમ છે.”

કોર્ટે આગળ કહ્યું, “અમે એ વિષયમાં નથી જઈ રહ્યા કે તમને પ્લૉટ મળવાપાત્ર છે કે નહીં.પણ એ હકીકત છે કે આ માત્ર એક દરખાસ્ત હતી જે રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જ્યાં સુધી તમે ચૂકવણી ન કરો અને પ્લૉટ તમને સોંપવામાં ન આવે, ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે પ્લૉટ કબજે કઈ રીતે કરી શકો એ જ અમારો પ્રશ્ન છે. પબ્લિક પ્લૉટનો આ રીતે પ્રક્રિયા વગર ઉપયોગ કરવો એ ગુનો બને છે.”

જવાબમાં યુસુફ પઠાણ વતી વકીલ મહેતાએ કહ્યું કે 2014માં સરકારે દરખાસ્ત રદ કર્યાની જાણ તેમને છેક 2024માં કરવામાં આવી અને ત્યારબાદ કાયદાકીય કેસો શરૂ થયા એટલે પ્લૉટ તેમના કબજામાં છે. સાથે એવી પણ દલીલ આપવામાં આવી કે આ પ્લૉટનો યુસુફ પઠાણ ઉપયોગ કરતા નથી.

અહીં કોર્ટે ફરીથી કહ્યું કે, “શું તમે એમ કહેવા માગો છો કે પ્લૉટ તમારા કબજામાં નથી? પ્લૉટનો ઉપયોગ ભલે ન થતો હોય પણ તે તમારામાં કબજામાં છે. તેની ફરતે વાડ કરવામાં આવી છે. આ પણ ગુનો બને છે. સરકારી જમીન પર અતિક્રમણ એ કાયદેસર ગુનો બને છે.”

‘વળતર ચૂકવવા માટે તૈયાર રહો’: કોર્ટ

કોર્ટે યુસુફ પઠાણના વકીલને કહ્યું, “તમે અભણ માણસ નથી. તમે દેશભક્ત પણ છો અને એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છો. તમારી પાસેથી આવી આશા ન રાખી શકાય. વળતર ચૂકવવા માટે તૈયાર રહો. માર્કેટ કિંમત પ્રમાણે તમારે પબ્લિક પ્રોપર્ટીનું ભાડું ચૂકવવું પડશે.” કોર્ટે પૂછ્યું કે પ્લૉટ ખાલી કરવા માટે કેટલો સમય જોઈશે અને સાથે કહ્યું કે કોર્ટ બે અઠવાડિયાંથી વધુનો સમય આપશે નહીં.

ત્યારબાદ એડવોકેટ મહેતાએ કહ્યું કે તેઓ અન્ય અમુક જાણકારી સાથે ફરીથી અમુક મુદ્દાની દલીલો રજૂ કરશે. કોર્ટે એ વિનંતી માન્ય રાખીને 15 જૂનની તારીખ મુકરર કરી હતી. જોકે સાથે સ્પષ્ટતા કરી કે કોર્ટ અરજી પરત ખેંચવા નહીં દે અને એ કિસ્સામાં વળતર ચૂકવવા તૈયાર રહેવું પડશે.

કેસની વધુ વિગતો

આ સમગ્ર કેસનું મૂળ વર્ષ 2012માં છે. યુસુફ પઠાણે પોતાના બંગલાની બાજુના પ્લોટને (978 વર્ગ મીટર, 90 નંબરનો પ્લોટ) 99 વર્ષની લીઝ પર લેવા માટે VMCને અરજી આપી હતી. વડોદરા મ્યુનિસપલ કમિશનરે અરજી સ્વીકારી હતી અને VMCની સ્ટેન્ડિંગ કમિટીએ પણ 30 માર્ચ, 2012ના રોજ તેને મંજૂરી આપી હતી. તે સિવાય 8 જૂન, 2012ના રોજ VMCની જનરલ બોડીએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ જમીન જાહેર હરાજી વિના આપવાની હોવાથી આ દરખાસ્ત ગુજરાત સરકારને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરી હતી, તેમ છતાં આરોપ છે કે યુસુફ પઠાણે જમીન પર કબજો મેળવી લીધો હતો.

જોકે, VMCએ તાત્કાલિક કોઈ કાર્યવાહી નહોતી કરી. 2024માં મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. જેને લઈને ભારે વિરોધ પણ થવા લાગ્યો હતો અને મુદ્દો રાજકીય પણ બન્યો હતો. સ્થિતિને જોતાં VMCએ પઠાણને નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ યુસુફ પઠાણે નોટિસ અને સરકારના દરખાસ્ત નામંજૂર કરવાના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સપ્ટેમ્બર 2025માં સિંગલ જજ બેન્ચે પઠાણની અરજી નકારીને પ્લૉટ ખાલી કરવા આદેશ આપ્યો હતો, જેની સામે તેઓ હવે ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી લઈને ગયા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં