સરકારી જમીન ખાલી કરવાનો આદેશ આપતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને TMC સાંસદ યુસુફ પઠાણે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો

ગુજરાત હાઇકોર્ટે યુસુફ પઠાણની અરજી

તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના કબજામાં રહેલી સરકારી જમીન પરત લેવાની વડોદરા મહાનગરપાલિકાની નોટિસને બહાલી આપતા ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ બેન્ચના નિર્ણયને હવે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકાએ યુસુફ પઠાણને સરકારી જમીન પર અતિક્રમણ કરવા મામલે નોટિસ મોકલી હતી. ત્યારબાદ પઠાણે કોર્પોરેશનની નોટિસ અને રાજ્ય સરકારના આદેશને પડકાર આપવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. લાંબી સુનાવણી બાદ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુસુફ પઠાણનો સરકારી જમીન પરનો કબજો ગેરકાયદેસર દબાણ છે, જેને કોઈપણ ભોગે કાયદેસર ઠેરવી શકાય એમ નથી. 

આ મામલે હાઇકોર્ટે સપ્ટેમ્બર 2025માં આદેશ આપીને જણાવ્યું હતું કે લાંબા સમય સુધી જમીન પર કબજો જાળવી રાખવાથી તેની ઉપર અધિકાર થઈ જતો નથી અને યુસુફ પઠાણે જમીન પરત કરવી પડશે.

તે સિવાય વર્તમાન બજાર મૂલ્ય આપવાની યુસુફ પઠાણની દલીલો પણ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તેનાથી ગેરકાયદે કબજાને નિયમિત કરવા જેવી સ્થિતિ સર્જાશે. કોર્ટે કહ્યું હતું કે સેલિબ્રિટીઓને કાયદો તોડયા બાદ પણ વિશેષ સુવિધા આપવામાં આવે તો સમાજને ખોટો સંદેશ પહોંચશે અને ન્યાયપાલિકાની વિશ્વસનીયતા પણ જોખમાશે.

શું છે સમગ્ર કેસ

આ સમગ્ર કેસનું મૂળ વર્ષ 2012માં છે. યુસુફ પઠાણે પોતાના બંગલાની બાજુના પ્લોટને (978 વર્ગ મીટર, 90 નંબરનો પ્લોટ) 99 વર્ષની લીઝ પર લેવા માટે VMCને અરજી આપી હતી. વડોદરા મ્યુનિસપલ કમિશનરે અરજી સ્વીકારી હતી અને VMCની સ્ટેન્ડિંગ કમિટીએ પણ 30 માર્ચ, 2012ના રોજ તેનો સ્વીકાર કર્યો હતો. તે સિવાય 8 જૂન, 2012ના રોજ VMCની જનરલ બોડીએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ જમીન જાહેર હરાજી વિના આપવાની હોવાથી આ દરખાસ્ત ગુજરાત સરકારને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરી હતી, તેમ છતાં આરોપ છે કે યુસુફ પઠાણે જમીન પર કબજો મેળવી લીધો હતો.

જોકે, VMCએ તાત્કાલિક કોઈ કાર્યવાહી નહોતી કરી. 2024માં મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. જેને લઈને ભારે વિરોધ પણ થવા લાગ્યો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. સ્થિતિને જોતાં VMCએ પઠાણને નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ યુસુફ પઠાણે નોટિસ અને સરકારના દરખાસ્ત નામંજૂર કરવાના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.