
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યમાંથી અત્યાર સુધીમાં 4,800 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત મોકલવામાં આવ્યા છે, જ્યારે 836 લોકો હજુ ડિપોર્ટેશનની રાહ જોઈ રહ્યા છે. ભાજપની વિશેષ તાલીમ શિબિરની તૈયારી બેઠકને સંબોધતાં તેમણે જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી અને ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે.
શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે CAAના દાયરામાં ન આવતા ગેરકાયદે ઘૂસણખોરોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ સીધા BSFને સોંપવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉની TMC સરકારે આવા લોકો સામે જરૂરી કાર્યવાહી ન કરતા તેમને રાજ્યની સુવિધાઓમાં રાખવામાં આવતા હતા. તેમના જણાવ્યા અનુસાર સરહદી જિલ્લાઓમાં બનાવાયેલા હોલ્ડિંગ સેન્ટરોમાંથી અત્યાર સુધીમાં 4,800 લોકોને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે હજુ ફેન્સિંગમાં બાકી રહેલા 556 કિમીના સરહદી વિસ્તાર પૈકી લગભગ 100 કિમી માટે BSFને જમીન સોંપી દીધી છે. ખાસ કરીને ઉત્તર બંગાળના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન્સ નેક’ તરીકે ઓળખવામાં આવે છે, તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ દાવો કર્યો કે બાંગ્લાદેશી ઘૂસણખોરી અને રાજ્યમાં થઈ રહેલા ડેમોગ્રાફિક પરિવર્તનો તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓ પૈકીના હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં ઘરે-ઘરે સરવે હાથ ધરવામાં આવશે, જે આગામી વસ્તી ગણતરી પ્રક્રિયાનો ભાગ હશે. તેમના જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થયા બાદ ડિલિમિટેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

