અભિષેક બેનર્જીના નજીકના TMC નેતા જહાંગીર ખાનની STFએ કરી ધરપકડ, ચૂંટણી હિંસા અને મતદારોને ધમકાવવા સહિતના કેસોમાં હતો વૉન્ટેડ

પશ્ચિમ બંગાળ STFએ TMC નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર તેને નેપાળ સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ ફાલ્ટા વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન હિંસા અને અન્ય અનેક કેસ નોંધાયેલા હતા. જહાંગીર ખાન 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફાલ્ટા બેઠક પરથી TMCનો ઉમેદવાર હતો. ચૂંટણી દરમિયાન તેના નામે વિવાદો, મતદારોને ધમકાવવાના આરોપો અને હિંસાના આક્ષેપો ચર્ચામાં રહ્યા હતા. આ ઉપરાંત જહાંગીર અભિષેક બેનર્જીનો નજીકનો માણસ પણ હતો.

ચૂંટણી પંચે ફાલ્ટામાં અનિયમિતતાઓના આરોપો બાદ ફરી મતદાન પણ કરાવ્યું હતું. જહાંગીર ખાને બાદમાં ઉમેદવારીમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ તેની સામેના કેસો યથાવત રહ્યા હતા. હાલ STF તેની પૂછપરછ કરી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

જહાંગીર ખાન સામે ફાલ્ટા બેઠકની ચૂંટણી દરમિયાન હિંસા, મતદારોને ધમકાવવા, બૂથ કબજાના આરોપો અને અન્ય અનેક FIR નોંધાઈ હતી. STFએ તેને ફાલ્ટા ચૂંટણી હિંસા કેસોમાં વોન્ટેડ હોવાનું જણાવ્યું છે.