ટ્રમ્પની શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી સળગ્યું મિડલ-ઈસ્ટ: ઈરાને ઇઝરાયેલ પર વરસાવી બેલિસ્ટિક મિસાઈલો, વળતા પ્રહારમાં તેહરાન સુધી સંભળાયા ભડાકા

પશ્ચિમ એશિયામાં થોડા સમયની શાંતિ બાદ ફરીથી યુદ્ધના બ્યુગલો વાગવા લાગ્યા છે. થોડા દિવસ પહેલાં ચાલેલ યુદ્ધવિરામનો અંત આવ્યો છે અને ઈરાન અને ઇઝરાયેલ સામસામે આવી ગયા છે અને એકબીજા પર સીધા મિસાઈલ હુમલા કરી રહ્યા છે. આ ઘટનાક્રમથી આખી દુનિયા ચિંતિત બની છે કારણ કે આ યુદ્ધની અસર માત્ર આ બે દેશો પૂરતી સીમિત નથી, પણ વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે.

આ હુમલાની શરૂઆત ઈરાને કરી હતી. ઈરાને ઉત્તરી ઇઝરાયેલમાં આવેલા એક મહત્વના એરબેઝ ‘રામત ડેવિડ’ને નિશાન બનાવીને 11થી વધુ મોટી બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. ઈરાનની સેનાએ ખુલ્લેઆમ આ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે લેબનોન તેમજ અન્ય વિસ્તારોમાં ઇઝરાયેલ જે હુમલા કરી રહ્યું છે, આ તેનો બદલો છે.

ઈરાનના આ અચાનક હુમલાના કારણે ઇઝરાયેલના મોટાભાગના શહેરોમાં ખળભળાટ મચી ગયો હતો. તેલ અવીવ અને જેરૂસલેમ જેવા મુખ્ય શહેરોમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા હતા. ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે દેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

ઇઝરાયેલની ચેતવણી

ઈરાનના આ પગલાંથી ઇઝરાયેલે પણ વળતો પ્રહાર કર્યો છે. ઇઝરાયેલના નેતાઓએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે ઈરાને આ હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે અને તેની આકરી કિંમત ચૂકવવી પડશે. આ ધમકીના થોડા જ સમયમાં ઈરાનમાં પણ બૉમ્બમારો શરૂ કરી દીધો હતો.

ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત ઈસ્ફાહાન અને તબરીઝ જેવા મોટા શહેરોમાં આવેલાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં હતાં. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ હવામાંથી છોડી શકાય તેવી શક્તિશાળી મિસાઈલો વડે આ હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈરાને પોતાના મુખ્ય એરપોર્ટની આસપાસની હવાઈ સરહદો બંધ કરી દીધી છે જેથી કોઈ નાગરિક વિમાન તેનો ભોગ ન બને.

સૌથી મોટી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ સમજૂતી (Peace Deal) કરાવવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા હતા. ટ્રમ્પે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન પર સ્પષ્ટ શબ્દોમાં હુમલો ન કરવા કહ્યું હતું. ટ્રમ્પનું માનવું હતું કે તેઓ વાતચીત દ્વારા આ વિવાદ ઉકેલી લેશે, પરંતુ ઇઝરાયેલે અમેરિકાની આ સલાહને અવગણીને હુમલો કરી દીધો.

ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ મામલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે નેતન્યાહુને ચેતવણી આપતા કહ્યું કે આ યુદ્ધમાં આખરી નિર્ણયો અમેરિકા લેશે, ઇઝરાયેલ નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે જો ઈરાન શાંતિ વાર્તા માટે તૈયાર નહીં થાય તો તેઓ તેને બરબાદ કરી દેશે, પરંતુ અત્યારે ઇઝરાયેલે લીધેલા પગલાંથી ટ્રમ્પની શાંતિ યોજના જોખમમાં મૂકાઈ ગઈ છે.

આ યુદ્ધને હવે 100થી વધુ દિવસો થઈ ચૂક્યા છે. અગાઉ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઇનાં મોતના સમયથી જ આ વિસ્તાર સળગી રહ્યો છે. હાલમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીની સરહદો સંપૂર્ણપણે સીલ કરી દીધી છે, જેથી ત્યાં ખાવા-પીવાની સામગ્રી કે તબીબી સહાય પણ પહોંચી શકતી નથી. બીજી તરફ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ ઇઝરાયેલના હુમલા સતત ચાલુ છે.

આ યુદ્ધની સીધી અને મોટી અસર ભારત સહિત આખી દુનિયાના ખિસ્સા પર પડવાની છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. જો આ સંઘર્ષ વહેલી તકે નહીં અટકે તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભારે માત્રામાં વધશે એવી આશંકાઓ સેવાઈ રહી છે.