
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે ₹226 કરોડથી વધુના ક્રિપ્ટો-ટેરર ફંડિંગ નેટવર્કની તપાસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ નેટવર્કના તાર આતંકી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ અને ડાર્ક વેબ આધારિત નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા હોવાની શંકા છે.
નવી ધરપકડો બાદ આ કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે ક્રિપ્ટોકરન્સી મારફતે થતી શંકાસ્પદ ફંડિંગની તપાસ દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કરવામાં આવેલા બ્લોકચેઇન વિશ્લેષણમાં એક આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્ક સામે આવ્યું હોવાનું અધિકારીઓનું કહેવું છે. આ નેટવર્કનો ઉપયોગ ડાર્ક વેબ પરના ડ્રગ્સના વેપારથી મળેલી રકમને ધોવા (મની લોન્ડરિંગ) અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ભાવનગરના 23 વર્ષીય હાદિરાજા સરાણી અને 36 વર્ષીય મોહમંદ જમીન અબ્બાસઅલી જિગર તરીકે કરી છે. તપાસ અનુસાર બંને આરોપીઓએ સબ્બીર અલી સરાણીના KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને બિનાન્સ (Binance) પર એક વૉલેટ બનાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને 5,000 USDT પ્રાપ્ત થયા હતા, જેને તપાસમાં ‘ડર્ટી ક્રિપ્ટો’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ રકમ એવા વૉલેટ્સમાંથી અનેક સ્તરોમાં ટ્રાન્ઝેક્શન કરીને મોકલવામાં આવી હતી, જે પ્રતિબંધિત અથવા શંકાસ્પદ નેટવર્ક્સ સાથે જોડાયેલા હોવાની શંકા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ નાણાંને વિવિધ માર્ગોથી ફેરવીને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં.
આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં સંગઠિત ગુનાખોરી, ગુનાહિત ષડ્યંત્ર, સાયબર છેતરપિંડી અને ઓળખ સંબંધિત ગુનાઓની કલમોનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસનું કહેવું છે કે સમગ્ર કેસની તપાસ હજુ ચાલુ છે અને ક્રિપ્ટોકરન્સી મારફતે આતંકી ફંડિંગ તથા અન્ય ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્ક્સ સાથે સંકળાયેલા વધુ લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

