ભાજપ છોડી અન્નામલાઈએ શરૂ કર્યું રાજકીય આંદોલન, ‘વી ધ લીડર્સ’ રાખ્યું નામ: આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ગરમાવો આવી ગયો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપ સાથે છેડો ફાડીને એક નવા રાજકીય સફરની જાહેરાત કરી દીધી છે. તેમણે ‘વી ધ લીડર્સ’ (We The Leaders) નામના એક નવા રાજકીય આંદોલનની શરૂઆત કરી છે. અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આ સંગઠન એક સત્તાવાર રાજકીય પક્ષ બનશે અને તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે.

અન્નામલાઈએ 5 જૂન 2026ના રોજ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે તેમનો હેતુ માત્ર એક નવો પક્ષ બનાવવાનો નથી, પરંતુ રાજકારણ માટે પ્રમાણિક અને નવા નેતાઓ તૈયાર કરવાનો છે. આ માટે તેઓ ‘APJ અબ્દુલ કલામ સેન્ટર ફોર એથિક્સ એન્ડ પોલિટિક્સ’ની સ્થાપના પણ કરવા જઈ રહ્યા છે.

પંચાયતથી લઈને વિધાનસભા ચૂંટણી સુધીની તૈયારી

અન્નામલાઈએ પોતાના સમર્થકોને આ નવા આંદોલન સાથે જોડાવા અપીલ કરી છે અને આ માટે સદસ્યતા અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સંગઠનના કાર્યકરોને સૌથી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ પૂરી તૈયારી સાથે પક્ષ વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

તમિલનાડુની પ્રાદેશિક રાજનીતિ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અહીં હંમેશા તમિલ અને ભારતીય ઓળખને એકબીજાની વિરોધી બતાવવામાં આવી છે, જે ખોટું છે. તેમણે પોતાને ‘ભારતીય ઓળખ ધરાવતા એક ગર્વિત તમિલ’ ગણાવ્યા હતા અને તેઓ તમિલનાડુના હિતોની રક્ષા સાથે દેશના વિકાસમાં રાજ્યને સૌથી આગળ લઈ જવા માંગે છે.

ભાજપથી કેમ અલગ થયા રસ્તા?

ભાજપથી અલગ થવાના કારણ અંગે ખુલાસો કરતાં પૂર્વ IPS અધિકારી અન્નામલાઈએ સ્વીકાર્યું કે છેલ્લા 18 મહિનાથી ઘણા મુદ્દાઓ પર તેમના અને ભાજપ વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. તેમણે ઘણા સમય પહેલાં જ પક્ષના હાઈકમાન્ડને પોતાના આ નિર્ણય વિશે જાણ કરી દીધી હતી. જોકે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પૂરો આદર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ માત્ર તમિલનાડુના હિતો માટે આ અલગ રસ્તો પસંદ કરી રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંત સાથે જોડાયેલો મોટો ખુલાસો

યુવાનોને રાજકારણમાં લાવવા પર સૌથી વધુ ભાર મૂકતા અન્નામલાઈએ વર્ષ 2020નો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે 2020માં ભાજપમાં જોડાયા તે પહેલાં સુપરસ્ટાર રજનીકાંતે તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને પોતાની સાથે આવવા સૂચન કર્યું હતું. જોકે તે સમયે તેમણે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો, પણ રજનીકાંતનું તેઓ આજે પણ એટલું જ સન્માન કરે છે.