હોમપેજદેશઝારખંડ અને છત્તીસગઢમાં ધર્માંતરણનો વધતો પ્રભાવ, ગુજરાત પણ નથી બાકાત: ડેમોગ્રાફી ચેન્જ...

ઝારખંડ અને છત્તીસગઢમાં ધર્માંતરણનો વધતો પ્રભાવ, ગુજરાત પણ નથી બાકાત: ડેમોગ્રાફી ચેન્જ વચ્ચે કેમ ઉઠી રહી છે ધર્માંતિરત આદિવાસીઓના ‘ડીલિસ્ટિંગ’ની માંગ?

ગુજરાત સરકારે પ્રલોભન, બળજબરી કે છેતરામણીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. તેમ છતાં કાયદાની છટકબારીઓ શોધીને આદિવાસીઓને ધર્મ બદલવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને કાગળ પર તેઓ હિંદુ નામ જ ચાલુ રાખે છે જેથી અનામતનો લાભ ન જાય. તેને જનજાતિ સંગઠનો 'છૂપું ધર્માંતરણ' તરીકે ઓળખાવે છે.

- Advertisement -

હમણાંથી ઝારખંડ અને છત્તીસગઢ સહિત ભારતનાં અનેક આદિવાસી બહુલ રાજ્યોમાં ડેમોગ્રાફી ચેન્જ, ધર્માંતરણ અને આદિવાસી ઓળખને લઈને એક સામાજિક-રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને પણ આદિવાસી વિસ્તારોમાં વધી રહેલી ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ, ઘૂસણખોરી અને તેના કારણે મૂળ જનજાતીય સંસ્કૃતિ પર આવી પડેલા સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ચર્ચાના કેન્દ્રમાં અત્યારે સૌથી મોટો મુદ્દો છે–‘ડીલિસ્ટિંગ’ (Delisting), એટલે કે ધર્મ પરિવર્તન કરી ચૂકેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી બહાર કરવા અને તેમને મળતા અનામતના લાભો બંધ કરવા.

ઝારખંડ-છત્તીસગઢમાં ડેમોગ્રાફીનું સંકટ

ઝારખંડ અને છત્તીસગઢમાં આદિવાસી વસ્તીનો આંકડો સતત ઘટી રહ્યો હોવાના સરકારી આંકડા સામે આવ્યા છે, જેના કારણે ડેમોગ્રાફીનો ભય કોઈ કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, ઝારખંડમાં જનજાતિઓની કુલ સંખ્યા આશરે 86.45 લાખ હતી, જે રાજ્યની કુલ વસ્તીના લગભગ 26.2% થાય છે. સમગ્ર દેશની વાત કરીએ તો આદિવાસીઓની વસ્તી અંદાજે 10.45 કરોડ છે, જે દેશની કુલ વસ્તીના 8.6% છે. ઝારખંડમાં સંથાલ, ઉરાંવ, મુંડા, કોલ, માહલી અને હો જેવી 32 જેટલી પ્રમુખ જનજાતિઓ વસે છે, જેમાં સંથાલ સૌથી મોટી જનજાતિ છે.

સ્વતંત્રતાના સમયથી લઈને અત્યાર સુધીના આંકડાઓની તુલના કરીએ તો ઝારખંડના ગઠન વખતે આદિવાસીઓનો જે વસ્તી ગુણોત્તર હતો તે ઘટીને હવે માત્ર 26%ની આસપાસ આવી ગયો છે. તેનાથી વિપરિત, ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિ દર સામાન્ય કરતાં ઘણો ઊંચો રહ્યો છે. સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને આંતરિક વિસ્તારોમાં જો આ જ રીતે ધર્માંતરણ ચાલુ રહેશે તો આગામી થોડા દાયકાઓમાં આદિવાસી સમાજ પોતાની જ ભોમકા પર લઘુમતી બની જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

- Advertisement -

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઐતિહાસિક અને સામાજિક સંદર્ભ આપતાં જણાવ્યું છે કે, ઝારખંડમાં હજારો વર્ષોથી પ્રકૃતિ પૂજક આદિવાસીઓ અને સનાતનીઓ વચ્ચે અત્યંત ગાઢ અને આત્મીય સંબંધ રહ્યો છે. બંને સમુદાયો સદીઓથી એક જ ગામમાં ભાઈચારા સાથે રહેતા આવ્યા છે. સનાતન ધર્મે ક્યારેય આદિવાસીઓની મૂળ ઓળખ, પૂજા પદ્ધતિ કે પરંપરાઓને ભૂંસવાનો પ્રયાસ નથી કર્યો.

આદિવાસી સમુદાયમાં જન્મ, નામકરણ, લગ્ન અને મૃત્યુ જેવા તમામ મહત્વના પડાવો પર પરંપરાગત સામાજિક પ્રક્રિયાઓ માંઝી પરગણા, નાયકે, પહાન, માનકી કે પઢા રાજા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આ પ્રસંગોએ મરાંગ બુરુ અને સિંગબોંગાની પૂજા થાય છે. પરંતુ 18મી શતાબ્દીમાં આવેલા મિશનરીઓએ આ વ્યવસ્થાને ઘણી હદ સુધી પ્રભાવિત કરી છે. ધર્માંતરણના કારણે પરંપરાગત સ્થાનો પ્રત્યે આસ્થા ઓછી થઈ છે અને ગામડાંમાં નવાં ચર્ચ ઊભાં થયાં છે.

સંથાલ પરગણામાં ઘૂસણખોરી અને ‘લેન્ડ જેહાદ’નું સંકટ

ઝારખંડનો સરહદી વિસ્તાર, ખાસ કરીને સંથાલ પરગણા જેમાં સાહિબગંજ, પાકુર, દુમકા અને જામતારા જેવા જિલ્લાઓ આવે છે, તે હાલમાં ભારે સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના (NCST) અહેવાલો દર્શાવે છે કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો આ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા છે. તેઓ સ્થાનિક આદિવાસી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને નિકાહ કરે છે. આ નિકાહ પાછળનો મુખ્ય હેતુ આદિવાસીઓ માટે આરક્ષિત રહેલી જમીનો અને રાજકીય સત્તા પર કબજો મેળવવાનો છે.

ઝારખંડમાં આદિવાસીઓની જમીનનું રક્ષણ કરવા માટે ‘છોટાનાગપુર ટેનન્સી એક્ટ’ (CNT) અને ‘સંથાલ પરગણા ટેનન્સી એક્ટ’ (SPT) જેવા કડક કાયદા અમલમાં છે, જેના અંતર્ગત કોઈ બિન-આદિવાસી વ્યક્તિ આદિવાસીની જમીન ખરીદી શકતી નથી. ઘૂસણખોરો આ કાયદાની છટકબારી શોધીને આદિવાસી મહિલાઓ સાથે નિકાહ કરી લે છે અને દસ્તાવેજોમાં પત્નીનું નામ આગળ ધરીને જમીનો પોતાના હસ્તક કરી લે છે. એટલું જ નહીં પંચાયતની ચૂંટણીઓમાં આ અનામત બેઠકો પર પોતાની આદિવાસી પત્નીઓને ઉમેદવાર તરીકે ઊભી રાખીને તેઓ સ્થાનિક સ્તરે રાજકીય સત્તા અને વહીવટી પ્રભાવ પણ મેળવી રહ્યા છે.

ડેમોગ્રાફી ચેન્જ માત્ર કાગળ પર નથી, પરંતુ જમીની સ્તરે મજહબી સ્થળો પર પણ દેખાઈ રહ્યો છે. આદિવાસી સમુદાયો હજારો વર્ષોથી પ્રકૃતિ પૂજક રહ્યા છે અને તેમના પવિત્ર સ્થાનોને જાહેરસ્થાન, સરના સ્થળ, દેશાઉલી કે માંઝી થાન કહેવામાં આવે છે. તાજેતરમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે આ પવિત્ર સરના સ્થળોની આસપાસ રાતોરાત ગેરકાયદેસર કબર, મજારો અને મસ્જિદો ઊભી કરી દેવામાં આવે છે. વારંવાર આક્ષેપો લાગ્યા છે સરકારી અને આદિવાસીઓની અનામત જમીનો પર કબજો જમાવવા માટે સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની પણ મિલીભગત છે.

ખ્રિસ્તી મિશનરીઓનું સુનિયોજિત નેટવર્ક અને ‘જોશુઆ પ્રોજેક્ટ’

બીજી તરફ, આંતરિક અને પછાત વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ ખૂબ જ સુનિયોજિત રીતે ધર્માંતરણનું નેટવર્ક ચલાવી રહ્યા છે. અમેરિકન સંગઠન ‘જોશુઆ પ્રોજેક્ટ’ (Joshua Project) અને અન્ય વિદેશી ફન્ડિંગ મેળવતી સંસ્થાઓ ગરીબ આદિવાસીઓને મફત શિક્ષણ, તબીબી સારવાર અને અંધશ્રદ્ધા ફેલાવતા ‘ચમત્કારો’ની લાલચ આપીને ભ્રમિત કરે છે.

જોશુઆ પ્રોજેક્ટના ડેટા અનુસાર, તેમની પાસે ભારતની 2,272 જાતિઓનો સંપૂર્ણ ડેટા છે, જેમાંથી તેઓ 103 જાતિઓમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ સ્થાપી ચૂક્યા છે અને 128 જનજાતિ જૂથોમાં મોટા પાયે ઘૂસણખોરી કરી ચૂક્યા છે. તેલંગાણાના મડિગા અને માલા સમુદાયના ધર્માંતરિત લોકોને તેમણે ‘આદિ ક્રિશ્ચિયન’ જેવું નવું નામ આપીને આદિવાસી તરીકેનો લાભ ચાલુ રખાવ્યો છે.

જ્યારે આખો દેશ કોરોના મહામારી અને લોકડાઉનની પીડા ભોગવી રહ્યો હતો ત્યારે મિશનરીઓએ આપત્તિને અવસરમાં બદલી નાખી હતી. બાઇબલનો વિવિધ ભાષાઓમાં અનુવાદ કરતી સંસ્થા ‘અનફોલ્ડિંગ વર્લ્ડ’ના CEO ડેવિડ રીવ્સે પોતે ખુલાસો કર્યો હતો કે લોકડાઉન દરમિયાન જ્યારે લોકો લાચાર હતા ત્યારે ફોન, વોટ્સએપ અને ડિજિટલ માધ્યમોથી હોમ-પ્રેયર્સ આયોજિત કરીને આશરે 1 લાખ લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.

આંકડા દર્શાવે છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવાં રાજ્યોમાં વર્ષ 2011-12માં જે ચર્ચોની સંખ્યા આશરે 12,000 હતી, તે એકલા કોરોના કાળ અને તેના પછીના વર્ષોમાં અકુદરતી રીતે વધીને 25,000ને પાર થઈ ગઈ છે. સંથાલ પરગણામાં ખ્રિસ્તી વસ્તી માત્ર 0.18% હતી, જે આજે 5%થી વધુ થઈ ગઈ છે, જેના કારણે સરહુલ અને કરમા જેવા પરંપરાગત તહેવારોની જગ્યાએ ચર્ચ સંસ્કૃતિ હાવી થઈ રહી છે.

ઝારખંડમાં મિશનરી પ્રવૃત્તિઓનો 180 વર્ષ જૂનો ઇતિહાસ

ઝારખંડમાં ખ્રિસ્તી મિશનરીઓનો ઇતિહાસ ઘણો જૂનો છે, જેની શરૂઆત 1845માં થઈ હતી જ્યારે રેવરેન્ડ ફાધર ગોસ્નરના નેતૃત્વમાં જર્મનીથી ચાર મિશનરીઓ રાંચી આવ્યા હતા. તેમણે મુંડા, ઉરાંવ અને સંથાલ જનજાતિઓને નિશાન બનાવી સેવાના બહાને ધર્માંતરણ શરૂ કર્યું. ત્યારબાદ 1868માં કેથોલિક (જેસુઈટ) અને 1869માં એંગ્લિકન SPG મિશનરીઓ સક્રિય થયા.

ત્યારબાદ 1885માં ફાધર કોન્સ્ટન્ટ લિવેન્સના આવ્યા પછી આ પ્રક્રિયા ઝડપી બની. 1873માં પશ્ચિમી સિંહભૂમના ખુંટપાની ખાતે 6 મુંડા પરિવારોના 25 લોકોનું આર્ક બિશપ દ્વારા બપ્તિસ્મા કરાયું હતું. આજે પણ ત્યાં એક શિલાલેખ છે અને દર વર્ષે 8 નવેમ્બરે વિશાળ ‘તીર્થ મેળો’ ભરાય છે, જેમાં વિદેશી રોમન કેથોલિકો પણ મોટી સંખ્યામાં આવે છે.

છત્તીસગઢમાં ‘મસીહી મેળાઓ’ અને જશપુરની બદલાયેલી સ્થિતિ

ઝારખંડ જેવી જ સ્થિતિ છત્તીસગઢમાં પણ જોવા મળે છે. મુંગેલી જિલ્લામાં શિવનાથ નદીની વચ્ચે આવેલો પવિત્ર ‘મદકૂ દ્વીપ’, જ્યાં માંડૂક્ય ઋષિએ મુંડકોપનિષદની રચના કરી હતી જેમાંથી આપણું રાષ્ટ્રીય સૂત્ર ‘સત્યમેવ જયતે’ લેવાયું છે, ત્યાં વર્ષ 1909થી દર વર્ષે ફેબ્રુઆરીમાં અઠવાડિયા સુધી ચાલતો વિશાળ ‘મસીહી મેળો’ યોજાય છે.

છત્તીસગઢના જશપુર જિલ્લાના ખડકોના ગામમાં 21 નવેમ્બર 1906ના રોજ 56 લોકોનું સામૂહિક બાપ્તિસ્મા કરાયું હતું. આજે સ્થિતિ એ છે કે જશપુર જિલ્લાનો દર ચોથો વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યો છે. દિલિપ સિંઘ જુદેવના રાજપરિવાર દ્વારા ચલાવવામાં આવેલા ‘ઘર વાપસી’ અભિયાન છતાં મિશનરીઓએ રૂપિયા અને વહીવટી વગના જોરે અહીંની આખી ડેમોગ્રાફી બદલી નાખી છે.

PESA એક્ટ અને આદિવાસી સમાજનો આક્રોશ

મિશનરીઓની આ આક્રમક પ્રવૃત્તિઓ સામે હવે પરંપરાગત આદિવાસીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના કારણે છત્તીસગઢના બસ્તર, સુકમા અને જગદલપુર જેવા વિસ્તારોમાં હિંસક અથડામણો વધી છે. પોતાની સંસ્કૃતિ બચાવવા માટે બસ્તર ડિવિઝનના અનેક આદિવાસી ગામોએ બંધારણીય ‘PESA એક્ટ’ (પંચાયત વિસ્તારોમાં અનુસૂચિત ક્ષેત્રોનો વિસ્તાર કાયદો) હેઠળ પોતાની સ્વાયત્તતાનો ઉપયોગ શરૂ કર્યો છે.

ગામોના પાદરે મોટા બોર્ડ લગાવી દેવાયાં છે કે, ‘ગામની ગ્રામસભાની પરવાનગી વગર કોઈ પણ વિદેશી ધર્મના પ્રચારકે કે ખ્રિસ્તી પાદરીએ ગામમાં પ્રવેશ કરવો નહીં કે સભા કરવી નહીં.’ આ જ કારણે અત્યારે ‘ડીલિસ્ટિંગ’ એટલે કે ધર્મ બદલનારાઓને ST અનામતમાંથી બહાર કરવાની માંગ આ બંને રાજ્યોમાં ખૂબ જ તીવ્ર બની છે.

શું છે ‘ડીલિસ્ટિંગ’નો વિવાદ?

વર્તમાન સમયમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની પ્રક્રિયાની વચ્ચે જનજાતીય સમુદાયોમાં આ ચર્ચા તીવ્ર બની છે. RSS સંલગ્ન આદિવાસી સંગઠન ‘જનજાતિ સુરક્ષા મંચ’ (JSM) અને ‘અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ’ દ્વારા નવી દિલ્હીમાં 24 મે 2026ના રોજ એક વિશાળ રેલીનું (જનજાતિ સાંસ્કૃતિક સંગમ) આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 મે 2026ના રોજ આ સંગઠનના પ્રતિનિધિ મંડળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને એક આવેદનપત્ર સોંપ્યું હતું.

ડીલિસ્ટિંગની વ્યાખ્યા: ડીલિસ્ટિંગ એટલે કે જે આદિવાસી વ્યક્તિ પોતાનો મૂળ પરંપરાગત કે કુદરતી ધર્મ (જેમ કે સરના ધર્મ અથવા એનિમીઝમ) છોડીને ખ્રિસ્તી કે ઇસ્લામ અંગીકાર કરી લે છે તેને બંધારણના આર્ટિકલ 342 હેઠળ મળતા અનુસૂચિત જનજાતિના (ST) દરજ્જામાંથી બહાર (Delist) કરી દેવા.

બેવડો લાભ: ડીલિસ્ટિંગની માંગ કરનારા આદિવાસીઓનો તર્ક છે કે ધર્મ પરિવર્તન કરનારા લોકો લઘુમતી બની જાય છે. બંધારણના અનુચ્છેદ 30 હેઠળ લઘુમતી શિક્ષણ સંસ્થાઓ અને અન્ય સુવિધાઓનો લાભ મેળવે છે. પરંતુ સાથે સાથે તેઓ આદિવાસી હોવાનો દાવો કરીને સરકારી નોકરીઓ, શિક્ષણ અને રાજકીય અનામત બેઠકો પર પણ ચૂંટણી લડે છે. આનાથી જે મૂળ આદિવાસીઓ છે, જેઓ પોતાની પરંપરાઓ જાળવી રાખી રહ્યા છે, તેમના હકો છીનવાઈ જાય છે.

સંસ્કૃતિનો નાશ: ધર્મ બદલ્યા પછી વ્યક્તિ પોતાની આદિવાસી પરંપરાઓ, રૂઢિઓ અને તહેવારો છોડી દે છે, જેથી તે આદિવાસી તરીકેની વ્યાખ્યામાં બંધબેસતો નથી.

બાબા કાર્તિક ઉરાંવનો ઐતિહાસિક વારસો

આ મુદ્દાના મૂળિયા 1960ના દાયકામાં આદિવાસી નેતા અને ઇન્દિરા ગાંધી સરકારમાં મંત્રી રહેલા બાબા કાર્તિક ઉરાંવ સુધી જાય છે. 1962ની લોકસભા ચૂંટણી હાર્યા બાદ તેમણે પટના હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમના ખ્રિસ્તી બનેલા હરીફ ઉમેદવાર આદિવાસી ન ગણાય. પરંતુ ત્યારે પટના હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે “ઉરાંવ એ મુખ્યત્વે એક વંશીય અને આદિવાસી ઓળખ છે, ધર્મ નહીં.” ખ્રિસ્તી ઉરાંવ પણ પોતાના ગોત્ર અને સામાજિક રિવાજો પાળે છે, તેથી તેઓ આદિવાસી જ રહેશે.

ત્યારબાદ 1967માં કાર્તિક ઉરાંવના પ્રયાસોથી સંસદીય સંયુક્ત સમિતિએ (JPC) 17 નવેમ્બર 1969ના રોજ ભલામણ કરી હતી કે ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા આદિવાસીઓને ST યાદીમાંથી બહાર કરવા જોઈએ, પરંતુ તત્કાલીન સરકારે આ બિલ પાસ થવા દીધું નહીં. કાર્તિક ઉરાંવના પુસ્તક ‘બીસ વર્ષ કી કાલી રાત’માં પણ તેમણે આદિવાસીઓના હકોની વહેંચણી સમાન રીતે થાય તે માટે ખ્રિસ્તી બનેલા લોકોને અનામત ન આપવાની હિમાયત કરી હતી.

ગુજરાતમાં ‘ડીલિસ્ટિંગ’ની માંગ અને વર્તમાન સ્થિતિ

ઝારખંડની જેમ જ પશ્ચિમ ભારતના અગત્યના આદિવાસી બહુલ રાજ્ય એવા ગુજરાતમાં પણ સમયાંતરે ડીલિસ્ટિંગની માંગ જોર પકડતી રહી છે. ગુજરાતના પૂર્વ પટ્ટીના જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટી આદિવાસી વસ્તી વસે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લામાં મિશનરીઓની સક્રિયતા છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ વધી છે. ડાંગ જેવા 100% આદિવાસી જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય જેવા સેવાકાર્યોના નામે મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. ત્યાં પણ ગામડેગામડે પ્રાર્થના હોલ અને ચર્ચો ઊભા થઈ ગયા છે, જેના કારણે પરંપરાગત પ્રકૃતિ પૂજા જેમ કે વાઘદેવ, નાગદેવ, કણસરી માતાની પૂજા ઓછી થઈ રહી છે.

ગુજરાતમાં ઉઠેલી રેલીઓ અને આંદોલનો

ગુજરાતમાં પણ ‘જનજાતિ સુરક્ષા મંચ’એ આદિવાસી બહુલ જિલ્લા મથકોએ વિશાળ રેલીઓ, સંમેલનો અને ધરણા પ્રદર્શનો કર્યા છે. જેમાં માંગ કરવામાં આવી છે કે ધર્માંતરિત ખ્રિસ્તીઓ આદિવાસીના નામે વિધાનસભાની અનામત બેઠકો જીતી જાય છે અને સરકારી નોકરીઓ પચાવી પાડે છે, જેના પર રોક લાગવી જોઈએ.

ગુજરાત સરકારે પ્રલોભન, બળજબરી કે છેતરામણીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. તેમ છતાં કાયદાની છટકબારીઓ શોધીને આદિવાસીઓને ધર્મ બદલવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને કાગળ પર તેઓ હિંદુ નામ જ ચાલુ રાખે છે જેથી અનામતનો લાભ ન જાય. તેને જનજાતિ સંગઠનો ‘છૂપું ધર્માંતરણ’ તરીકે ઓળખાવે છે.

ગુજરાતના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે જે વ્યક્તિ ચર્ચમાં જાય છે અને ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કે અંતિમ સંસ્કાર કરે છે, તે આદિવાસી ભીલ, ચૌધરી, ગામીત, કુકણા કે વસાવા સંસ્કૃતિને છોડી દેય છે. તેથી તેને આદિવાસી કોટા હેઠળ મળતા 7% કે 14% અનામતનો લાભ આપવો એ અપ્રમાણિકતા છે.

ધર્માંતરણ અને ડીલિસ્ટિંગનો આ મુદ્દો માત્ર કોઈ એક રાજકીય પક્ષ કે વોટબેંક પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતના મૂળ આદિવાસી સમાજની ઓળખ અને અસ્મિતા સાથે જોડાયેલો ગંભીર સામાજિક પ્રશ્ન છે. ભગવાન બિરસા મુંડા, સિદ્ધુ-કાન્હૂ અને ટાંટિયા ભીલ જેવા મહાપુરુષોએ જે સંસ્કૃતિ, જલ-જંગલ-જમીન અને પરંપરાઓની રક્ષા માટે બલિદાનો આપ્યાં હતાં, તે વારસો જો ધર્માંતરણના કારણે લુપ્ત થઈ જશે, તો કાગળો પર કાયદા હોવા છતાં જમીન પર મૂળ આદિવાસી સંસ્કૃતિ બચશે નહીં.

જો બંધારણના આર્ટિકલ 342માં સંશોધન કરીને ડીલિસ્ટિંગ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મૂળ રીત-રિવાજોને વળગી રહેનારા ગરીબ અને ભોળા આદિવાસીઓ પોતાના જ અધિકારોથી વંચિત રહી જશે, જ્યારે સંસાધનોથી સમૃદ્ધ બનેલો ધર્માંતરિત વર્ગ તમામ લાભો લઈ જશે. આ વિસંગતતા દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે એક સ્પષ્ટ અને સર્વગ્રાહી નીતિ ઘડવી અત્યંત આવશ્યક બની ગઈ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં