સોશિયલ મીડિયા પર ઘણીવાર માત્ર એક પોસ્ટ આખા દેશમાં રાજકીય હોબાળો ઉભો કરી દેતી હોય છે. પહેલાં ભાવનાત્મક આરોપ મૂકાય, પછી તેના આધારે આઉટરેજ ઉભો થાય, પછી મીડિયા ચર્ચા શરૂ કરે અને ત્યારબાદ લોકો માની લે કે જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય જ હશે. છેલ્લા કેટલાક દિવસોથી ‘કોકરોચ જનતા પાર્ટી’ને લઈને બરાબર આવું જ કંઈક થતું જોવા મળી રહ્યું છે.
અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દિપકેએ (પોતાને ‘કોકરોચ જનતા પાર્ટી’નો સ્થાપક ગણાવે છે) 23 મેના રોજ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ભારત સરકારે તેની વેબસાઇટ બંધ કરાવી દીધી છે. દિપકેએ દાવાને માત્ર ટેક્નિકલ સમસ્યા તરીકે રજૂ નહોતો કર્યો, પરંતુ તેને સીધો ‘સરકાર યુવાઓના અવાજથી ડરી ગઈ છે’ જેવા રાજકીય નેરેટિવ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. તેણે લખ્યું કે સરકાર ‘કોકરોચોથી ડરી ગઈ છે’ અને તેની એકમાત્ર ભૂલ એ હતી કે તે ‘સારા ભવિષ્યની માંગ’ કરી રહ્યો હતો.
The government has taken down our iconic website – https://t.co/l6i6Ry8h5S.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
10 Lakh cockroaches had signed up on our website has members.
6 Lakh cockroaches had signed a petition to demand the resignation of Dharmendra Pradhan.
Why is the government so scared of cockroaches?…
આ દાવો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો. ઘણા એજન્ડાબાજ અકાઉન્ટ્સે તેને ‘ફ્રી સ્પીચ પર હુમલો’ ગણાવ્યો. કેટલીક ટોળકીએ તેને ‘સરકારી ક્રેકડાઉન’ અને ‘સેન્સરશિપ’ કહીને રજૂ કરવાનું શરૂ કર્યું. અમુક મીડિયા પોર્ટલ્સે પણ લગભગ એ જ ભાષામાં સમાચારો ચલાવ્યા કે જાણે સરકારે કોઈ મોટું રાજકીય સંગઠન દબાવી દેવા કાર્યવાહી કરી હોય. પરંતુ સમસ્યા એ છે કે ઇન્ટરનેટ માત્ર ભાવનાત્મક ભાષા પર નહીં, પરંતુ ડેટા પર ચાલે છે અને જ્યારે વેબસાઇટના જાહેર ડોમેન રેકોર્ડ્સ અને DNSની માહિતી તપાસવામાં આવી ત્યારે આખી હકીકત જ અલગ નીકળવા લાગી.
‘સરકારી દમન’નો નેરેટિવ ડોમેન રેકોર્ડ્સ સામે તૂટી પડ્યો
કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ ‘cockroachjantaparty.org‘ માત્ર થોડાં દિવસ પહેલાં 16 મે, 2026ના રોજ નોંધાઈ હતી. તે લિથુઆનિયા આધારિત હોસ્ટિંગ અને ડોમેન સેવા આપતી કંપની ‘હોસ્ટિંગર’ મારફતે ખરીદવામાં આવી હતી. શરૂઆતમાં વેબસાઇટ થોડા સમય માટે ચાલુ હતી, પરંતુ ત્યારબાદ અચાનક બંધ દેખાવા લાગી. દિપકે અને તેમના સમર્થકોએ તરત જ સરકાર પર આરોપ મૂક્યો કે વેબસાઇટને સત્તાવાર રીતે બ્લોક કરાવી દેવામાં આવી છે. પરંતુ જ્યારે ડોમેનની સ્થિતિ તપાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વેબસાઇટ ‘ક્લાયન્ટહોલ્ડ’ સ્થિતિમાં છે.
આ શબ્દ સામાન્ય વાચક માટે અજાણ્યો હોય શકે, પરંતુ ઇન્ટરનેટ જગતમાં તેનો અર્થ ખૂબ સ્પષ્ટ છે. ‘ક્લાયન્ટહોલ્ડ’ એ એવી સ્થિતિ છે જેમાં ડોમેન રજિસ્ટ્રાર પોતે જ વેબસાઇટને વૈશ્વિક DNS સિસ્ટમમાંથી દૂર કરી દે છે. સરળ ભાષામાં કહીએ તો વેબસાઇટ આખી દુનિયામાં અદૃશ્ય થઈ જાય છે. માત્ર ભારતમાં નહીં. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે આવી કાર્યવાહી કોઈ સરકાર સીધી રીતે કરી શકતી નથી. આ સ્થિતિ સામાન્ય રીતે ડોમેન માલિકની વિનંતી, ચૂકવણીની સમસ્યા, ઓળખ ચકાસણીના પ્રશ્નો અથવા નીતિ ભંગ જેવી બાબતોમાં લાગુ કરવામાં આવે છે.

જો ખરેખર ભારત સરકારે વેબસાઇટ બંધ કરાવી હોત તો તેની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હોત. સામાન્ય રીતે સરકાર કોઈ વેબસાઇટ પર પ્રતિબંધ મૂકે ત્યારે તે દેશની અંદરના ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ મારફતે થાય છે. એટલે વેબસાઇટ ભારતમાં બંધ દેખાય, પરંતુ વિદેશમાં ચાલુ રહે. એ જ કારણ છે કે ભારતની અંદર પ્રતિબંધિત ઘણી વેબસાઇટ્સ VPN દ્વારા ખુલતી હોય છે.
પરંતુ કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ સાથે એવું કંઈ થયું જ નહોતું. વેબસાઇટ સીધી વૈશ્વિક DNS સિસ્ટમમાંથી જ ગાયબ થઈ ગઈ હતી. એટલે આ ‘ભારત સરકારે બંધ કરાવી’વાળો દાવો ટેક્નિકલી ખોટો અને ઉપજાવી કાઢેલો છે. સૌથી રસપ્રદ બાબત એ હતી કે જ્યારે સરકાર કોઈ વેબસાઇટ બ્લોક કરે ત્યારે સામાન્ય રીતે બ્રાઉઝરમાં તેની જાણ કરતો સંદેશ દેખાય છે. પરંતુ અહીં ‘DNS_PROBE_FINISHED_NXDOMAIN’ નામનો મેસેજ દેખાતો હતો, જેનો અર્થ સીધો એવો થાય છે કે ડોમેન જ સક્રિય નથી રહ્યું. એટલે કે વાત માત્ર વેબસાઇટ ન ખુલવાની નહોતી. વાત એ હતી કે આ આખો નેરેટિવ જ ખોટો હતો.
સોશિયલ મીડિયા યુગનું નવું હથિયાર: પહેલાં આરોપ, પછી હોબાળો
આખા મામલામાં સૌથી મહત્વની બાબત માત્ર ટેક્નિકલ ખામી નથી. મૂળ મુદ્દો એ છે કે કેવી રીતે આજના ડિજિટલ યુગમાં પહેલાં ભાવનાત્મક આરોપ મૂકવામાં આવે છે અને પછી તેના આધારે નેરેટિવ ઊભો કરવામાં આવે છે. એક પોસ્ટ કરવામાં આવે. પછી ‘સરકાર ડરી ગઈ’ કહેવામાં આવે. ત્યારબાદ સમર્થકો તેને લોકશાહી પર હુમલો ગણાવવા લાગે. પછી સોશિયલ મીડિયા પર આઉટરેજ ઉભું થાય અને ત્યારબાદ હકીકતો બહુ પાછળ રહી જાય.
કોકરોચ જનતા પાર્ટીના કેસમાં પણ લગભગ આવું જ બન્યું. સૌપ્રથમ દમનનો દાવો આવ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર એક પ્રકારનો વિકટીમહૂડ નેરેટિવ ઊભો કરવામાં આવ્યો. જાણે કોઈ વિશાળ રાજકીય આંદોલનને સરકાર દબાવી રહી હોય. પરંતુ થોડા જ સમયમાં ડોમેન સંબંધિત માહિતી અને DNS રેકોર્ડ્સે આખા દાવા પર પ્રશ્નો ઉભા કરી દીધા.
અહીં પ્રશ્ન માત્ર એટલો નથી કે વેબસાઇટ કોણે બંધ કરી. પ્રશ્ન એ છે કે શું શરૂઆતથી જ એક રાજકીય અને ભાવનાત્મક નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? કારણ કે આજના સોશિયલ મીડિયા યુગમાં ‘અમે પીડિત છીએ’નો દાવો ખૂબ ઝડપથી સહાનુભૂતિ મેળવે છે. ખાસ કરીને જ્યારે તેને ‘યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે’ જેવી ભાષા સાથે જોડવામાં આવે.
અભિજીત દિપકે અને કોકરોચ જનતા પાર્ટીને લઈને પહેલેથી જ વિવાદો ઉભા થઈ ચૂક્યા છે. તેમના આમ આદમી પાર્ટી સાથેના કનેક્શન્સ અને કેટલાક વિરોધી રાજકીય વર્તુળો તરફથી મળેલા ખુલ્લા સમર્થન બાદ લોકો સારી રીતે જાણી ગયા છે. બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓએ તો આ સમગ્ર ઓનલાઈન તૂતમાં વિદેશી અને પાકિસ્તાની એકાઉન્ટ્સની સક્રિયતાને લઈને પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
જોકે આ દાવાઓ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે માત્ર મીમ અથવા વ્યંગ માટે બની નથી. તેની આસપાસ એક પોલિટિકલ નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે અને કદાચ એ જ કારણ છે કે વેબસાઇટ બંધ થવાનો મામલો માત્ર ટેક્નિકલ સમસ્યા નહીં, પરંતુ રાજકીય દાવપેચમાં ફેરવાઈ ગયો.
આખરે સવાલ માત્ર વેબસાઇટનો નથી
આખી ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે વેબસાઇટ કોણે બંધ કરી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સોશિયલ મીડિયા યુગમાં હવે પહેલેથી તૈયાર વિકટીમહૂડ નેરેટિવ ઊભો કરીને રાજકીય સહાનુભૂતિ મેળવવાનું એક નવું મોડેલ ઊભું થઈ રહ્યું છે?
કારણ કે એક વખત સોશિયલ મીડિયા પર ‘સરકાર ડરી ગઈ’ જેવી લાઇન ચાલી જાય પછી મોટાભાગના લોકો ડોમેન રેકોર્ડ્સ તપાસતા નથી. તેઓ ટેક્નિકલ વિગતો વાંચતા નથી. તેઓ માત્ર ભાવનાત્મક દાવો સાંભળે છે અને કદાચ આજના ડિજિટલ રાજકારણની સૌથી મોટી તાકાત પણ એ જ છે. પહેલાં પરસેપ્શન બનાવવી અને પછી હકીકતોને પાછળ મૂકી દેવી.
કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટનો મામલો હવે માત્ર એક બંધ થયેલી સાઇટની વાત નથી રહ્યો. તે બતાવે છે કે આજના સમયમાં ઇન્ટરનેટ પર ચીજો કેવી રીતે ઘડાય છે, કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે થોડા જ કલાકોમાં ‘દમન’ની ભાવનાત્મક કહાણી બનાવી દેવામાં આવે છે, ભલે પછી હકીકતો કંઈક બીજી જ કેમ ન કહેતી હોય.


