અમેરિકામાં કાયમી વસવાટ કરવા ઇચ્છતા અને ત્યાં વર્ષોથી વસેલા વિદેશી નાગરિકો માટે 22 મેના રોજ લેવાયેલો યુએસ સરકારનો નિર્ણય ચોંકાવનારો સાબિત થયો છે. ટ્રમ્પ પ્રશાસને પોતાની કડક ઇમિગ્રેશન નીતિઓને આગળ ધપાવતા જાહેરાત કરી છે કે હવેથી અમેરિકામાં અસ્થાયી વિઝા (Temporary Visas) પર રહેતા તમામ વિદેશીઓએ ગ્રીન કાર્ડ મેળવવા માટે ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતન પરત જવું પડશે. આ નવા નિયમે છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી કાનૂની વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી છે, જેના કારણે અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને પરિવારો ભારે ચિંતા અને અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.
શું છે આ નવી ઇમિગ્રેશન પૉલિસી?
અત્યાર સુધી અમેરિકાના ઇમિગ્રેશન કાયદા હેઠળ ‘એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ’ની (Adjustment of Status) અત્યંત સરળ જોગવાઈ અમલમાં હતી. આ જોગવાઈ મુજબ જો કોઈ વિદેશી નાગરિક નોન-ઇમિગ્રન્ટ વિઝા (જેમ કે સ્ટુડન્ટ વિઝા F-1, આઈટી વર્કર્સ માટેના H-1B વિઝા, અથવા ટૂરિસ્ટ વિઝા) પર કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હોય તો તે અમેરિકાની સરહદની અંદર રહીને જ પોતાના વિઝાને કાયમી વસવાટ એટલે કે ગ્રીન કાર્ડમાં રૂપાંતરિત કરવા માટે અરજી કરી શકતો હતો. આ પ્રક્રિયા દરમિયાન અરજદારે અમેરિકા છોડવું પડતું નહોતું અને તે ત્યાં રહીને જ પોતાનું કામ ચાલુ રાખી શકતો હતો.
જોકે, નવી નીતિ અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે (USCIS) આ માર્ગને લગભગ બંધ કરી દીધો છે. હવેથી અમેરિકામાં અસ્થાયી ધોરણે રહેતા અને ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા તમામ લોકોએ ફરજિયાતપણે પોતાના દેશ પાછા જવું પડશે અને ત્યાંની સ્થાનિક અમેરિકન એમ્બેસી કે કોન્સ્યુલેટ ઑફિસ મારફતે જ આખી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેને ‘કોન્સ્યુલર પ્રોસેસિંગ’ (Consular Processing) તરીકે ઓળખવામાં આવે છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની અંદર રહીને ગ્રીન કાર્ડ આપવાનો વિકલ્પ હવે નિયમિત પ્રક્રિયા નહીં રહે, પરંતુ તેને માત્ર અત્યંત ‘અસાધારણ સંજોગો’માં (Extraordinary Circumstances) જ મંજૂર કરવામાં આવશે.
ટ્રમ્પ સરકારે આટલો મોટો ફેરફાર કેમ કર્યો?
આ નવા આદેશ પાછળ ટ્રમ્પ સરકારનો મુખ્ય તર્ક એ છે કે નોન-ઇમિગ્રન્ટ વિઝા પર આવતા લોકો અમેરિકાના કાયદાનો દુરુપયોગ કરીને કાયમી ધોરણે ત્યાં વસી જાય છે. USCISના સત્તાવાર નિવેદન અનુસાર સ્ટુડન્ટ્સ, ટેમ્પરરી વર્કર્સ અને ટુરિસ્ટ એક ચોક્કસ હેતુ માટે અને મર્યાદિત સમય માટે અમેરિકા આવે છે. વર્તમાન કાયદાકીય સિસ્ટમની ડિઝાઇન એવી છે કે તેમનો હેતુ પૂર્ણ થતાં જ તેમણે પોતાના દેશ પરત ફરી જવું જોઈએ. પ્રશાસનનું માનવું છે કે અસ્થાયી વિઝાનો ઉપયોગ ગ્રીન કાર્ડ મેળવવાનાં પ્રથમ પગથિયાં તરીકે કરવો એ કાયદાની મૂળ ભાવનાની વિરુદ્ધ છે અને તે એક પ્રકારની કાયદાકીય છટકબારી છે.
બીજું મોટું કારણ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પરનું ભારણ અને ગેરકાયદેસર વસવાટ અટકાવવાનું છે. સરકારે જણાવ્યું છે કે જ્યારે કોઈ વિદેશી નાગરિક અમેરિકાની અંદર રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે અને જો તેની અરજી રીજેક્ટ થાય તો તેમાંથી ઘણા લોકો કાયદાકીય પ્રક્રિયામાંથી છટકીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં જ રહેવા લાગે છે. જો આ પ્રક્રિયા વિદેશી ધરતી પરથી કરવામાં આવશે તો ગ્રીન કાર્ડ રિજેક્ટ થવાની સ્થિતિમાં તે વ્યક્તિ આપોઆપ પોતાના દેશમાં જ હશે, જેથી તેને અમેરિકામાંથી શોધીને ડિપોર્ટ કરવાનો સરકારી ખર્ચ અને સમય બચશે. આનાથી બચેલા સંસાધનોનો ઉપયોગ અન્ય મહત્વપૂર્ણ વિઝા કેસો, જેમ કે માનવ તસ્કરીના ભોગ બનેલા લોકોની સહાયતા માટે કરી શકાશે.
આ નિર્ણયથી ભારત પર શું અસર પડશે?
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના વર્ષ 2023ના સત્તાવાર આંકડા દર્શાવે છે કે અમેરિકા દર વર્ષે અંદાજે 199 દેશોના નાગરિકોને ગ્રીન કાર્ડ આપે છે. આ યાદીમાં સૌથી મોટો હિસ્સો એશિયા અને ઉત્તર અમેરિકાના દેશોનો છે. આ આંતરરાષ્ટ્રીય નીતિની સૌથી વ્યાપક અસર જો કોઈ દેશ પર પડવાની હોય તો તે ભારત છે. વર્ષ 2023ના સત્તાવાર આંકડા મુજબ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવનારાઓમાં મેક્સિકો 1,80,500 અને ક્યુબા 81,600 પછી ભારત 78,100 ગ્રીન કાર્ડ ધારકો સાથે ત્રીજા સ્થાને હતું.
આ સિવાય ચીન, ડોમિનિકન રિપબ્લિક, ફિલિપાઇન્સ, વિયેતનામ અને બ્રાઝિલ જેવા દેશોના નાગરિકો પણ આ નવી નીતિના કારણે મોટાપાયે પ્રભાવિત થશે. કારણ કે દર વર્ષે આ દેશોમાંથી લાખો અરજીઓ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં સબમિટ થતી હોય છે.
આ નવી નીતિની સૌથી ગંભીર આર્થિક અને સામાજિક અસરો ભારતીય નાગરિકો પર પડવાની સંભાવના છે, કારણ કે અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી મોટેભાગે ભારતીય માનવબળ પર નિર્ભર છે. અમેરિકામાં સિલિકોન વેલીથી લઈને વૉલ સ્ટ્રીટ સુધી હજારો ભારતીય આઈટી એન્જિનિયર્સ, ડૉક્ટર્સ અને મેનેજર્સ H-1B અને L-1 વિઝા પર કામ કરે છે. સામાન્ય રીતે અમેરિકન કંપનીઓ આ કુશળ કર્મચારીઓના પર્ફોર્મન્સના આધારે તેમના ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરતી હોય છે.
અત્યાર સુધી તેઓ અમેરિકામાં રહીને જ ગ્રીન કાર્ડ મેળવી લેતા હતા. હવે નોકરી ચાલુ હોવા છતાં તેમણે પ્રક્રિયા માટે ભારત આવવું પડશે. જો ગ્રીન કાર્ડ પ્રોસેસ થવામાં વિલંબ થાય તો તેમની અમેરિકાની નોકરી અને કરિયર બંને જોખમમાં મુકાઈ શકે છે. જોકે સરકારે કહ્યું છે કે ‘રાષ્ટ્રીય હિત’ કે ‘આર્થિક લાભ’ આપનારા લોકોને મુક્તિ મળી શકે છે, પરંતુ કુશળ આઈટી પ્રોફેશનલ્સને આ અપવાદમાં સ્થાન મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કરોડો રૂપિયાની લોન લઈને અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યાં શિક્ષણ મેળવ્યા બાદ વૈશ્વિક કંપનીઓમાં નોકરી મેળવવાનો અને લાંબેગાળે ત્યાં સ્થાયી થવાનો હોય છે. નવી નીતિ મુજબ અભ્યાસ પૂરો થતાં જ વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવું પડશે. આ નિયમના કારણે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જવાનો ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ ઘટી શકે છે અને તેઓ અન્ય દેશો તરફ વળી શકે છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ઘણીવાર વહીવટી કારણોસર મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જાય છે. જો કોઈ ભારતીય વ્યક્તિ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરે છે તો પણ તેણે ગ્રીન કાર્ડ માટે ભારત આવીને રાહ જોવી પડશે. તેવી જ રીતે અમેરિકામાં કાયદેસર કામ કરતા લોકોએ પોતાના પરિવારથી દૂર ભારતમાં રહીને મહિનાઓ સુધી કોન્સ્યુલેટના ધક્કા ખાવા પડશે. આનાથી હજારો પરિવારો પર અસર પડશે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઇમિગ્રેશન પર સતત કડક કાર્યવાહી
આ નવો ગ્રીન કાર્ડ નિયમ એ અમેરિકામાં કાયદેસરના ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ કડક પગલાંનો જ એક ભાગ છે. છેલ્લા કેટલાક સમયની મુખ્ય ઘટનાઓ પર નજર કરીએ તો સરકારે અમેરિકામાં વિઝા ધરાવતાં બાળકોને ઓટોમેટિક મળતી નાગરિકતા નાબૂદ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે, જેથી ભવિષ્યમાં બાળકો દ્વારા માતા-પિતાને ગ્રીન કાર્ડ સ્પોન્સર કરવાનો રસ્તો બંધ કરી શકાય.
આ ઉપરાંત અંદાજે 50 દેશોના નાગરિકો માટે અમેરિકાએ $15,000 (આશરે 12 લાખ રૂપિયા) સુધીના વિઝા બોન્ડ અથવા ડિપોઝિટ જમા કરાવવાનો નિયમ બનાવ્યો છે. વધુમાં જાન્યુઆરી મહિનામાં જ સરકારે તેના પ્રવાસ પ્રતિબંધનો વિસ્તાર કરીને 39 દેશોના નાગરિકોના પ્રવેશ પર નિયંત્રણો લાદ્યા છે. આ સિવાય નવેમ્બર 2025માં વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાની નાગરિકે હુમલો કર્યા બાદ ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં અરજદારના મૂળ દેશને (Country of Origin) એક નકારાત્મક પરિબળ તરીકે જોવાનો દ્રષ્ટિકોણ વિકસી રહ્યો છે.
નિષ્ણાતોનો મત
અમેરિકાના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને ઇમિગ્રેશન નિષ્ણાતો આ નીતિને અમેરિકાના પોતાના આર્થિક હિતો માટે નુકસાનકારક ગણાવી રહ્યા છે. કેટો ઇન્સ્ટિટ્યૂટના ઇમિગ્રેશન સ્ટડીઝના ડાયરેક્ટર ડેવિડ બિયરે પોતાના એક લેખમાં લખ્યું છે કે, “આ નીતિ વૈશ્વિક બજારમાં અમેરિકાની પ્રતિષ્ઠા અને સ્પર્ધાત્મકતાને ભારે નુકસાન પહોંચાડશે. દુનિયાભરની શ્રેષ્ઠ પ્રતિભાઓ અમેરિકા આવવાનું બંધ કરી દેશે, જેની સીધી નકારાત્મક અસર અમેરિકન બિઝનેસ અને ટેકનોલોજી સેક્ટર પર પડશે.”
વળી, આ નીતિ સામે કેટલાક વ્યવહારિક અને કાયદાકીય પ્રશ્નો પણ ઊભા થયા છે. ઉદાહરણ તરીકે જે દેશોમાં યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતાના કારણે અમેરિકન એમ્બેસી કાયમી ધોરણે બંધ છે (જેમ કે અફઘાનિસ્તાન), ત્યાંના નાગરિકો જો પોતાના દેશ પાછા જાય તો તેઓ કઈ એમ્બેસીમાં ગ્રીન કાર્ડની પ્રક્રિયા કરાવશે? તેનો કોઈ સ્પષ્ટ જવાબ સરકાર પાસે નથી.
આ નવી નીતિ જાહેર થતાંની સાથે જ અમેરિકાના ઇમિગ્રેશન વકીલો, માનવાધિકાર સંગઠનો અને કેટલાક લૉ-મેકર્સ દ્વારા તેને અમેરિકન અદાલતોમાં પડકારવાની કાનૂની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નીતિ કઈ ચોક્કસ તારીખથી સંપૂર્ણપણે અમલી બનશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તેથી વર્તમાન સમયમાં અમેરિકામાં રહેતા તમામ ભારતીય વિઝા-ધારકો અને ગ્રીન કાર્ડના અરજદારોને નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેઓ કાયદાકીય માર્ગદર્શન મેળવ્યા વિના ઉતાવળમાં અમેરિકા છોડવાનો કે કોઈ પણ મોટું પગલું ભરવાનો નિર્ણય ન લે અને પોતાના અધિકૃત ઇમિગ્રેશન એટર્નીના સતત સંપર્કમાં રહે.


