
એપ્રિલ 2025માં બ્રાહ્મણો વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે સુરતની એક કોર્ટે ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપ સામે ક્રિમિનલ કેસ નોંધવા માટે આદેશ આપ્યો છે. સુરતના એક વકીલ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કમલેશ રાવલે કરેલી ફરિયાદના આધારે સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
ફરિયાદમાં રાવલે જણાવ્યું હતું કે 16 એપ્રિલ 2025ના રોજ તેમના ધ્યાનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ આવી હતી, જેમાં અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને એક વ્યક્તિએ વિરોધ કરતાં તેને ગાળો ભાંડીને ફરી સમુદાય વિશે અપમાનજનક શબ્દો વાપર્યા હતા.
આગળ કહ્યું કે આરોપીએ આવી પોસ્ટ મૂકીને સમગ્ર બ્રહ્મસમાજનું અપમાન કર્યું હતું અને આવા નિવેદનના કારણે ધર્મ અને જુદી-જુદી જાતિઓ વચ્ચે દુશ્મનાવટ ફેલાવાનો ભય છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, પ્રથમ પોસ્ટ મૂક્યા બાદ બીજી પણ આવી જ પોસ્ટ મૂકવામાં આવી હતી જેનાથી કશ્યપની માનસિકતાનો ખ્યાલ આવી જાય એમ છે. આરોપ લગાવવામાં આવ્યો કે અનુરાગ કશ્યપે શાંતિભર્યું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરીને સમગ્ર બ્રાહ્મણ સમાજની બદનક્ષી કરી હતી.
ફરિયાદ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી બાદ કોર્ટે આદેશમાં જણાવ્યું કે, અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ એક સમાજને લાંછન લાગે એ પ્રકારની હોવાનું માનવાનું કારણ રહે છે અને આ હકીકત અને અન્ય પુરાવાને ધ્યાને રાખીને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 352, 353(2) હેઠળ ગુનો બને છે.
કોર્ટે ફરિયાદીની અરજી અંશતઃ મંજૂર કરીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ BNS 196 (જુદા-જુદા સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરવું), 352 (શાંતિભંગના ઇરાદે અપમાન), 353(2) (સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે ખોટી માહિતી ફેલાવવી) હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે આદેશ કર્યો હતો.
ફરિયાદમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને આદેશ આપવા માટે પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે હાલ માત્ર કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.
શું હતો વિવાદ?
સમગ્ર મામલો એપ્રિલ 2025નો છે, જ્યારે ફિલ્મ ‘ફૂલે’ મામલે મહારાષ્ટ્રમાં વિવાદ ચાલી રહ્યો હતો. તે સમયે અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને મહારાષ્ટ્રનાં બ્રાહ્મણ સમૂહો દ્વારા ફિલ્મ વિરુદ્ધ થતા આઉટરેજ સામે લાંબો નિબંધ લખ્યો હતો. આ પોસ્ટ નીચે એક યુઝરે અનુરાગ કશ્યપની મજાક ઉડાડતાં તેમણે જવાબમાં ‘બ્રાહ્મિન પે મૂ^ગા, કોઈ પ્રોબ્લેમ?’ કહીને ટિપ્પણી કરી હતી.
આ ટિપ્પણીઓ મામલે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયા બાદ અનુરાગ કશ્યપે ફરી એક પોસ્ટ કરીને માફી માગી લીધી હતી અને કહ્યું હતું કે ગુસ્સામાં આવીને પોતે પોસ્ટ કરી દીધી હતી અને આખા બ્રાહ્મણ સમાજ વિશે બોલી નાખ્યું હતું, જેના કારણે અનેક લોકોને ઠેસ પહોંચી છે, જેમની પોતે માફી માગે છે.

