રાઈસિન ટેરર પ્લોટ કેસમાં ત્રણ ઇસ્લામી આતંકીઓ સામે NIAની ચાર્જશીટ: માસ પોઈઝનિંગથી હજારોની હત્યા કરવાનું હતું કાવતરું, જેહાદ ફેલાવવા માગતા હતા આરોપીઓ

નવેમ્બર 2025માં ગુજરાત ATSએ પકડેલા ત્રણ ઇસ્લામી આતંકવાદીઓ વિરુદ્ધ NIAએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ISISની ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત આ આતંકીઓ રાઈસિન ઝેરના માધ્યમથી મોટો હુમલો કરીને હજારો નિર્દોષોના જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ મામલે 3ની ધરપકડ કરવામાં આવી હતી. હવે NIAએ સમગ્ર તપાસ કરીને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે.

આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી હૈદરાબાદના ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીન તેમજ ઉત્તર પ્રદેશના લખીમપુર અને અન્ય જિલ્લા સાથે કનેક્શન ધરાવતા તેના બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ UAPA અને BNSની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સના ઈશારે કાર્યરત ISISના આ ટેરર મોડ્યુલનો મુખ્ય હેતુ ભારતના ભીડભાડવાળાં અને જાહેર સ્થળો પર ઘાતક રાઈસિન ઝેર ફેલાવીને માસ પોઇઝનિંગ કરવાનો હતો.

નવેમ્બર 2025માં ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે ઑપરેશન હાથ ધરીને ડૉ. મોહિયુદ્દીનને ગુજરાતના એક ટોલ પ્લાઝા પરથી ગેરકાયદેસર હથિયારો અને કારમાં છુપાવેલા 4 લીટર એરંડાનું તેલ અને અન્ય શંકાસ્પદ સામગ્રી સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. તેની ધરપકડ બાદ અન્ય 2 આરોપીઓ સુહેલ અને આઝાદની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જાન્યુઆરી 2026માં આ કેસની તપાસ સત્તાવાર રીતે NIAના અમદાવાદ યુનિટને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે સહ-આરોપી સુહેલ આ મોડ્યુલ માટે ફન્ડિંગ મેનેજ કરવા, રેકી કરવા અને આતંકી સંગઠન પ્રત્યે વફાદારીના શપથ (Bay’ah) લેવડાવતો હતો.

વધુ વિગતો અનુસાર, આ આતંકવાદીઓ IS સાથે સંકળાયેલા વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતા અને સાથે મળીને મુસ્લિમ યુવકોને પોતાની સાથે જોડીને જેહાદ ફેલાવવા અને હથિયારો અને બાયોટેરરિઝમથી દેશમાં આતંક ફેલાવવાનાં કાવતરાં ઘડી રહ્યા હતા. તેના માટે તેમણે રાઈસિનનો ઉપયોગ કરવાનું ષડ્યંત્ર ગોઠવ્યું હતું, જે કેમિકલ વેપનની શ્રેણીમાં આવે છે અને થોડી માત્રાથી હજારો લોકોના જીવ જઈ શકે છે.

જાન્યુઆરી 2026માં કેસની તપાસ હાથ પર લીધા બાદ NIAને જાણવા મળ્યું હતું કે હેન્ડલરોએ મોહિયુદ્દીનને દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવવાનો વાયદો કર્યો હતો. જેના માટે તેણે પોતાના હૈદરાબાદના નિવાસસ્થાને રાઈસિન બનાવવાની લેબ બનાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે શરૂઆતના તબક્કામાં ATSની ટીમે સૈયદના આ હૈદરાબાદના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.

અન્ય બે આતંકીઓ પણ હેન્ડલરો સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને આગળ શું કરવું તે વિશે સતત તેમની વચ્ચે વાતચીત ચાલતી રહેતી હતી. હેન્ડલર અને અન્ય આતંકીઓ વચ્ચે ભરતી અને કોઓર્ડિનેશન માટે સુહેલ મુખ્ય કડી હતો અને ફંડ અને હથિયારોનું હેન્ડલિંગ પણ તે જ કરતો હતો.

હાલમાં આ તમામ આરોપીઓ અમદાવાદની હાઈ-સિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ બંધ છે. હવે NIAએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.