રાઈસિન ટેરર પ્લોટ મામલે તપાસ માટે ગુજરાત ATS પહોંચી UP: આતંકી સુહૈલના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું

ફોટો- Times of India

રાઇસિન ટેરર પ્લોટની તપાસ કરતી ગુજરાત ATSએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી સ્થિત આતંકવાદી મોહમ્મદ સુહૈલ સલીમ ખાનના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. સુહૈલની ધરપકડ અન્ય બે આતંકીઓ સાથે ગુજરાતના પાલનપુરથી થઈ હતી, જ્યાં તે હથિયારો છુપાવવા માટે આવ્યો હતો. અન્ય બે આતંકીઓમાં મોહિયુદ્દીન સૈયદ અને આઝાદ સુલેમાન શેખનો સમાવેશ થાય છે. આઝાદ UPનો, જ્યારે સૈયદ હૈદરાબાદનો છે. થોડા દિવસો પહેલાં ATSએ હૈદરાબાદમાં સૈયદના ઘરે પણ શોધખોળ હાથ ધરી હતી.

ATSના છ સભ્યોની ટીમ સુહૈલના ઘરે પહોંચી હતી, જ્યાં તેનો પરિવાર રહે છે. પરિવાર, આસપાસના લોકોની પૂછપરછ કરીને તમામ પ્રકારની જાણકારી મેળવવામાં આવી હતી અને આતંકીની પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવવામાં આવી.

જાણકારી અનુસાર, સુહૈલ ત્રણ વર્ષ માટે મુઝફ્ફરનગરમાં હાફિઝ બનવા માટે ગયો હતો. 15 દિવસ પહેલાં તે ગુજરાત પહોંચ્યો હતો. તેના ઘરેથી અમુક ડોક્યુમેન્ટ્સ અને ઝંડા મળી આવ્યા છે. જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. મુઝફ્ફરનગર ગયા પહેલાં તેણે અમુક મદરેસાઓમાં પણ અભ્યાસ કર્યો હતો.

ટૂંક સમયમાં UP ATSની એક ટીમ અમદાવાદ આવશે અને પકડાયેલા બંને આતંકીઓની પૂછપરછ હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે.