ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, 15 વર્ષમાં 20 બિલિયન ડૉલરના રોકાણની તૈયારી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે (27 એપ્રિલ) ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થયા છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે સાઈનિંગ સેરેમની અને બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારત સરકાર તરફથી વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ હાજર રહ્યા હતા. ન્યૂઝીલેન્ડથી પણ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ટોડ મૅકક્લે હજાર રહ્યા હતા.

પીયૂષ ગોયલે જણાવ્યું કે આ ડીલ લગભગ નવ મહિનામાં સમાપ્ત કરવામાં આવી છે અને આ બંને દેશોનો પરસ્પર દૃઢ વિશ્વાસ દર્શાવે છે. તેમણે જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં ભારતે આ સાતમો વ્યાપાર કરાર કર્યો છે અને આ વડા પ્રધાન મોદીના વિકસિત ભારતના વિઝનને સાકર કરવા તરફ સરકારનું વધુ એક ડગલું છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોએ ડિસેમ્બરમાં ઔપચારિક ચર્ચાઓ પૂર્ણ કરીને ડીલ ફાઈનલ કરી હતી અને હવે તેની ઉપર હસ્તાક્ષર થયા છે.

ડીલ મુજબ ભારત અને ન્યૂઝીલેન્ડે આવનારાં 15 વર્ષમાં 20 બિલિયન ડૉલરનું રોકાણ કરવા માટેની તૈયારી દર્શાવી છે. ઉપરાંત ભારતથી થતા એક્સપોર્ટ પરની ડ્યુટી 100% દૂર કરી દેવામાં આવી છે. ઉપરાંત ભારતીયોને ન્યૂઝીલેન્ડમાં રોજગારની તકો મળે એ પ્રકારની પણ વ્યવસ્થા છે. કૃષિ ક્ષેત્રમાં પણ સહયોગની વાત જણાવવામાં આવી છે, જે અનુસાર ભારતીય ખેડૂતોને કિવી, સફરજન ઉગાડવામાં મદદ મળી રહેશે. મધ ઉત્પાદનમાં પણ મદદ મળશે.

ટેક્સટાઇલ, લેધર, ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરિંગ ગૂડ્સ અને ઓટોમોબાઈલ વગેરે જેવાં ક્ષેત્રોમાં ભારતના એક્સપોર્ટમાં હવે વધારો થશે અને ન્યૂઝીલેન્ડના માર્કેટ સુધીની પહોંચ હવે સવાલ બનશે.

ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝને આ ડીલને બંને દેશો વચ્ચેના સંબંધોનો એક ઐતિહાસિક માઇલસ્ટોન ગણાવી છે. તેમણે કહ્યું કે આ કરારથી વિશ્વના સૌથી ડાયનેમિક માર્કેટનાં દ્વાર ખુલશે અને વ્યાપાર, રોકાણ માટે અનેક નવી તકો ખુલશે. તેમણે એ પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનની ગત વર્ષની ભારત યાત્રા અને પીએમ મોદી સાથેની ચર્ચા બાદ વાતચીત શરૂ થઈ હતી અને અત્યંત ટૂંકાગાળામાં કરાર પૂર્ણ થયા છે.