બેંગલુરુની એક વિશેષ અદાલતે 15 એપ્રિલ 2026ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય વિનય રાજશેખરપ્પા કુલકર્ણી અને તેમના સાથીઓને ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યાના દોષિત જાહેર કર્યા છે. આ હત્યા વર્ષ 2016માં થઈ હતી. CBI તરફથી હાજર રહેલા વકીલે દોષિતો માટે કડકમાં કડક સજાની માંગ કરી છે, જેના પર 17 એપ્રિલ 2026ના રોજ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.
નવાઈની વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કુલકર્ણીની એક ‘બ્રાન્ડ પ્રોટેક્શન’ ટીમ ‘ઑપઇન્ડિયા’ પર સતત દબાણ બનાવી રહી હતી. જૂન 2025થી અત્યાર સુધીમાં અંદાજે 12 જેટલા ઇ-મેઇલ મોકલીને ઑપઇન્ડિયાને ધમકાવવામાં આવ્યું હતું કે તેઓ કુલકર્ણીના ગુનાહિત કેસો સાથે જોડાયેલા સમાચાર હટાવી લે. ધારાસભ્યના પ્રતિનિધિઓએ એવા સમાચારોને પણ હટાવવાનું દબાણ કર્યું હતું જે સંપૂર્ણપણે અદાલતી ચુકાદાઓ પર આધારિત હતા.
હત્યાના ષડ્યંત્રમાં કુલકર્ણી દોષી જાહેર
બેંગલુરુની વિશેષ અદાલતે કોંગ્રેસના ધારાસભ્ય વિનય કુલકર્ણી અને તેમના સાથીઓને 2016ના હત્યા કેસમાં ગુનાહિત કાવતરું રચવા બદલ દોષિત ઠેરવ્યા છે. કુલકર્ણી હાલમાં કર્ણાટક અર્બન વોટર સપ્લાય બોર્ડના અધ્યક્ષ છે. આ હત્યાના કેસમાં તેઓ 15મા આરોપી હતા. વર્ષ 2020માં CBIએ તપાસ હાથમાં લીધા બાદ લાંબી સુનાવણી ચાલી હતી, ત્યારપછી આ ચુકાદો આવ્યો છે.
સત્તાનો દુરુપયોગ અને ક્રૂરતા
CBIના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે આ એક ઠંડા કલેજે રચવામાં આવેલું કાવતરું હતું, જેનો હેતુ રાજકીય પ્રતિસ્પર્ધી યોગેશ ગૌડાને ખતમ કરવાનો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કુલકર્ણીએ પોતાના પદના આધારે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો, નકલી દસ્તાવેજો બનાવડાવ્યા અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ક્રૂરતાપૂર્વક લેવાયેલો જીવ
કોર્ટને જણાવવામાં આવ્યું કે યોગેશ ગૌડાની હત્યા અત્યંત નિર્દયતાથી કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલાં તેમની આંખોમાં લાલ મરચાની ભૂકી ફેંકી હતી અને ત્યારબાદ તેમની હત્યા કરી નાખી હતી. સરકારી વકીલે એ વાત પર ભાર મૂક્યો હતો કે એક ધારાસભ્ય હોવાના નાતે કુલકર્ણીની ભૂમિકા અત્યંત ગંભીર છે, કારણ કે તેમણે કાયદાનું રક્ષણ કરવાને બદલે પોતે જ ગુનાનું કાવતરું ઘડ્યું હતું.
સરકારી સાક્ષીને થઈ રહ્યો છે પસ્તાવો
આ કેસમાં આરોપીમાંથી સરકારી સાક્ષી બનેલા બસવરાજ મુત્તગીએ મીડિયા સાથે વાત કરતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું કે કાવતરાંમાં પોતાની ભૂમિકાને લઈને તેઓ ગ્લાનિ અને પસ્તાવા સાથે જીવી રહ્યા છે. મુત્તગીના જણાવ્યા અનુસાર તેમની વાસ્તવિક કાયદાકીય લડાઈ અને સંઘર્ષ તો હવે શરૂ થશે.
17 આરોપીઓ દોષિત જાહેર, કેટલાકને મળી રાહત
CBIએ આ લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં કુલ 21 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી કોર્ટે 17ને દોષિત ઠેરવ્યા છે. બે આરોપીઓ સરકારી સાક્ષી બની ગયા હતા, જ્યારે અન્ય બેને કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ એક સરકારી સાક્ષી ફરી જતાં (હોસ્ટાઇલ થતા) CBIએ તેને ફરીથી આરોપી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સમાચાર હટાવવા માટે મીડિયાને ધમકી
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કુલકર્ણીની ‘ઓનલાઇન છબી’ બચાવવા માટે એક ‘બ્રાન્ડ પ્રોટેક્શન’ કંપનીએ મીડિયા સંસ્થાન ‘ઑપઇન્ડિયા’ને ધમકાવ્યું હતું. જૂન 2025માં મોકલવામાં આવેલા ઇ-મેઇલમાં કંપનીએ કુલકર્ણીનો એક પત્ર બતાવ્યો હતો, જેમાં ધારાસભ્યએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કંપની દ્વારા કુલકર્ણી અદાલતી ચુકાદાઓ પર આધારિત સમાચારોને પણ ઈન્ટરનેટ પરથી હટાવવાનું દબાણ કરી રહ્યા હતા.

કુલકર્ણીનો દાવો હતો કે તેમની વિરુદ્ધ છપાઈ રહેલા સમાચારોથી તેમની વર્ષોની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણોસર તેમણે એક કંપનીને પોતાની ‘ઓનલાઇન ઇમેજ’ સુધારવાની જવાબદારી સોંપી હતી. તેમણે કંપનીને અધિકાર આપ્યો હતો કે તે ઇન્ટરનેટ પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ, ફેક ન્યૂઝ અને નિવેદનોને હટાવે તથા કોર્ટના આદેશોનો અમલ કરાવે.
આ જ કંપનીએ ‘ઑપઇન્ડિયા’ને ઇ-મેઇલ મોકલીને 24 કલાકની અંદર ત્રણ લેખ હટાવવાની ચેતવણી આપી હતી. સાથે જ કોર્ટના કેટલાક આદેશોની નકલો પણ મોકલી હતી. જ્યારે ઑપઇન્ડિયાએ તે આદેશોની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમને આ કાયદાકીય કેસ સાથે કોઈ લેવાદેવા જ નથી. રસપ્રદ વાત એ છે કે આ ઇ-મેઇલ કોઈ લો-ફર્મને બદલે એક ‘બ્રાન્ડ પ્રોટેક્શન’ કંપની તરફથી આવ્યો હતો, તેથી સંસ્થાએ સમાચાર હટાવવાનો ઇનકાર કરી દીધો હતો.
ઇ-મેઇલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જો સમાચાર હટાવવામાં નહીં આવે તો તેમની પાસે ઑપઇન્ડિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. ધારાસભ્યની ટીમ આ સમાચારોને સંપૂર્ણપણે ભૂંસી નાખવા માંગતી હતી, જેથી કુલકર્ણીની છબી પર કોઈ આંચ ન આવે.

25 જૂનના રોજ કંપનીએ ફરીથી ઇ-મેઇલ મોકલીને 24 કલાકમાં સમાચાર હટાવવા જણાવ્યું હતું. ત્યારબાદ જુલાઈ અને ઑગસ્ટ વચ્ચે સતત 10 વખત રિમાઇન્ડર મોકલવામાં આવ્યા હતા. નોંધવા જેવી બાબત એ છે કે 22 જુલાઈ પછી કંપનીએ માત્ર એક જ લેખ હટાવવા પર ભાર મૂક્યો હતો, જ્યારે બાકીના બે લેખો અંગે તેમનો વાંધો અચાનક ઓછો થઈ ગયો હોય તેમ જણાયું હતું.
સમાચાર હટાવવાની આ માંગનો આધાર કર્ણાટક હાઇકોર્ટનો એક આદેશ હતો. તે આદેશમાં કોર્ટે યુટ્યુબ, ફેસબુક અને એક્સ જેવા પ્લેટફોર્મ્સને કુલકર્ણી વિરુદ્ધની અપમાનજનક સામગ્રી હટાવવા માટે કહ્યું હતું. આ કેસમાં ગૃહ મંત્રાલય અને પોલીસને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ઑપઇન્ડિયાએ કાયદાકીય દસ્તાવેજો જોયા, ત્યારે જાણવા મળ્યું કે કોર્ટે તેમને આવો કોઈ આદેશ આપ્યો નહોતો. કંપની તે અદાલતી આદેશનો ખોટો ઉપયોગ કરીને એક એવી સંસ્થા પાસેથી સમાચાર હટાવડાવવા માંગતી હતી, જેને તે કેસ સાથે કોઈ સીધો સંબંધ જ નહોતો.
શું હતો યોગેશ ગૌડા મર્ડર કેસ?
યોગેશ ગૌડા ધારવાડના ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય હતા. 15 જૂન 2016ના રોજ તેમના જિમમાં ઘૂસીને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાનિક પોલીસે તપાસ કરી હતી, પરંતુ યોગેશના ભાઈએ CBI તપાસની માંગ કરી હતી. રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા બાદ 2019માં આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. તપાસ બાદ CBIએ આ મામલે કોંગ્રેસના નેતા વિનય કુલકર્ણીને મુખ્ય કાવતરાખોરોમાં સામેલ ગણ્યા હતા અને નવેમ્બર 2020માં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
CBIના જણાવ્યા મુજબ આ હત્યા પાછળ રાજકીય દુશ્મનાવટ જવાબદાર હતી. કુલકર્ણીએ યોગેશને ચૂંટણી ન લડવાની ચેતવણી આપી હતી, જેને યોગેશ ગૌડાએ માની નહોતી. તપાસમાં સામે આવ્યું કે હત્યાના સમયે પોતાની હાજરી છુપાવવા માટે કુલકર્ણીએ દિલ્હી પ્રવાસનું બહાનું બનાવ્યું હતું. તેઓ મર્ડરના ઠીક પહેલાં અને ઠીક પછી દિલ્હી ગયા હતા, જેની ટિકિટો એ જ દિવસે બુક કરવામાં આવી હતી. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ બધું પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હતું.
કુલકર્ણીને 2021માં જામીન મળ્યા હતા, પરંતુ જૂન 2024માં સુપ્રીમ કોર્ટે તે રદ કરી દીધા હતા. કોર્ટે માન્યું હતું કે કુલકર્ણી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ પીવી સંજય કુમારે અત્યંત કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે કુલકર્ણી અને કેસના મુખ્ય આરોપી વચ્ચે 5 મહિનામાં 57 વખત ફોન પર વાતચીત થઈ હતી. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે આરોપીએ મૃતકની વિધવાને પણ પોતાના પક્ષમાં ‘ખરીદી’ લીધી હતી. જ્યારે કુલકર્ણીના વકીલે કેસ ખતમ કરવાની અરજી પાછી ખેંચવા માંગી, ત્યારે જજે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કોર્ટને ‘જુગારઘર’ બનાવી દેવામાં આવી છે.
આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે, તેનો હિન્દીમાં અનુવાદ થયેલો છે.


