
આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે ત્યાંના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર વ્યક્તિગત પ્રહાર કરવાના શરૂ કર્યા છે. રવિવારે (5 એપ્રિલ) કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સીએમ હિમંતા અને તેમના પરિવાર પર અમુક આરોપો લાગાવ્યા હતા. આ તમામ આરોપો ફગાવી દઈને મુખ્યમંત્રીએ ખેડા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાની ચેતવણી આપી છે.
આસામ સીએમએ X પોસ્ટમાં લખ્યું, “આજની પ્રેસ કૉન્ફરન્સમાં પવન ખેડાએ કોંગ્રેસ પાર્ટીની અંદર જે હતાશા વ્યાપી ગઈ છે તેને બહાર લાવવાનું કામ કર્યું છે. આસામને ફરી એક વખત ઐતિહાસિક જનાદેશ મળવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના હતાશાભર્યા અને પાયાવિહોણા પ્રહાર કરવા એ દર્શાવે છે કે કોંગ્રેસની જમીન ખસી રહી છે.”
Today’s press conference by Pawan Khera reflects the deep frustration and panic within the Congress party. As Assam moves decisively towards a historic mandate, such desperate and baseless attacks only expose their sinking ground.
— Himanta Biswa Sarma (@himantabiswa) April 5, 2026
I categorically reject every allegation made by…
મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ તમામ આરોપો ફગાવે છે અને આ દ્વેષીલા, ખોટા અને રાજકીય ઇરાદાથી પ્રેરિત આરોપો આસામની જનતાને ગેરમાર્ગે દોરવા માટે લગાવવામાં આવ્યા છે, જેનું પોતે ખંડન કરે છે.
આસામ સીએમએ જણાવ્યું કે તેઓ અને તેમનાં પત્ની આગામી 48 કલાકમાં પવન ખેડા વિરુદ્ધ ક્રિમિનલ અને સિવિલ ડિફેમેશન કેસ દાખલ કરશે. તેમણે ઉમેર્યું કે પવન ખેડા આ બદનક્ષીભર્યાં નિવેદનો બદલ સંપૂર્ણ જવાબદાર રહેશે.
હિમંતાએ અંતે કહ્યું કે તેમને દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે અને એક વખત કોર્ટમાં સત્ય સામે આવી જાય ત્યારબાદ ખેડાએ પરિણામો ભોગવવાં પડશે. સાથે ઉમર્યું કે આસામની જનતા આવા ખોટા પ્રોપગેન્ડાથી ભરમાશે નહીં અને 100થી વધુ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત જનાદેશ મળશે.
પવન ખેડાએ શું આરોપ લગાવ્યા?
પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસી પવન ખેડાએ હિમંતા અને તેમના પરિવારના વ્યવસાયો અને સંપત્તિને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેમણે કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપ લગાવ્યા. સાથે વિદેશની અમુક શેલ કંપનીઓ સાથે પણ નાણાકીય જોડાણ હોવાનું કહ્યું. હિમંતા પર આરોપ લગાવતાં કહ્યું કે તેમણે વિદેશમાં સ્થાપિત અમુક શેલ કંપનીઓમાં પોતાના નાણાં સાચવ્યાં છે. આ મામલે ખેડાએ તપાસની માગ કરી હતી અને પૂછ્યું કે હિમંતા 52000 કરોડ કઈ રીતે કમાયા તે તેમણે જાહેર કરવું જોઈએ.
હિમંતાનાં પત્ની રિનિકી ભૂયાં શર્મા વિરુદ્ધ પણ કોંગ્રેસ નેતાએ વિદેશમાં સંપત્તિ ધરાવવાના અને તેને જાહેર ન કરવાના આરોપ લગાવ્યા. ઉપરાંત તેમની પાસે એક કરતાં વધુ દેશના પાસપોર્ટ હોવાનો પણ આરોપ લગાવ્યો.
આ તમામ આરોપો હિમંતા અને તેમની પત્નીએ ફગાવી દીધા છે અને હવે ખેડા ઉપર માનહાનિ કેસની તલવાર લટકી રહી છે.

