
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકી સેનાએ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત F-15 ફાઇટર જેટના પાયલોટ અને એક અન્ય ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ કરી લીધો છે. ટ્રમ્પે આ અભિયાને અમેરિકાના ઇતિહાસનું સૌથી સાહસી અભિયાન ગણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ વિશેની પોસ્ટ કરીને જાણકારી આપી છે અને અમેરિકી સેનાની પ્રશંસા કરી છે.
ટ્રમ્પે લખ્યું છે કે, “અમે શોધી લીધા. છેલ્લી કેટલીક કલાકોમાં અમેરિકી સેનાએ અમેરિકી ઇતિહાસનું સૌથી સાહસી રિસર્ચ ઑપરેશન અને બચાવ અભિયાનને અંજામ આપ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે ક્રૂ મેમ્બર સ્વસ્થ છે.” ટ્રમ્પે બચાવેલા અધિકારીને ‘સન્માનિત કર્નલ’ ગણાવ્યા હતા, તેઓ ઈરાનના પહાડી વિસ્તારમાં દુશ્મનની સરહદની અંદર ફસાયેલા હતા.

તેમણે તૈયારી વિશે પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું છે કે પાયલોટ અને ક્રૂ મેમ્બરને પરત લાવવા માટે સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝનબંધ વિમાનો તહેનાત કરવામાં આવ્યા હતા. તેમણે પુષ્ટિ કરી છે કે ક્રૂ મેમ્બરોને થોડી ઈજાઓ થઈ છે, પણ તે સ્વસ્થ થઈ જશે.
હમણાં ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પણ એ પહેલાં આ જ વિમાનના પાયલોટનું પણ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજા અભિયાનને જોખમમાં નાખવાથી બચવા માટે તેની પુષ્ટિ મોડી કરવામાં આવી છે. જોકે, હાલ પણ બંને દેશો વચ્ચે તણાવનો માહોલ છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવું પડશે.
એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું છે કે ઈરાનના ઘણા મુખ્ય કમાન્ડરો અમેરિકી હુમલામાં માર્યા ગયા છે. તેમણે આ હુમલાઓને તહેરાન પર કરવામાં આવેલા નિર્ણાયક અને વ્યાપક હુમલા ગણાવ્યા હતા. આ સાથે ટ્રમ્પે ઈરાનને અલ્ટિમેટમ પણ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે 48 કલાક નિર્ણાયક હશે. ઈરાન પાસે હવે માત્ર બે વિકલ્પ છે, કાં તો તે અમેરિકા સાથે સમજૂતી કરી લે અથવા તો ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ ખોલી નાખે.

