હોમપેજદેશદેશની રક્ષા નિકાસ ₹38,000 કરોડને પાર: કોંગ્રેસ સમયના આયાત-નિર્ભર ભારતને મોદી સરકારે...

દેશની રક્ષા નિકાસ ₹38,000 કરોડને પાર: કોંગ્રેસ સમયના આયાત-નિર્ભર ભારતને મોદી સરકારે કેવી રીતે બનાવ્યું એક્સપોર્ટ પાવરહાઉસ

ભારત હવે માત્ર પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ વિશ્વને સસ્તા, અસરકારક અને વિશ્વસનીય રક્ષા સમાધાનો પણ પૂરા પાડી રહ્યું છે. આ મોદી યુગની સૌથી મોટી સિદ્ધિઓ પૈકીની એક છે, જે ‘આત્મનિર્ભર ભારત’ને વાસ્તવિકતા બનાવી રહી છે.

- Advertisement -

એક દાયકા પહેલાં સુધી ભારતનું રક્ષા ક્ષેત્ર વૈશ્વિક મંચ પર એક મર્યાદિત, લગભગ અદૃશ્ય ભૂમિકા ભજવતું હતું. વર્ષ 2012–13માં ભારતની કુલ રક્ષા નિકાસ માત્ર ₹446.75 કરોડ હતી, આ આંકડો માત્ર નાનો નહોતો, પરંતુ તે એ વાત પણ દર્શાવતો હતો કે ભારતની રક્ષા ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ મુખ્યત્વે ઘરેલુ જરૂરિયાતો સુધી જ મર્યાદિત હતો. તે સમય હતો જ્યારે ભારત વિશ્વના સૌથી મોટા હથિયાર આયાતકારોમાં સામેલ હતું, પરંતુ નિકાસના ક્ષેત્રમાં તેની હાજરી નગણ્ય હતી.

સરકારના સત્તાવાર આંકડાઓ અનુસાર તે સમયે ભારતની રક્ષા નિકાસ એક વ્યવસ્થિત, નીતિ-આધારિત વ્યૂહરચનાના અભાવે વીખરાયેલી હતી. આજે 2025–26માં તે જ ભારત ₹38,424 કરોડથી વધુની રક્ષા નિકાસ કરી રહ્યું છે. આ માત્ર એક આંકડાકીય વૃદ્ધિ નથી, પરંતુ ભારતની વ્યૂહાત્મક વિચારસરણી, ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સ્થિતિમાં એક મૂળભૂત પરિવર્તનનો સંકેત છે.

આ પરિવર્તન અચાનક નથી થયું. તેની પાછળ નીતિગત ફેરફારો, રાજકીય ઇચ્છાશક્તિ, ઔદ્યોગિક સુધારા અને વૈશ્વિક વ્યૂહાત્મક દૃષ્ટિકોણનું સંયોજન છે. આ લેખમાં આપણે વિસ્તારથી સમજીશું કે કેવી રીતે ભારત એક આયાત-નિર્ભર દેશમાંથી ઉભરતા રક્ષા નિકાસક તરીકે સ્થાપિત થયું છે.

- Advertisement -

ભારતની રક્ષા નિકાસ 2025-26

નાણાકીય વર્ષ 2025-26માં ભારતની રક્ષા નિકાસ એક નવો રેકોર્ડ સ્થાપિત કરીને ₹38,424 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષ 2024-25ના ₹23,622 કરોડની સરખામણીમાં ₹14,802 કરોડ એટલે કે 62.66 ટકાની ભારે વૃદ્ધિ દર્શાવે છે.  આ સિદ્ધિમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સનું (DPSUs) યોગદાન 54.84 ટકા એટલે કે ₹21,071 કરોડ રહ્યું છે, જ્યારે ખાનગી ક્ષેત્રે 45.16 ટકા એટલે કે ₹17,353 કરોડની નિકાસ કરી છે. DPSUsના નિકાસમાં પાછલા વર્ષ કરતાં 151 ટકાનો ઉછાળો નોંધાયો છે, જે આ ક્ષેત્રમાં થઈ રહેલા ઊંડા પરિવર્તનોને સ્પષ્ટપણે દર્શાવે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંઘે આ સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ લખાઈ રહેલી સફળતાની કથા ગણાવી છે. તેમણે X પર લખ્યું છે કે ભારત હવે વૈશ્વિક રક્ષા નિર્માણ હબ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ રેકોર્ડને આત્મનિર્ભર ભારત અભિયાન અને મોદી સરકારની દૂરદર્શી નીતિઓ સાથે જોડ્યો. આ આંકડો માત્ર સંખ્યાઓનો ખેલ નથી, પરંતુ તે એ ભારતની કથા છે જે એક દાયકા પહેલાં વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર હતો અને આજે સ્વદેશી હથિયારોનો નિકાસકાર બનીને ઉભર્યો છે.

કોંગ્રેસ શાસનમાં રક્ષા નિકાસની દયનીય સ્થિતિ

આ રેકોર્ડને સારી રીતે સમજવા માટે આપણે 2014 પહેલાંના વર્ષોમાં જવું પડશે. વર્ષ 2013-14માં જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો ત્યારે ભારતની રક્ષા નિકાસ માત્ર ₹686 કરોડ હતી. આ આંકડો રક્ષા મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના (PIB) સત્તાવાર નિવેદનોમાં સ્પષ્ટપણે નોંધાયેલો છે. સમગ્ર યુપીએ કાળના (2004-05થી 2013-14) દસ વર્ષોમાં કુલ રક્ષા નિકાસ માત્ર ₹4,312 કરોડ જ રહી. તે સમયે ભારત મુખ્યત્વે આયાત પર આધારિત હતું અને સ્વદેશી ઉત્પાદન તેમજ નિકાસ બંને ક્ષેત્રોમાં ગંભીર ઉપેક્ષા જોવા મળી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંઘે અનેક અવસરે આ તુલનાને રેખાંકિત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2013-14ના ₹686 કરોડથી 2025-26માં ₹38,424 કરોડ સુધી પહોંચવું એ ઐતિહાસિક વૃદ્ધિ છે. PIBના સત્તાવાર પ્રેસ રિલીઝમાં પણ 2004-05થી 2013-14 વચ્ચે કુલ નિકાસ ₹4,312 કરોડ અને 2014-15થી 2023-24 વચ્ચે ₹88,319 કરોડ નોંધાઈ છે, જે લગભગ 21 ગણી વૃદ્ધિ દર્શાવે છે.

આ સમયગાળામાં ભારતની રક્ષા ઉત્પાદન વ્યવસ્થા મુખ્યત્વે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ (PSUs) અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) સુધી જ મર્યાદિત હતી. ખાનગી ક્ષેત્રની ભાગીદારી લગભગ નગણ્ય હતી અને નિકાસ માટે કોઈ સ્પષ્ટ નીતિ-આધારિત માળખું વિકસાવવામાં આવ્યું નહોતું. ભારતનો રક્ષા ઉદ્યોગ આંતરિક માંગને પૂરી કરવામાં જ સંઘર્ષ કરી રહ્યો હતો, જેથી નિકાસની સંભાવના લગભગ સમાપ્ત થઈ જતી હતી. સાથે જ નિકાસ લાઇસન્સિંગ પ્રક્રિયા જટિલ અને ધીમી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા મુશ્કેલ બની જતી હતી.

આ આખા પરિદ્શ્યનું પરિણામ એ આવ્યું કે ભારત વૈશ્વિક રક્ષા વેપારમાં એક નિષ્ક્રિય ખેલાડી બની રહ્યું. આ આંકડાઓમાંથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ શાસનમાં રક્ષા ક્ષેત્ર નિકાસને બદલે આયાત પર આધારિત રહ્યું. સ્વદેશી ક્ષમતાનો વિકાસ લગભગ ઠપ પડી ગયો હતો અને ભારતને વિદેશી હથિયારો અને અન્ય સંસાધનો પર ભારે નિર્ભરતા સહન કરવી પડી હતી.

મોદી સરકારમાં ઐતિહાસિક છલાંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014થી શરૂ થયેલી સરકારે રક્ષા ક્ષેત્રને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપી. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અને 2020માં શરૂ થયેલા ‘આત્મનિર્ભર ભારત’ અભિયાને આ ક્ષેત્રને નવી દિશા આપી. નાણાકીય વર્ષ 2025-26ના ₹38,424 કરોડના રેકોર્ડની સરખામણી 2013-14ના ₹686 કરોડ સાથે કરીએ તો આ લગભગ 56 ગણી વૃદ્ધિ છે. આ પરિવર્તન અચાનક નથી આવ્યું, પરંતુ તે નિરંતર નીતિગત સુધારાઓ, પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ખાનગી ક્ષેત્રને મુખ્યધારામાં લાવવાનું પરિણામ છે. 

રક્ષા ઉત્પાદન વિભાગે નિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક નક્કર પગલાં લીધાં. ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી, નિકાસ અધિકારીઓની સંખ્યા વધારી અને ‘ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ (OGEL)’ જેવી સુવિધાઓ શરૂ કરી. આ સુધારાઓને કારણે નિકાસકારોની સંખ્યા નાણાકીય વર્ષ 2025-26માં વધીને 145 થઈ ગઈ છે, જે પાછલા વર્ષના 128 કરતાં 13.3 ટકા વધુ છે. રક્ષા અધિગ્રહણ પ્રક્રિયાને (DAP) સરળ બનાવવામાં આવી અને ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ને રક્ષા ક્ષેત્ર સુધી વિસ્તારવામાં આવ્યો.

2015માં સરકારે રક્ષા નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક સુધારા કર્યા. લાઇસન્સિંગ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી અને નિકાસ મંજૂરીનો સમય ઘટાડવામાં આવ્યો. આનાથી ભારતીય કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવો વધુ વ્યવહારુ બન્યો. સાથે જ સરકારે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું. ટાટા, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ જેવી કંપનીઓ રક્ષા ઉત્પાદનમાં સક્રિયપણે સામેલ થવા લાગી. આનાથી માત્ર ઉત્પાદન ક્ષમતા જ ન વધી, પરંતુ તકનીકી નવીનતા પણ શક્ય બની.

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન રક્ષા ક્ષેત્રમાં અનેક એવા નીતિગત હસ્તક્ષેપ કરવામાં આવ્યા, જેણે નિકાસ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. 2020માં સરકારે ‘નેગેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ’ની (હવે પોઝિટિવ ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ) જાહેરાત કરી, જેમાં સેંકડો રક્ષા સાધનોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા જેને હવે ભારતમાં જ નિર્મિત કરવામાં આવશે. આનાથી ઘરેલુ ઉદ્યોગને એક સ્થિર માંગ મળી, જેથી ઉત્પાદન ક્ષમતા અને રોકાણ બંને વધ્યા.

સાથે જ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં રક્ષા ઔદ્યોગિક કોરિડોર સ્થાપિત કરવામાં આવ્યા, જેથી પ્રાદેશિક સ્તરે ઉત્પાદન ક્લસ્ટર્સ વિકસિત થયા. સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ રક્ષા નિકાસ વ્યૂહરચના પણ તૈયાર કરી, જેમાં ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો કે ભારતને વૈશ્વિક રક્ષા પુરવઠા શૃંખલાનો એક અભિન્ન ભાગ બનાવવામાં આવે. તે સિવાય મોદી સરકારના અન્ય પ્રયાસો પણ હતા, જે નીચે મુજબ છે.

આત્મનિર્ભર ભારત અભિયાન

આત્મનિર્ભર ભારત અભિયાને રક્ષા ક્ષેત્રમાં સ્વદેશીકરણને નવી મજબૂતી આપી છે. પાંચ સકારાત્મક ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ જારી કરવામાં આવી, જેમાં કુલ 5,500થી વધુ આઇટમ્સનો સમાવેશ છે. આ લિસ્ટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેથી ઘરેલુ કંપનીઓને પ્રોત્સાહન મળ્યું. DRDO દ્વારા વિકસાવેલી ટેક્નોલોજીઓને ખાનગી ક્ષેત્ર સાથે શેર કરવામાં આવી.

બ્રહ્મોસ મિસાઇલ, તેજસ લડાકૂ વિમાન, આકાશ મિસાઇલ સિસ્ટમ, પિનાકા રોકેટ લૉન્ચર, સ્વાતિ રડાર, ATAGS હોવિત્ઝર અને અન્ય સ્વદેશી પ્રણાલીઓ હવે માત્ર ભારતીય સેનાની જરૂરિયાતો પૂરી કરી રહી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માંગ પેદા કરી રહી છે. PIB પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આ સુધારાઓએ સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ વધાર્યો અને નિકાસ વૃદ્ધિને શક્ય બનાવી છે. પાંચ સકારાત્મક ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટ હેઠળ 3,000થી વધુ આઇટમ્સ પહેલેથી જ સ્વદેશી બની ચૂકી છે, જેથી આયાત પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી છે.

DPSUs અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી

આ રેકોર્ડમાં સૌથી ઉલ્લેખનીય પાસું DPSUs અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનું સંતુલિત યોગદાન છે. નાણાકીય વર્ષ 2025-26માં DPSUsએ ₹21,071 કરોડની નિકાસ કરી, જે પાછલા વર્ષના ₹8,389 કરોડ કરતાં 151 ટકા વધુ છે. ખાનગી ક્ષેત્રે ₹17,353 કરોડનું યોગદાન આપ્યું, જે પાછલા વર્ષના ₹15,233 કરોડ કરતાં 14 ટકા વધુ છે.

ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતાનું જીવંત પ્રમાણ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ જેવી કંપનીઓ હવે રક્ષા ઉત્પાદન અને નિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. MSMEs અને સ્ટાર્ટઅપ્સને iDEX (ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ) જેવી યોજનાઓ મારફતે ફંડિંગ, મેન્ટરિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

કુલ મળીને, રક્ષા નિકાસકારોની સંખ્યા વધવી અને ખાનગી ક્ષેત્રનું 45 ટકાથી વધુ યોગદાન એ વાત સાબિત કરે છે કે સુધારા માત્ર સરકારી ક્ષેત્ર સુધી મર્યાદિત ન રહ્યા, પરંતુ આખા ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવ્યું છે.

વૈશ્વિક બજારમાં ભારતની વધતી સ્વીકૃતિ અને નિકાસ ગંતવ્યો

ભારત હવે રક્ષા સાધનોની નિકાસ 80થી વધુ દેશોને (કેટલાક સત્તાવાર રિપોર્ટ્સમાં 100થી વધુ) કરી રહ્યું છે, જેમાં અમેરિકા સહિતના દેશો ટોચના ખરીદદાર તરીકે ઉભરી આવ્યા છે. આર્મેનિયા, ફ્રાન્સ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઇજિપ્ત, ઇઝરાયેલ, જર્મની અને અનેક આફ્રિકી તેમજ એશિયાઈ દેશો પણ મહત્વના બજાર બની ચૂક્યા છે. ખાસ કરીને આર્મેનિયાએ આકાશ-1એસ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમ, પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લૉન્ચર, સ્વાતિ હથિયાર લોકેટિંગ રડાર અને ATAGS હોવિત્ઝર જેવા સ્વદેશી ઉત્પાદનોનો મોટો ઓર્ડર આપ્યો છે, જે ભારતીય રક્ષા નિકાસની વધતી વિશ્વસનીયતાને રેખાંકિત કરે છે.

આ વૈશ્વિક સ્વીકૃતિ માત્ર સંયોગ નથી. રશિયા-યુક્રેન સંઘર્ષ અને મિડલ-ઈસ્ટની અસ્થિરતા જેવી ભૂ-રાજકીય ઘટનાઓએ વિશ્વભરના દેશોને વિવિધ સપ્લાયરોની શોધમાં ધકેલ્યા છે. અનેક રાષ્ટ્રો હવે મોંઘા રશિયન કે પશ્ચિમી હથિયારોના વિકલ્પ તરીકે સસ્તા, વિશ્વસનીય અને યુદ્ધ-પ્રમાણિત ભારતીય ઉત્પાદનો તરફ વળી રહ્યા છે. ભારતીય રક્ષા ઉત્પાદનોની કિંમત સ્પર્ધાત્મક હોવા સાથે તેમની ગુણવત્તા, પ્રદર્શન અને પછીની જાળવણીની સરળતાએ તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત સ્થાન અપાવ્યું છે. રક્ષા મંત્રાલય અનુસાર ભારત હવે પૂર્ણ પ્રણાલીઓ સાથે સાથે સબ-સિસ્ટમ્સ, કોમ્પોનન્ટ્સ અને સ્પેર પાર્ટ્સ પણ નિકાસ કરી રહ્યું છે, જે સપ્લાય ચેઇનમાં ભારતની ઊંડાણને દર્શાવે છે.

વિશેષ સ્વદેશી ઉત્પાદનોની સફળતા: બ્રહ્મોસ, તેજસ અને આકાશ જેવી મિસાલો

આ રેકોર્ડ નિકાસ પાછળ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત અનેક સ્વદેશી પ્રણાલીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ હવે અનેક દેશોની રુચિનું કેન્દ્ર બની છે. તેજસ લડાકૂ વિમાન તેની ઉચ્ચ વિશ્વસનીયતા અને આધુનિક એવિયોનિક્સને કારણે નિકાસ બજારમાં ચર્ચામાં છે. આકાશ મિસાઇલ પ્રણાલીએ આર્મેનિયા જેવા દેશોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે, જ્યારે પિનાકા રોકેટ સિસ્ટમ અને સ્વાતિ રડારે યુદ્ધ ક્ષેત્રમાં પોતાની સચોટતાનો પુરાવો આપ્યો છે.

આ ઉત્પાદનો માત્ર ભારતીય સેનાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા નથી, પરંતુ વિદેશી ખરીદદારોને પણ આકર્ષિત કરી રહ્યા છે. મોદી સરકારે DRDOની ટેક્નોલોજીને ખાનગી ક્ષેત્ર સાથે ટ્રાન્સફર કરવાની નીતિ અપનાવી, જેથી ઉત્પાદન ક્ષમતા વધી અને નિકાસ માટે પર્યાપ્ત માત્રામાં પુરવઠો શક્ય બન્યો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પાંચ સકારાત્મક ઇન્ડિજિનાઇઝેશન લિસ્ટમાં સામેલ હજારો આઇટમ્સ હવે સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટી અને નિકાસ ક્ષમતા વધી છે.

રક્ષા ઉત્પાદનમાં સમાંતર વૃદ્ધિ

નિકાસની આ સફળતા રક્ષા ઉત્પાદનમાં થયેલી સમાંતર વૃદ્ધિનું પરિણામ છે. નાણાકીય વર્ષ 2023-24માં સ્વદેશી રક્ષા ઉત્પાદન ₹1,27,434 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદના વર્ષોમાં આ વધતું રહ્યું છે. સરકારનો સ્પષ્ટ લક્ષ્ય 2029 સુધીમાં કુલ રક્ષા ઉત્પાદનને ₹3 લાખ કરોડ અને નિકાસને ₹50,000 કરોડ સુધી લઈ જવાનો છે. વર્તમાન ₹38,424 કરોડનો આંકડો આ લક્ષ્ય તરફનું એક મહત્વનું પગલું છે.

રક્ષા ઉત્પાદન વિભાગે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું નિગમીકરણ કર્યું, જેથી ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થયો. સાથે જ ખાનગી ક્ષેત્રને મોટાપાયે ભાગીદારી આપવાથી સ્કેલ-અપ શક્ય બન્યો. આ સમગ્ર વિકાસ એ વાત દર્શાવે છે કે નિકાસ માત્ર વેચાણ નથી, પરંતુ સ્વદેશી વિનિર્માણ ક્ષમતાનો વિસ્તાર છે.

ટાર્ગેટ ₹50,000 કરોડની નિકાસ

₹38,424 કરોડનો આ રેકોર્ડ માત્ર એક આંકડો નથી. આ તે ભારતની વાત છે જેણે કોંગ્રેસ કાળની આયાત-નિર્ભરતાને ત્યજીને સ્વદેશી શક્તિ પર વિશ્વાસ મૂક્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝને રક્ષા ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.

આ સિદ્ધિ આખા રક્ષા ઉદ્યોગ- DPSUs, ખાનગી ક્ષેત્ર, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને DRDOના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. કોંગ્રેસના સમયમાં વાર્ષિક સરેરાશ કેટલાક સો કરોડની નિકાસ કરનાર ભારત આજે એક વર્ષમાં 38,000 કરોડથી વધુનો નિકાસ કરી રહ્યું છે. આ પરિવર્તન નીતિગત સુધારાઓ, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અને સ્વદેશી ટેક્નોલોજી પર વિશ્વાસનું પરિણામ છે.

આગળનો ટાર્ગેટ ₹50,000 કરોડનો નિકાસ અને પૂર્ણ આત્મનિર્ભરતા છે. ભારત હવે માત્ર પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું નથી, પરંતુ વિશ્વને સસ્તા, અસરકારક અને વિશ્વસનીય રક્ષા સમાધાનો પણ પૂરા પાડી રહ્યું છે. આ મોદી યુગની સૌથી મોટી સિદ્ધિઓ પૈકીની એક છે, જે ‘આત્મનિર્ભર ભારત’ને વાસ્તવિકતા બનાવી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં