ફિલ્મ ‘ધુરંધર’નો બીજો ભાગ આવ્યા પછી પ્રશંસકોમાં, સામાન્ય જનતામાં, રાષ્ટ્રપ્રેમીઓમાં જેટલો ઉમંગ અને ઉત્સાહ છે તેનાથી અનેકગણી વધારે બળતરા એક વિશેષ ટોળકીને થઈ રહી છે. પહેલો ભાગ આવ્યો ત્યારે જ આ પીડાની શરૂઆત થઈ ગઈ હતી જે હવે ‘અસહ્ય’ કહી શકાય એવા સ્તરે પહોંચી ગઈ છે અને અમુકની હાલત એવી થઈ છે કે હવે માથા પછાડવાનાં જ બાકી રાખ્યાં છે. આપણી તો જોકે સહાનુભૂતિ છે, પણ સામાન્ય જનતા સમજી રહી નથી. આ પીડા પર મીઠું ભભરાવી રહી છે. આપણે યથાશક્તિ યોગદાન આપી દઈએ.
‘આ ફિલ્મ પ્રોપગેન્ડા છે’, ‘તેમાં અતિશયોક્તિ કરવામાં આવી છે’, ‘તેમાં પાછલી સરકારોને ખોટી ચીતરવામાં આવી છે’ અને ‘મોદીનાં ગુણગાન ગાયાં છે’– આવી બધી દલીલો આપણા માથે મારવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આવા અમુક ધ્યાને ચડ્યા છે. મોદીની વાત આવે અને રવીશ કુમારનું ગુજરાતી સંસ્કરણ કહી શકાય એવા ઉર્વીશ કોઠારી કંઈ ન બોલે એવું ઓછું બને. આ વખતે પણ તેમણે ઠીકઠાક જ્ઞાન પીરસ્યું છે. બળતરા ઠાલવી છે એમ કહીએ તો વધુ ઉચિત રહે.
ઉર્વીશે નવજીવન ન્યૂઝ સાથે વીસેક મિનિટની વાતચીત આ ફિલ્મ વિશે કરી છે. સુજ્ઞ વાચકોનું જ્ઞાનવર્ધન કરી દઈએ– આ નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ ચલાવે છે, જેઓ ઉર્વીશની જ જમાતના એક સભ્ય છે. એકને ગુજરાતનો રવીશ કહીએ તો બીજાને રાજદીપ કહી શકાય. અહીં ઇન્ટરવ્યુમાં જોકે પ્રશાંત નથી, તેમના સ્થાને નવજીવનમાં જ કામ કરતા એક ભાઈને બેસાડ્યા છે, જેનું એકમાત્ર કામ આખી વાતચીત દરમ્યાન ઉર્વીશને તેઓ જે એજન્ડા ચલાવવા માગે છે તે આગળ ચલાવવા દેવા માટે ફૂલટોસ નાખી આપવાનું હોય એમ લાગે છે.

થોડી આડવાત: આવા બધામાં ડાબેરી ઇકોસિસ્ટમને પહેલેથી ફાવટ છે. પોતાને ‘પત્રકાર’ કહેવડાવતા બે માણસો સામસામે બેસી જશે. એક પ્રશ્ન પૂછનાર હશે, બીજો તેની ઉપર જવાબ આપીને ચર્ચા કરનાર. પ્રશ્ન પૂછનાર પ્રશ્નો એ જ રીતે પૂછે છે જેથી સામેની વ્યક્તિ જે એજન્ડા લઈને આવી હોય એ પાર પાડવા માટે તેણે વધારે મહેનત ન કરવી પડે અને તેને બેકગ્રાઉન્ડ મળી રહે. આમ કાયમ અન્ય ઇન્ટરવ્યુમાં અઘરા સવાલો કેમ નથી થતા તેવા પ્રશ્નો કર્યા કરનારાઓ આવી કળા કરતા હોય ત્યારે પોતાની જ દલીલો ચાલાકીપૂર્વક ભૂલી જાય છે એ પણ એક આગવી કળા જ છે.
‘પ્રોપગેન્ડા ફિલ્મના ઇતિહાસમાં હિટલરે કેવી રીતે બાજી મારી લીધી હતી’ તેવા શીર્ષક સાથેના વિડીયોમાં મૂળ વાત ફિલ્મ ધુરંધરની છે. અમે આ બાવીસ મિનિટના હથોડા સહન કર્યા છે, જેથી તમારે સહન કરવા ન પડે. છતાં તમને રસ હોય તો આ પ્લેટફૉર્મ સોશિયલ મીડિયા પર સર્ચ કરીને વિડીયો શોધી લેજો.
વિડીયોમાં ઉર્વીશ કોઠારી ‘ધુરંધર’ને પ્રોપગેન્ડા ફિલ્મમાં ખપાવવા માટે પૂરતી મહેનત કરી જાણે છે, પણ સફળ થયા નથી. કારણ માત્ર એટલું છે કે ફિલ્મ ખરેખર ‘પ્રોપગેન્ડા’ છે જ નહીં. આ વિષય પર અગાઉ એક અલગ લેખમાં ચર્ચા થઈ ચૂકી છે. સત્યને તદ્દન નજીક રહીને, તથ્યો સાથે ચેડાં કર્યા વગર ફિલ્મ કઈ રીતે બનાવી શકાય એ આદિત્ય ધરે અને તેમની ટીમે સાબિત કરી બતાવ્યું છે. લોકોએ તેમને સ્વીકાર્યા પણ છે એ હકીકત બૉક્સ ઑફિસના આંકડા પરથી પણ જણાય રહી છે. પણ ઉર્વીશ અને તેમના જેવા અમુક સ્વીકારવા માટે તૈયાર નથી.
‘ફિલ્મ પ્રોપગેન્ડા કેમ છે’ તે સમજાવવા માટે ઉર્વીશ કોઠારી આખી વાતચીતમાં એક પણ ઉદાહરણ આપતા નથી કે ફિલ્મનું કોઈ દૃશ્ય, કોઈ ઘટના ટાંકીને કહેતા નથી કે આમાં સત્ય આ હતું પણ ફિલ્મમાં આ રીતે તેને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું.
સંભવતઃ તેમણે ફિલ્મ જોઈ પણ નહીં હોય. એટલે અજાણ્યાં સોશિયલ મીડિયા હેન્ડલોને ટાંકીને, તેમને ધરાર ‘વિશ્વસનીય’માં ખપાવીને કહે છે કે તેમણે યાદી આપી છે કે ફિલ્મમાં ક્યાં-ક્યાં પ્રોપગેન્ડા છે અને તથ્યાત્મક રીતે વિગતો ખોટી છે. એટ લિસ્ટ તેઓ આ ટ્વિટર હેન્ડલ કયાં છે અને તેમણે ક્યાં અને શું યાદી આપી છે એ પણ કહી શક્યા હોત, પણ એ પણ કહ્યું નથી અને હવામાં ગોળીબાર કર્યો છે.
ખરેખર તો ‘પ્રોપગેન્ડા’ આને કહેવાય
ફિલ્મ કદાચ જોઈ નથી. જોઈ પણ હોય તો તેમાં કયા દૃશ્યમાં શું પ્રોપગેન્ડા છે એ કહ્યું નથી અને કોઈ ત્રીજી જ વ્યક્તિને ટાંકીને કહી દેવાયું કે તેણે આ પ્રોપગેન્ડા ખુલ્લો પાડ્યો છે. શું અને કઈ રીતે એ પણ કહ્યું નથી. આવા હવામાં ગોળીબારને સાચા માની લઈએ એવું આ બધા ઇચ્છે છે.
આગળ ઉર્વીશ કોઠારી કહે છે કે ફિલ્મમાં અમુક ઘટનાઓ અને તથ્યો સરળતાથી ખોટાં છે એમ પુરવાર કરી શકાય છે, પરંતુ આ વાતચીતમાં ક્યાંય ઉદાહરણ આપીને આ પુરવાર કરી શક્યા નથી એ વક્રતા છે.
ફિલ્મને ધરાર ખોટી ચીતરવા માટે ઉર્વીશ કોઠારી એક એવો દાવો કરી દે છે જે વાસ્તવમાં ફિલ્મનું સબળું પાસું છે. ઉર્વીશ એવો દાવો કરે છે કે ફિલ્મમાં જે ગુંડાઓ છે, તેમની મરણની તારીખો છે અને કઈ સરકારમાં થયું એ બધું તથ્યાત્મક રીતે ખોટું છે.
વાસ્તવિકતા અહીં એ છે કે ફિલ્મમાં આ બધી જ તારીખો, પાકિસ્તાની ગેંગસ્ટરો-આતંકવાદીઓનાં નામ સાચાં વાપરવામાં આવ્યાં છે. પર્ટિક્યુલર ઘટનાઓની વાત કરીશું તો સ્પોઇલર આપવા જેવું થશે, પરંતુ જે-જે પાત્રોનાં નામ વાપરવામાં આવ્યાં છે, તેમની સાથે બનેલી ઘટનાઓ દર્શાવવામાં આવી છે એ મોટાભાગની ઘટનાઓ અને તે ઘટનાઓને લગતી તારીખો, તેમનાં મૃત્યુ કઈ રીતે થયાં હતાં, કઈ તારીખે થયાં હતાં– આ બધું જ ફિલ્મમાં દર્શાવાયું છે. એટલે અહીં ફિલ્મ નહીં ઉર્વીશનાં તથ્યો ખોટાં છે. ફિલ્મ જોયા વગર જ્ઞાન પીરસવા બેસી જાઓ તો આવું થવાની શક્યતાઓ રહે છે.
આ જ વાતચીતમાં ઉર્વીશ સાથે વાત કરનાર નવજીવન ન્યૂઝના કિરણ કાપૂરે એક બાલિશ સવાલ કરે છે અને કહે છે કે ફિલ્મમાં અતીક અહેમદ અને અન્ય અમુક પાત્રોનાં નામમાં માઈનર ફેરફાર કરવામાં આવ્યો છે, પણ વડા પ્રધાન મોદીનું ચિત્રણ વાસ્તવિક થયું છે.
માણસનામાં સામાન્ય બુદ્ધિ હોય તોપણ એને સમજાય જાય એવું છે. અતીક અને અન્યો ‘પાત્રો’ છે, મોદી ‘પાત્ર’ નથી. એ ભૂતકાળમાં બનેલી ઘટના વર્ણવવા માટે માત્ર સાચી ન્યૂઝ ક્લિપનો ઉપયોગ થયો છે. એક ક્લિપમાં બતાવેલા મોદીને પાત્રો સાથે સરખાવી ન શકાય!
ઉર્વીશની બીજી સમસ્યા એ છે કે ફિલ્મમાં ભૂતકાળની સરકારોને ખરાબ ચીતરવામાં આવી છે અને વર્તમાન સરકારને સારી ચીતરવામાં આવી છે. આમ તો એક ‘તટસ્થ’ અને ‘નિષ્પક્ષ’ પત્રકાર હોય તો તેને કઈ સરકારને ફિલ્મમાં કેવી ચીતરવામાં આવે તેની સાથે શું નિસ્બત હોય?
અહીં પણ ઉર્વીશ કોઠારી એક પણ એવી હકીકત પર ધ્યાન દોરી શકતા નથી જે તથ્યાત્મક રીતે ખોટી હોય અને ભૂતકાળની સરકારમાં ઘટના બની ન હોય ને બનતી દર્શાવવામાં આવી હોય.
મૂળ સમસ્યા મોદી સાથે છે
ઉર્વીશનું વિશ્લેષણ સાંભળતાં લાગે છે કે તેમને ફિલ્મ સાથે મૂળ બે સમસ્યા છે. 1) ભૂતકાળની સરકારને ખરાબ કેમ ચીતરવામાં આવી છે? 2) મોદીનાં ગુણગાન કેમ છે?
આમ તો ફિલ્મમાં મોદીનાં ગુણગાન જેવું કશું નથી. મોદીના કાર્યકાળમાં જે નિર્ણયો લેવાયા અને જે ઘટનાક્રમો બન્યા એ ઘટનાઓ યથાવત રાખીને તેમાં થોડી ક્રિએટિવ લિબર્ટી લઈને વાર્તા ઘડવામાં આવી છે. જે બન્યું છે એ બતાવવું, સારી ઘટનાઓને હાઇલાઇટ કરવી, દેશનું સારું થયું હોય એ મોટા પડદે દર્શાવવું એ પ્રોપગેન્ડા ન કહેવાય, ન એ દેશના નેતાનાં ગુણગાન કહેવાય. મોદીના કાર્યકાળના ઐતિહાસિક નિર્ણયો પર આંખ આડા કાન કરીને ફાલતુ બાબતોમાં વાંધા કાઢ્યા કરવાનું કામ ઉર્વીશ અને તેમના જેવાઓ દિવસ-રાત એક કરીને નિષ્ઠાપૂર્વક કરે જ છે, પણ એમને એવી ગેરસમજ છે કે ગામે પણ આંખ બંધ કરીને ઘેટાંચાલમાં જોડાઈ જવું જોઈએ. એ ન થાય ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે અને આવું જ્ઞાન વહેંચવા માંડે છે.
વાત જ્યાં સુધી પાછલી સરકારોની નિષ્ફળતાની છે તો એ પણ જે ઘટનાઓ બની એ દર્શાવવામાં આવી છે. જે-તે સરકારો નિષ્ફળ ગઈ હતી તો તેને ધરાર સફળ સાબિત શું કામ કરવી જોઈએ? ખરેખર તો એને પ્રોપગેન્ડા કહેવાય.
અંતે હિટલરની વાતો આવે છે અને તેના સમયમાં કઈ રીતે તેના શાસનને ઊજળું બતાવવા પ્રોપગેન્ડા ફિલ્મોનો સહારો લેવામાં આવ્યો હતો એમ કહીને મારીમચડીને સરખામણી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
હકીકત એ છે કે અત્યાર સુધી બોલિવૂડની જે ફિલ્મો બની તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં વિષય સાથે ન્યાય કરવામાં આવ્યો ન હતો અને ઉપરથી રૉ એજન્ટોને અમુક વખત જોકરવેડા કરતા બતાવવામાં આવ્યા તો અમુક ફિલ્મોમાં પાકિસ્તાની મુસ્લિમ ISI મહિલા એજન્ટ સાથે પ્રેમમાં પડતા બતાવાયા. હિંદુ એજન્ટને પાકિસ્તાની ISI માટે કામ કરતો અને ભારત અને પાકિસ્તાનની એજન્સીઓ ત્રીજા દેશમાં સાથે મળીને મિશન પાર પાડે એવાં પણ ગપ્પાં ચલાવવામાં આવ્યાં હતાં. તેમ છતાં અત્યારે જેઓ પ્રોપગેન્ડાની બૂમો પાડે છે તેમણે એક અક્ષર ઉચ્ચાર્યો ન હતો. ‘ધુરંધર’થી વિશેષ સમસ્યા એટલા માટે છે કારણ કે આ ફિલ્મ કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર, સેક્યુલરવેડા વગર પ્રગટપણે પાકિસ્તાનીઓની, ત્યાંના આતંકવાદીઓની જેહાદી માનસિકતા ઉજાગર કરી રહી છે. ભારતમાં બેઠેલા અમુક ઘરના ગદ્દારોની પોલ ખોલી રહી છે. મૂળ સમસ્યા ત્યાં છે.
એ જ કારણ છે કે વિડીયો બનાવી-બનાવીને, લેખો લખીલખીને ફિલ્મ વિરુદ્ધ અપપ્રચાર થઈ રહ્યો છે. પણ તેની અસર કેટલી થઈ?– આ ફિલ્મ હજાર કરોડને પાર કરી ગઈ. આપણને બધાને સામૂહિક અભિનંદન. રડારોળ કરતી ગેંગ પ્રત્યે સહાનુભૂતિ! એમને કહીએ કે હવે ‘આદત ડાલ લીજીયે!’


