
ગાંધીનગરના સેક્ટર-25 GIDCમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીમાં કામ કરતી મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામમ ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે AAP નેતા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી. કંપનીના માલિક AAPના પ્રદેશ ઉપપ્રમુખ છે અને તેના ભાઈ હિમાંશુ પટેલે પોતાની બીજી કંપની મેક્સિએમએસ હોલિડે પ્રા.લિમિટેડના ઓડિટરની જવાબદારી સોંપી હતી. આ દરમિયાન મહિલાએ અંદાજે 80થી 85 લાખના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ કૌભાંડ બહાર આવતા સંચાલકો ગભરાયા હતા.
ફરિયાદ મુજબ 26 માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીમાં આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ મહિલાના વાળ ખેંચી, માર મારીને ધમકી આપી હતી કે જો આ હિસાબોની વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખી ક્યાંક દાટી દેવામાં આવશે.
ઘટના બાદ ડરી ગયેલી મહિલાએ કંપનીના માલિક અને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું હતું. જોકે, મદદ કરવાની જગ્યાએ હસમુખ પટેલે મહિલાને ફરિયાદ ન કરવાનું દબાણ કર્યું હતું અને આરોપ છે કે તેમના ઈશારે જ અપહરણ અને મારપીટ પણ થઈ હતી. બાદમાં મહિલાએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા હસમુખ પટેલની ધરપકડ કરી લીધી હતી. નોંધવા જેવું છે કે હસમુખ પટેલે વર્ષ 2020-21માં AAPના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતું. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે માહિલાએ બેનામી હિસાબો શોધી કાઢતા આપ ઉપપ્રમુખના ઇશારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને હત્યાની ધમકી આપવામાં આવી હતી.

